હેન્રી શાસ્ત્રી
૧૧૫ વર્ષના દાદીમાની ‘દાદાગીરી’
દાદીમાએ દાદીમાનો રેકોર્ડ તોડી દીર્ઘાયુ બદલ ‘દાદાગીરી’ બતાવી દીધી છે. વાક્ય વાંચી અટવાઈ જાઓ કે મૂંઝાઈ જાઓ એ પહેલા સ્પષ્ટતા કરી દઈએ કે વિશ્ર્વભરમાં સર્જાતા વિશ્વવિક્રમની યોગ્ય રીતે જાંચ પડતાલ કરીને માન્યતા આપતા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તાજેતરમાં સૌથી વધુ વર્ષની જીવિત વ્યક્તિ તરીકે ૧૧૫ વર્ષના સ્પેનિશ દાદીને પ્રમાણિત કરવામાં આવ્યા છે. કાગળિયાની ચકાસણી કરી સંતોષ થયા પછી ફ્રેન્ચ દાદીને સ્થાને સ્પેનિશ દાદીનું નામ ચમકી ગયું છે. ૧૧૮ વર્ષના ફ્રાન્સના રહેવાસી લ્યુસી રેન્ડોનનું મૃત્યુ થયા પછી બીજે જ દિવસે ૧૧૫ વર્ષના મારિયા મોરિયા નામના દાદીને માથે સૌથી વધુ ઉંમરની જીવિત વ્યક્તિનો તાજ આવી ગયો છે. યુએસએમાં જન્મેલા અને છેલ્લા ૨૦ વર્ષથી સ્પેનના ગામડામાં રહેતા દાદીમાને બે વિશ્ર્વયુદ્ધ, ૧૯૧૮ની ઈન્ફ્લૂએન્ઝા મહામારી, ૧૯૩૬નું સ્પેનિશ આંતરિક યુદ્ધ અને કોવિડ – ૧૯ની મહામારી જેવા સંકટો પણ ડગમગાવી શક્યા નથી. આરોગ્યપ્રદ જીવન જીવતા દાદીમાનું હાડકું ક્યારેય ભાંગ્યું નથી, તેમણે ક્યારેય પીડા નથી અનુભવી અને સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે તેમને ક્યારેય હૉસ્પિટલમાં દાખલ નથી કરવા પડ્યા. ૧૧૩મી વર્ષગાંઠની ઉજવણી પછી તેમને કોવિડ થયો હતો. પણ પોતાના જ રૂમમાં સારવાર લઈ સાજા થઈ ગયા હતા. કોવિડ મહામારીએ જગવિખ્યાત બનાવી દીધેલી ઇમ્યુનિટી (રોગપ્રતિકારકશક્તિ)માં દાદીમાનો જોટો જડવો મુશ્કેલ છે એ નિ:શંક બાબત છે.
———-
ગળપણ વિનાનું સગપણ
ક્ધયા વિદાયના સમયે વાતાવરણ કરુણાથી છલકાતું હોય છે. પેરેન્ટ્સ – પુત્રી વિયોગની વેદના અનુભવે છે. અલબત્ત પુત્રીના હૈયાના એક ખૂણે જીવનસાથી સાથે નવા જીવનનો રોમાંચ પણ હોય છે. જોકે, ચીનથી વાયરલ થયેલા એક વીડિયોમાં ૨૦ વર્ષની નવોઢા ધ્રૂસકે ધ્રૂસકે રડતી નજરે પડે છે અને વેદનાનું કારણ ક્ધયા વિદાય નથી. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ નામના અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર યેન નામની ક્ધયાએ ઓનલાઈન પોસ્ટમાં જણાવ્યું છે કે ‘મારા પેરેન્ટ્સની ઉંમર વધી રહી છે અને હું પણ હવે નાની કીકલી નથી રહી. મારા સગા વહાલાઓ લગ્ન કરવા દબાણ કરે છે અને પાડોશીઓ ગોસિપ કરે છે. મેરેજ કરી લેવાનું મારા પર પ્રેશર છે અને એટલે જ બ્લાઈન્ડ ડેટ (સાવ અજાણ્યા યુવક સાથે રોમેન્ટિક મિટિંગ) પર મળેલા યુવક માટે લાગણી ન હોવા છતાં એની સાથે પરણી જવાનું નક્કી કર્યું. મારા પરણી જવાથી માતા – પિતા રાહત અનુભવશે. જોકે, મારું ભાવિ મને ધૂંધળું લાગી રહ્યું છે.’ લગ્ન એ બે હૃદયનું મિલન પણ હોય છે પણ જ્યાં જીવનસાથી માટે લાગણીના કોઈ અંકુર જ ન ફૂટ્યા હોય એ સગપણમાં કોઈ ગળપણ ન હોય. ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ કહેવતને પૂળો મૂકવાના સમયમાં જબરજસ્તી કરેલા લગ્ન પીડાદાયક સાબિત થવાની સંભાવના વધારે છે. દીકરીને વળાવી જ દેવી જોઈએ એ માન્યતામાંથી બહાર નીકળવાની જરૂર છે.
