Homeઈન્ટરવલઅજબ ગજબની દુનિયા

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

પંખ હોતી તો ઊડ આતી રે…
શાળા ભણતરમાં ‘હું જો પંખી હોઉં તો’ એવો નિબંધ કલ્પનાના ઘોડા છુટ્ટા મૂકી લખવાની મજા આવી હશે. સિંહનું સામર્થ્ય અને ચિત્તાની ઝડપ માનવીને કાયમ પ્રિય રહી છે, પણ પાંખો ફફડાવી ગગનમાં વિહાર કરતા પંખી માટે પણ એને સદાય પ્રેમ રહ્યો છે. પ્રિય પાત્રને પારેવા સાથે ચિઠ્ઠી બાંધી મોકલવાની પ્રથા લોકવાર્તામાં આવે છે. વિજ્ઞાનના હરણફાળ યુગમાં માનવી જ પંખીની જેમ ઊડી એક ઠેકાણેથી બીજી જગ્યાએ પહોંચી જાય એ દિવસ દૂર નથી. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલી એક ક્લિપમાં એક માણસની પીઠ પર સિલિન્ડર સાથેનું જેટપેક લાગેલું નજરે પડે છે જેમાંથી અગ્નિની હળવી જ્વાળા નીકળતી નજરે પડે છે. થોડી વારમાં એ માણસ પંખી પાંખો પહોળી કરે એમ પોતાના બંને હાથ પહોળા કરે છે અને હવામાં ઊડવા લાગે છે. એક અંતરથી બીજા અંતરે મોટો કૂદકો મારી આગળ વધે છે. સ્ટંટ જેવું લાગતું આ દ્રશ્ય વિસ્મયતાથી લોકો નિહાળે છે અને એને રેકોર્ડ કરી લે છે. હેરત પમાડનારા આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે અને માર્વેલ કોમિક્સના સુપર હીરો આર્યન મેનની પ્રેરણા હોવાની દલીલ કરવામાં આવે છે. અનેક લોકોની પ્રતિક્રિયા આવી છે જેમાંથી ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે ‘હવે આકાશમાં પક્ષીઓની બદલે મનુષ્ય ઉડતા નજરે પડશે. સારું છે, બસ, ટેક્સી, રિક્ષા કે બીજા કોઈ વાહનની જરૂર નહીં પડે. ઇંધણનો બચાવ થશે અને રસ્તા પર ટ્રાફિક જામ પણ નહીં થાય. હા, હવામાં ટ્રાફિક જામ થઈ શકે છે.’ બીજી એક પ્રતિક્રિયામાં મહત્ત્વના મુદ્દા પર ધ્યાન દોરી કહેવામાં આવ્યું છે કે ‘ઇંધણના બળવાથી ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઊભી થવાની ફરિયાદ થાય છે તો જેટપેક ટેક્નોલોજી માટે પણ ઇંધણ જ વપરાય છે ને. આશા રાખીએ કે એ ઇંધણ ગ્રીન હાઇડ્રોજન (પ્રદૂષણમાં વધારો ન કરે) પ્રેરિત હશે.’ પ્રગતિ આવકારદાયક છે પણ એ શ્ર્વાસ રૂંધનારી ન હોય એની તકેદારી રાખવી
જરૂરી છે.
