હેન્રી શાસ્ત્રી
સૌથી છેલ્લો અને સૌથી પહેલો
પાઈ પાઈનો હિસાબ રાખતા હિસાબી લોકો પળ પળ વિષે જાગરૂક હોય એ જરૂરી નથી. ઓલિમ્પિક્સની વિવિધ સ્પર્ધામાં તો સેક્ધડનો સોમા ભાગનો તફાવત મેડલથી વંચિત રાખી શકે છે. તાજેતરમાં એક અમેરિકન દંપતીને છ મિનિટના તફાવતનો એવો અનુભવ થયો છે કે આજીવન એ તેમના સ્મરણમાં રહેશે. વાત એમ છે કે ૩૧ ડિસેમ્બરે વેણ ઊપડતા સગર્ભાને ટેક્સસ શહેરની હૉસ્પિટલમાં મોડી રાત્રે દાખલ કરવામાં આવી. આ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, પણ બંને બાળકની જન્મ તારીખમાં અલગ અલગ વર્ષની નોંધણી કરવી પડી હતી. બન્યું એવું કે ૩૧ ડિસેમ્બરની રાત્રે ૧૧ વાગીને ૫૫ મિનિટે પહેલું બાળક અવતર્યું અને બીજા બાળકે આ દુનિયામાં
પગ મૂક્યો ત્યારે ઘડિયાળ ૧૨ વાગીને ૧ મિનિટનો સમય બતાવતી હતી. મતલબ કે કેલેન્ડરમાં ૨૦૨૩ની પહેલી જાન્યુઆરી હતી. બંને દીકરી છે અને લક્ષ્મી – સરસ્વતીના આગમનથી રાજીના રેડ થયેલી માતાએ ફેસબુક પર આખી વાત વિગતે રજૂ કરી આનંદ વ્યક્ત કર્યો હતો.
માતાએ કરેલા ખુલાસા અનુસાર પહેલી દીકરી ૨૦૨૨માં જન્મેલું છેલ્લું બાળક હતું અને બીજી દીકરી ૨૦૨૩નું પહેલું બાળક હતું. બેઉ દીકરી જન્મ વખતે ૫.૫ પાઉન્ડની હતી જે સ્વસ્થ સંતાનનો સંકેત છે. પાંચ મિનિટ કેવા આશ્ર્ચર્ય સર્જી શકે છે.
——-
ગુલાબી આંખે જો તેરી દેખી
યુરોપ અને અમેરિકામાં ગુલાબી રંગ ક્ધયાનો કલર માનવામાં આવે છે અને બ્લુ કિશોરવર્ગ સાથે સાંકળવામાં આવે છે. પહેલું વિશ્ર્વયુદ્ધ શરૂ થયું એ પહેલા રંગોની દુનિયામાં બોય્ઝ – ગર્લ્સનું વિભાજન થયું હોવાનું માનવામાં આવે છે. બાળક દીકરો છે કે દીકરી એ અનુસાર પિન્ક કે બ્લુ રંગના ડ્રેસ આપવાનો રિવાજ છે. સાહિત્યની દુનિયામાં ગુલાબી શબ્દ દિલને મુલાયમ બનાવી દે છે. ગુલાબી ચહેરો, ગુલાબી ઠંડી અને ‘ગુલાબી આંખે જો તેરી દેખી, શરાબી યે દિલ હો ગયા’ એના ઉદાહરણ છે. જોકે, યુએસએના લાસ વેગસમાં સેરા નામની યુવતીના મેરેજમાં ગુલાબીની એવી બોલબાલા હતી કે વાત ન પૂછો. લગ્ન પુરુષ અને સ્ત્રીના થતા હોય છે તો ક્યારેક બે પુરુષ કે બે સ્ત્રી વિવાહ કરતા હોય છે, પણ કોઈ ક્ધયા કલર સાથે વિવાહ કરે એવું તમે સાંભળ્યું છે? નહીં ને, તો આ વાંચો. વાસ્તવિકતા ક્યારેક કલ્પનાથી પણ વિચિત્ર હોઈ શકે છે.
એક આલીશાન સમારંભમાં સેરાએ પોતાના પ્રિય કલર પિન્ક સાથે લગ્ન ગાંઠ બાંધી લીધી હતી. લગ્નસ્થળે દરેકે દરેક વસ્તુ ગુલાબી હતી – ડ્રેસ, ડેકોરેશન, વાળને ગુલાબી રંગ, હોઠ પર પિન્ક લિપસ્ટિક અને એને મેચ થાય એવી ગુલાબી જવેલરી.
જમીન પર ગુલાબી ફૂલ બિછાવવામાં આવ્યા હતા. હાજર રહેલા બધા મહેમાનો પિન્ક પહેરવેશમાં હતા અને પિંક કલરની કેડિલેક કારના બોનેટ પર બેસી સેરા લગ્ન બંધનમાં બંધાઈ હતી.
——-
જુલમગાર સદ્દામની લવ સ્ટોરી, હેં!