——–
‘પાંખો’ સાથે જન્મેલા જોડિયા બાળકો
માતા પિતાની પરિક્રમા બ્રહ્માંડ પ્રવાસ કરતા પણ શ્રેષ્ઠ છે એવી શિવજીની દલીલ આજે ભાગ્યે જ કોઈને ગળે ઉતરે. આજે તો પૃથ્વીની પરિક્રમા થલ – જલ – નભ માર્ગે કરવાની તીવ્ર ઉત્કંઠા સર્વત્ર જોવા મળે છે.
યુકેના દંપતી કરેન એડવર્ડ્સ અને શોન બોયસ પોતાના ચાર બાળકોને દુનિયા દેખાડી એની સમજણ કેળવવા પ્રવાસ કરી રહ્યા છે. યુગલની આઠ વર્ષની દીકરીએ અત્યાર સુધીમાં છ ખંડના ૫૩ રાષ્ટ્રની મુલાકાત લઈ લીધી છે. પાંચ વર્ષનો દીકરો અત્યાર સુધીમાં છ ખંડના ૪૦ દેશમાં ફરી વળ્યો છે. દીકરી જન્મના સાત વર્ષ પછી કરેને જોડિયા બાળકોને જન્મ આપ્યો અને આ ટ્વિન્સ ગયા અઠવાડિયે એક વર્ષના થયા ત્યારે ૩૧૦૦૦ માઈલની સફર કરી પાંચ રાષ્ટ્રની મુલાકાત લઈ ચૂક્યા છે. જાણે કે પાંખ સાથે જ તેમનો જન્મ ન થયો હોય એમ ઉડાઉડ કરી રહ્યા છે. ૨૦૧૫ – ૧૬માં કરેન પ્રેગ્નન્ટ હતી ત્યારે ભૂમિ ભ્રમણનો વિચાર પહેલી વાર આવ્યો અને મોટી દીકરીને લઈ એક વર્ષ પ્રવાસ કર્યો. બીજા બાળકના જન્મ વખતે એ વિચારનું પુનરાવર્તન થયું. ત્યારબાદ કોવિડની મહામારીને લીધે ફેરફુદરડીને બ્રેક લાગી પણ ૨૦૨૨ના જાન્યુઆરીમાં જોડકાના જન્મ પછી ફરી સળવળાટ થયો અને ૧૨ મહિનામાં યુગલે બાળકો સાથે સ્વિટ્ઝર્લેન્ડ, ઓમાન, યુકે અને શ્રીલંકાની સફર કરી લીધી છે. બાળકો મોટા થઈને ટ્રાવેલ એજન્સી શરૂ કરવાનો વિચાર કરશે તો નવાઈ નહીં લાગે.
———-
નામમાં પાર્ટનરશિપ, હોય નહીં!
ભાગીદાર ને ભાગીદારી વિશે જાતજાતની વાતો જોઈ કે જાણી હશે. જોકે, આજની વાત વાંચી તમારા મોઢામાંથી અજબ દુનિયાની ગજબ વાત એવી પ્રતિક્રિયા જરૂર સરી પડશે. વાત એમ છે કે રાજસ્થાનના કેટલાક ગામના અટપટા નામ જાણ્યા પછી લોકો હસવું નથી રોકી શકતા. રાજસ્થાનનો ઉલ્લેખ થતા નજર સામે રેતાળ રણ, મહેલ, કિલ્લા અને ઘુમર નૃત્ય આંખ સામે તરવરી ઊઠે. જોકે, કેટલાક ગામના નામ વાંચી કે એના અંગે જાણ્યા પછી અચરજ થાય છે અને આવા નામ કેમ પડ્યા હશે એ જાણવાની ઈચ્છા થાય છે. મેળા માટે વિખ્યાત પુષ્કર વિધાનસભા ક્ષેત્રમાં ‘ઝૂઠોં કી ઢાણી’ નામનું ગામ છે. ઢાણી એટલે ઝૂંપડીના સમૂહનું ગામ. નામની કથા એવી છે કે ઘણા વર્ષો પહેલા ગામના લોકોના અનેક જૂઠાણાં પકડાઈ ગયા હતા અને ત્યારથી એ આ નામથી ઓળખાય છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ૪૪ ગામ એવા છે જે ‘પાર્ટનર ગાંવ’ (ભાગીદાર ગામ) તરીકે જાણીતા છે. તમારી આંખો પહોળી થઈ ગઈ હોય તો જાણી લો કે આ ગામના નામ એકબીજાના પાર્ટનર-ભાગીદાર જેવા છે. દેવર-દેવરી, ભીલવાડા-ભીલવાડી, ખેરખેડા- ખેરખેડી, બડબેલા-બડબેલી, બાંસખેડા- બાંસખેડી વગેરે એના જાણીતા ઉદાહરણ છે. આપણા દેશમાં ઘણા રેલવે સ્ટેશનના નામ અજીબોગરીબ છે અને રાજસ્થાન પણ એમાંથી બાકાત નથી. રાજ્યના જોધપુર જિલ્લાના એક રેલવે સ્ટેશનનું નામ ‘સાલી’ છે તો ઉદયપુર જિલ્લાના એક સ્ટેશનનું નામ ‘નાના’ છે. આ બંને ગામમાં અનુક્રમે સાળીઓ અને નાના (મમ્મીના પપ્પા)ની બહુમતી છે કે કેમ એ વિશે ફોડ પાડવામાં નથી આવ્યો.