———-
રમતમાં મતભેદ, જીવનમાં મનમેળ
પતિ – પત્નીની સરખામણી રથના બે પૈડાં સાથે કરવામાં આવે છે. એક ગતિએ એક દિશામાં સાથે દોડતા પૈડાં મનમેળનું પ્રતીક છે. અડિંગો લગાવી ટીવી સામે બેઠેલા પતિને ક્રિકેટ કે ફૂટબોલ એન્જોય કરવા હોય જ્યારે પત્નીને સિરિયલમાં આગળ શું થયું એ જાણવાની તાલાવેલી હોય એની આપણે ત્યાં કોઈ નવાઈ નથી. જોકે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર જોવા મળેલો ફૂટબોલ પ્રેમી યુગલનો કિસ્સો દેશપ્રેમ અને ક્રીડા પ્રેમના પ્રતીક જેવો લાગે છે. એક અનુમાન પ્રમાણે ક્રિકેટઘેલા ભારતમાં આ વખતની ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા સૌથી વધુ કેરળના લોકોએ માણી હતી. જોગાનુજોગ જે દિવસે ફાઈનલ હતી એ જ દિવસે સચિન અને અથીરાના લગ્ન પણ હતા. લગ્ન સ્થળ, ડિનરનું મેનુ સહિત મોટાભાગની બાબતે યુગલમાં સહમતિ હતી, પણ ફાઈનલ દરમિયાન કઈ ટીમને ટેકો આપવો એ વિશે એકમત નહોતો. જાણકારી અનુસાર વરરાજા આર્જેન્ટિનાના સ્ટાર પ્લેયર લિયોનલ મેસીનો ચાહક છે, જ્યારે અથીરાને ફ્રાન્સની ફૂટબોલ ટીમ માટે લાગણી છે. ફાઇનલ શરૂ થવાના કેટલાક કલાક પહેલા મેરેજ કરનાર પતિ – પત્ની બંનેએ ખાસ લગ્ન માટેના કપડાં પર ૧૦ નંબરની જર્સી પહેરી હતી. મજા એ વાતની છે કે અથીરાએ ફ્રેન્ચ સ્ટાર કાયલીન એમ્બાપેની જર્સી પહેરી હતી જ્યારે સચિનના શરીર પર મેસીની જર્સી હતી. મલયાલમા મનોરમા નામના અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર લગ્ન પછી રિસેપ્શન અને ભોજન વિધિ ફટાફટ પતાવી યુગલે ૨૦૦ કિલોમીટર દૂર સચિનના ઘરે પહોંચી લગ્ન થયા છે એ થોડી વાર માટે ભૂલી જઈ પોતપોતાની જર્સી પહેરી રાખી યાદગાર ફાઈનલનો આનંદ લીધો હતો.
———-
રોકડા આપો, પ્રભુ પામો: પાદરીનો પ્રપંચ
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે અને અંધશ્રદ્ધા હોય ત્યાં છળકપટ કરતા બાબાઓને તડાકો પડે. સાઉથ આફ્રિકાના પાદરીનો પ્રપંચ એનું આગવું ઉદાહરણ છે. ઈશ્ર્વરને પામવાની કે પછી એના દર્શન કરવાની ઈચ્છા મોટાભાગના મનુષ્યમાં જોવા મળે છે. પ્રભુને પામવા કોઈ ધર્મસ્થાને જાય, કોઈ આધ્યાત્મિક માર્ગ અપનાવે તો કોઈ વળી ઢોંગી બાબાના આંટામાં આવી છે. આ ધુતારાઓ લગભગ દરેક ધર્મમાં જોવા મળે છે. બુદેલી નામના આફ્રિકન પાદરીએ અંધ ભક્તજનોને સાણસામાં સપડાવવા ‘રોકડા આપો ને પ્રભુને પામો’ની સ્કીમ બનાવી છે. ઢોંગી પાદરીએ એક પોસ્ટર તૈયાર કર્યું છે જેમાં પોતાની શક્તિના જોરે પ્રભુ દર્શન ઉપરાંત ભવિષ્ય જોવાની તેમજ માથે રહેલું દેવું ઉતારી દેવાની ઓફર મૂકવામાં આવી છે. આ ‘શક્તિનો લાભ લેવા’ લોકોએ એની કોન્ફરન્સમાં હાજરી આપવી પડશે. ગોડને સ્વર્ગમાં નિહાળવા અંદાજે ૯૬૦૦૦ રૂપિયા ચૂકવવાના રહેશે. દેવું ખતમ કરવા ૨૪૦૦૦ રૂપિયા, બીજે જ દિવસે લગ્ન થઈ જાય એ માટે ૪૮૦૦૦ રૂપિયા આપવાના રહેશે. આ પાદરી ભૂતકાળમાં પણ અજીબોગરીબ દાવા કરી ચુક્યા છે. એકવીસમી સદીમાં પણ આવા ઢોંગીઓ ફાવી જાય એ માનવ સમાજની મોટી કમનસીબી જ કહેવાય.