એક સમયના ઇરાકના સર્વેસર્વા ગણાતા જુલમગાર અને અત્યાચારી પ્રેસિડેન્ટ સદ્દામ હુસેને ‘ઝબીબા ઍન્ડ ધ કિંગ’ નામની ૧૬૦ પાનાંની લવ સ્ટોરી લખી છે. સદ્દામ જ્યાંનો રહેવાસી હતો એ તિકરિત શહેરમાં આ કથા આકાર લે છે. ૨૦૦૦ની સાલમાં આ પુસ્તક ઇરાકમાં પ્રકાશિત થયું હતું અને ૨૦૧૮ના જાન્યુઆરીમાં એનું અંગ્રેજી ભાષાંતર પ્રગટ થયું હતું. પુસ્તકમાં ઈરાકી રાજા અને ઝબીબા નામની ગ્રામ્યક્ધયાની વાર્તા વણી લેવામાં આવી છે. પુસ્તકના ટૂંકસારમાં જણાવ્યા પ્રમાણે ઝબીબાનાં લગ્ન એક મનસ્વીપણે જીવતા ઘાતકી સ્વભાવના પુરુષ સાથે થયા હતા. પતિ ક્ધયાની ઈચ્છા વિરુદ્ધ પોતાની મનમાની કરતો હોવાનું ચિત્રણ છે જેની આડકતરી સરખામણી પ્રથમ અખાતી યુદ્ધ વખતના અમેરિકન આક્રમણ સાથે હોવાનું કહેવાય છે. ઝબીબા રોજ રાતે રાજાને મળવા જાય છે અને તેમની વચ્ચે પ્રેમ, ધર્મ અને રાષ્ટ્રવાદની ચર્ચા થતી હોય છે. જોકે, આ પુસ્તક સદ્દામે પોતે લખ્યું હશે કે કેમ એ વિષે ઘણા લોકોના મનમાં શંકા છે. કેટલાક સિદ્ધહસ્ત લેખકોએ મળીને આ પુસ્તક લખ્યું હોવાની અને એના પર સદ્દામે દેખરેખ રાખી હોવાની સંભાવના વધુ છે. ઇરાક પર શાસન કરવામાંથી સદ્દામ હુસેનને ક્યારે નવરાશ મળી હશે અને આ પુસ્તક તેણે લખ્યું હશે એવો વિચાર આવી ગયો ખરું ને?
———
જનનીની જોડ સખી…
‘મા તે મા બીજા બધા વગડાના વા’ કે પછી ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’ અને ’માં તુજે સલામ’ જેવી માતૃ વંદના માનવ સમાજનું ઘરેણું છે. મા એક એવી આદર્શ મૂર્તિ છે જેનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું ગણવામાં આવ્યું છે. મા પ્રેરણામૂર્તિ છે, સલામતીનું સરનામું છે, એવું વ્યક્તિત્વ છે જેનો જોટો જડવો મુશ્કેલ છે. પ્રાણી જગતમાં પણ માં તુજે સલામના અનેક કિસ્સા – પ્રસંગ જોવા – જાણવા મળ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો એક વીડિયો જોઈ કવિ બોટાદકરની અમર પંક્તિ ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’નું સ્મરણ થયા વિના ન રહે. આ વીડિયોમાં એક પક્ષી પોતાના ઈંડા પાસે બેઠેલું દેખાય છે. અચાનક એક ટ્રેક્ટર આવે છે જે અવરોધ બને છે. અલબત્ત નાનકડું પક્ષી મહાકાય ટ્રેક્ટરથી ગભરાઈ નથી જતું, પણ પોતાના ઈંડાની નજીક સરકી પોતાની પાંખોની મદદથી માળાને ઢાંકવાનો પ્રયાસ કરે છે. જાણે કે એના રક્ષણની તજવીજ ન કરતુ હોય! વીડિયો વાઇરલ થયો એના ૨૪ કલાકમાં તો એક લાખ લોકોએ એ જોઈ લીધો. ઇન્ટરનેટ પર આ વીડિયો જોનારા લોકો પક્ષી પર ઓવારી ગયા અને જગત ચમત્કૃતિથી ભરેલું છે એ માન્યતાનો પડઘો પડ્યો.
——-
કોેરોનાના કરતૂત: ચાંચની ચતુરાઈ
કોરોના વાઇરસથી ફેલાયેલી કોવિડ – ૧૯ મહામારીએ માનવ જીવનમાં ઊથલપાથલ મચાવી દીધી છે એ વાત તો બધા સ્વીકારશે. દુનિયાભરમાં સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતામાં ઉછાળો જોવા મળ્યો છે. સ્વાસ્થ્યની તકેદારીમાં ઔષધ ઉપરાંત માસ્કનો વપરાશ વિશાળ પાયે જોવા મળ્યો. આ મહામારીનો પહેલો કેસ ૨૦૧૯માં ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો અને દુનિયાભરમાં હાહાકાર મચાવી એ વિદાય લઈ રહ્યો છે એવું લાગતું હતું ત્યાં ચીનમાં ફરી વાઇરસ આતંક ફેલાવી રહ્યો હોવાની બાતમીએ નર્વસ કરી દીધા છે. હૉસ્પિટલ ફરી દરદીઓથી ઉભરાવા લાગી છે. લોકોના મોઢા પર માસ્કનું પુનરાગમન થયું છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા એક વીડિયોમાં એક માણસ ચાંચ પહેરીને ખાવાનું ખાતો નજરે પડ્યો છે. આ જોઈ કોરોના વાયરસ માણસ પાસે કેવા કેવા ખેલ કરાવે છે અને ભવિષ્યમાં કરાવશે એની ચર્ચા થઈ રહી છે. રેસ્ટોરાંમાં ફેવરિટ વાનગી આરોગતો માણસ પક્ષીની જેમ ચાંચ ખોલી કોળિયો મોઢામાં મૂકતો નજરે પડે છે. મહામારીનો આતંક મનુષ્યની સંશોધક વૃત્તિ પ્રબળ બનાવી રહ્યો છે એમાં બેમત નહીં.