———-
ફિફામાં ભારતીય તિરંગો!
આ વખતની ફૂટબોલ વિશ્ર્વ કપ સ્પર્ધા મેદાન પર તો અત્યંત રોચક સાબિત થઈ, મેદાન બહાર પણ અનેક યાદગાર ક્ષણની સાક્ષી બની. ભારતમાં પણ અઢળક ફૂટબોલ પ્રેમીઓએ સમગ્ર સ્પર્ધાનો અને ખાસ તો ફાઇનલનો આનંદ ટીવી પર જોઈને લીધો. વર્લ્ડ કપના અનેક કિસ્સા મીડિયામાં ગાજ્યા છે જેમાં આર્જેન્ટિનાની મહિલા અને મલયાલમ ભાષા બોલતા ભારતીય ખેલપ્રેમીનો કિસ્સો અલાયદો છે અને સોશિયલ મીડિયામાં ખાસ્સો વાઇરલ થયો છે. કતારમાં લોકપ્રિય થયેલા અનેક વીડિયો પૈકી એકમાં ભારતીય ફૂટબોલ ચાહક ઇકબાલ આર્જેન્ટિનાના ફ્લેગ સાથે અને આર્જેન્ટિનાની લેતી એસ્તેવેઝ નામની મહિલા આપણા તિરંગા સાથે નજરે પડે છે. આટલું વાંચીને કોઈ પણ વાચકના મનમાં સવાલ થશે કે ભારતીય ફૂટબોલ પ્રેમી આર્જેન્ટિનાના ફ્લેગ સાથે અને આર્જેન્ટિનાની મહિલા આપણા તિરંગા સાથે ભારતને સપોર્ટ કેમ કરી રહી છે, કારણ કે ૨૦૨૨ની વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધામાં ભારતીય ટીમ મેદાનમાં જ નથી ઊતરી. જેમ સંગીત પ્રેમને કોઈ સીમાડા નથી નડતા એ જ રીતે ખેલકૂદ પ્રેમ રાષ્ટ્રના ભેદભાવને નથી ગણકારતો એ બાબત અહીં સિદ્ધ થાય છે. આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી જેની સાથે લખવામાં આવ્યું હતું કે ‘દેશ ભલે જુદા રહ્યા, ખેલકૂદ માટેના પ્રેમમાં એકતા છે.’
————
રસોડું તેલંગાણામાં-બેડરૂમ મહારાષ્ટ્રમાં
‘ઉસ મુલ્ક કી સરહદ કો કોઈ છૂ નહીં સકતા, જિસ મુલ્ક કી સરહદ કી નિગેહબાન હૈ આંખેં’ – સાહિર લુધિયાનવીની આ ચોટદાર પંક્તિઓ ૧૯૬૦ના દાયકાના યુદ્ધના માહોલમાં અવતરી હતી. પાકિસ્તાન અને ચીન સાથે આજે પણ સરહદી છમકલાં ચાલુ છે અને સીમા વિસ્તારમાં તણાવની પરિસ્થિતિ છે. દેશની અંદર પણ મહારાષ્ટ્ર અને તેલંગાણા એ બે રાજ્યો વચ્ચે સરહદી સમસ્યા ગાજી રહી છે ત્યારે બે રાજ્ય જાણે કે ‘યે તેરા ઘર યે મેરા ઘર’ ગણગણી રહ્યા હોય એવું લાગે છે. મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના મહારાજ ગુડા ગામમાં રહેતા પવાર પરિવારનું ઘર વિચિત્ર સમસ્યામાં સપડાયું છે જેને કારણે બંને રાજ્યને પ્રોપર્ટી ટેક્સ ભરવો પડે છે. વાત એમ છે કે ૧૯૬૦ના દાયકામાં આ ગામમાં સ્થળાંતર કરનાર ઉત્તમ અને ચંદુ પવાર નામના બે ભાઈનું આઠ રૂમનું ઘર ભૌગોલિક સરહદને કારણે ચાર ઓરડા તેલંગાણામાં અને ચાર ઓરડા મહારાષ્ટ્રમાં વિભાજીત છે. રસોડું તેલંગાણામાં, જ્યારે બેડરૂમ અને હોલ મહારાષ્ટ્રમાં છે. ઉત્તમ પવારની પ્રતિક્રિયા છે કે ‘બે રાજ્યમાં અમારું ઘર વિભાજિત છે પણ અમને કોઈ તકલીફ નથી. અમે બંને રાજ્યને ટેક્સ ચૂકવીએ છીએ અને બેઉ રાજ્યની યોજનાનો લાભ પણ લઈએ છીએ. ૧૯૬૯માં સીમા વિવાદનો ઉકેલ આવ્યો ત્યારથી પવાર બંધુના ઘરની જમીન બે રાજ્યમાં વહેંચાઈ ગઈ છે. ૧૪ ગામડા પર બંને રાજ્ય દાવો કરી રહ્યા હોવાથી સીમા વિવાદ વકર્યો છે. પરિણામે એક જ ચૂંટણીમાં નાગરિક બે વાર મતદાન કરતા હોય એવી પરિસ્થિતિ પણ જોવા મળે છે.’
————
અખિલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના
આજે ૨૮ ડિસેમ્બર. આજની તારીખમાં જેનો એકડો નીકળી જવાની તૈયારીમાં છે એ અખિલ ભારતીય કૉંગ્રેસનો એકડો ૧૩૮ વર્ષ પહેલા આજના દિવસે (૨૮ ડિસેમ્બર, ૧૮૮૫) ઘૂંટાયો હતો. થિયોસોફિકલ સોસાયટીના સભ્યો દ્વારા પક્ષની સ્થાપના કરવામાં આવી હતી. પક્ષની સ્થાપનામાં અને એની કાર્યવિધિમાં બાધા ન આવે એ હેતુ સાથે પક્ષના પહેલા પ્રમુખ તરીકે ઈરાદાપૂર્વક મુક્ત વિચારસરણી ધરાવતા બ્રિટિશ અધિકારી એલન હ્યુમની વરણી કરવામાં આવી હતી. ૨૮ ડિસેમ્બર, ૨૦૦૭ના દિવસે બંધારણીય સુધારાને પગલે નેપાળમાં ૨૪૦ વર્ષની રાજાશાહી પર પડદો પડી ગયો અને સમવાયી પ્રજાસત્તાક રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યું. ૨૮ ડિસેમ્બર, ૧૯૭૨ના દિવસે બંધારણીય બદલાવ કરી કીમ સંગ બીજાની ઉત્તર કોરિયાના પહેલા અને એકમાત્ર પ્રેસિડેન્ટ તરીકે વરણી કરવામાં આવી હતી. આ હોદ્દો ૧૯૯૮માં રદ કરવામાં આવ્યો હતો અને કીમ સંગ બીજાને કોરિયાના કાયમી પ્રેસિડેન્ટ ઘોષિત કરવામાં આવ્યા હતા. સંતાન જન્મમાં મુશ્કેલ યુગલ માટે ૨૮ ડિસેમ્બર, ૧૯૮૧નો દિવસ અવિસ્મરણીય સાબિત થયો. આ દિવસે અમેરિકન હૉસ્પિટલમાં પહેલા ટેસ્ટ ટ્યૂબ બાળકનો જન્મ થયો હતો. આ બાબત માનવ સમાજ માટે ક્રાંતિકારી સાબિત થઈ. આજે ચીન વસતી વધારવા પર ભાર દઈ રહ્યું છે, પણ ત્યાં ૧૯૮૦માં એક બાળકની નીતિ અમલમાં આવી હતી જેના સમૂળગા અંતની શરૂઆત ૨૮ ડિસેમ્બર, ૨૦૧૩ના દિવસે થઈ હતી. આ દિવસે જે માતા – પિતા અથવા બેમાંથી કોઈ એક પોતાના પેરન્ટ્સના એકમાત્ર સંતાન હોય એમને બીજા બાળકને જન્મ આપવાની છૂટ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -