હેન્રી શાસ્ત્રી
આગ્રા એટલે કેવળ તાજમહેલ જ નહીં!
વિદેશીઓ આપણી મહેમાનગતિ, આપણી સંસ્કૃતિ અને આપણા ભવ્ય વારસાથી પ્રભાવિત થતા આવ્યા છે. વતન પાછા ફરતા વિદેશીઓ જે સંભારણું લઈ પાછા ફરે છે એમાં આગ્રાના તાજમહેલની ભવ્યતા અને એનું સૌંદર્ય પણ હોય છે. જોકે, કતારની વિશ્ર્વ ફૂટબોલ સ્પર્ધામાં વિજય મેળવનાર ટીમ અને અન્ય સંઘના ખેલાડીઓના દિલ – દિમાગમાં આગ્રા કાયમ માટે અંકિત થઈ જવાનું છે અને એમાં તાજમહેલનો કોઈ ફાળો નથી. વાત એમ છે કે ’મેક ઈન ઈન્ડિયા’ની જહેમત ફિફા વર્લ્ડ કપમાં રંગ લાવી રહી છે. વિજેતા ટીમને સોંપવામાં આવનાર કપ પરનું નકશીકામ આગ્રાના કસબીઓએ કર્યું છે. આ સિવાય ટ્રોફીના બોક્સની કારીગરી અને ગિફ્ટ બોક્સ પરનું નકશીકામ પણ આગ્રામાં જ કરવામાં આવ્યું છે. ટ્રોફી તૈયાર કરવા માટે સોનું અને કિંમતી રત્નોનો ઉપયોગ થયો છે. સેમી પ્રેશિયસ સ્ટોન પર કાંસાનું વર્ક કરી એના પર ૨૪ કેરેટ સોનાનું પ્લેટિંગ કરવામાં આવ્યું છે. ખેલાડીઓને આપવા માટેના ગિફ્ટ બોક્સ હસ્ત કારીગરીની કમાલ છે અને એ બનાવવા માટે બે મહિનાનો સમય લાગ્યો હતો. આગ્રાની ઓળખ તાજમહેલ પૂરતી સીમિત નથી રહી એ હરખની વાત છે.
——-
લાખેણાં લગ્ન કે ફૂટબોલ ફાઈનલ
લગ્નની તારીખ અગાઉથી નક્કી કરવામાં આવતી હોય છે અને ત્યારે કોઈને કલ્પના નથી હોતી કે એ દિવસે તમારા અંગત જીવનમાં કે દુનિયામાં એવી કોઈ ઘટના બનવાની છે જે આયોજન સામે મૂંઝવણ ઊભી કરી શકે. જોકે, એક વેડિંગ વેબસાઈટે આપેલી માહિતી અનુસાર યુકે – યુરોપમાં ૧૮ ડિસેમ્બરે મેરેજ કરનાર યુગલમાંથી કેટલાક ખૂબ નિરાશ થઈ ગયા છે. ના, ના તેમને એકબીજામાં ખોડ નથી દેખાઈ, પણ વાત એમ છે કે એ દિવસે (૧૮ ડિસેમ્બરે) વર્લ્ડ કપ ફૂટબોલ ફાઇનલ રમાવાની છે. યુકે – યુરોપના લોકોની આ રમત પ્રત્યેની ઘેલછા જાણીતી છે. ઘણાં યુગલ એવી મનોમન પ્રાર્થના કરી રહ્યા છે કે ફાઈનલમાં એવી બે ટીમ પહોંચે જેમની ટક્કર જોવા રસિકોમાં ઝાઝી ઉત્સુકતા ન હોય. અલબત્ત આ તો જો અને તોની વાત છે, પણ રખે ને લોકપ્રિય ટીમ ફાઇનલમાં આવી તો? કેટલાક યુગલે તો લગ્ન સ્થળે જ ફાઈનલ માણી શકાય એવી વ્યવસ્થા કરી છે જેથી મહેમાનો મોબાઈલમાં વ્યસ્ત ન રહે. મેરેજ કરનાર એક યુગલમાં વરરાજા જ ફૂટબોલનો દીવાનો છે અને લગ્નની કેટલીક વિધિના સમયમાં ફેરફાર કરી સ્થળ પર મોટો સ્ક્રીન લગાડી ફાઈનલ જોવાની વ્યવસ્થા કરી છે અને મહેમાનોને જાણ પણ કરી દીધી છે.
——-
શરીર છે કે શોકેસ: યુગલનો અનોખો શોખ
ગિનેસ વર્લ્ડ રેકોર્ડની દુનિયામાં ડોકિયું કરો એટલે અજબ દુનિયાની ગજબ વાતોનો ખજાનો હાથ લાગે. લોકોને કેવા વિચિત્ર શોખ હોય છે એનું લાક્ષણિક ઉદાહરણ છે આર્જેન્ટિનાનું યુગલ ગેબ્રિએલા પેરાલ્ટા અને વિક્ટર હ્યુગો પેરાલ્ટા. આ પતિ – પત્નીએ પોતપોતાના શરીર પર એટલા બધા ચિતરામણ અને ફેરફાર કરાવ્યા છે કે એમને જોઈને આ શરીર છે કે શોકેસ એવો સવાલ કોઈના પણ મનમાં આવી શકે. શરીર પર ટેટૂ (છૂંદણાં) કરવાનું અને શારીરિક બદલાવ લાવવાનું ભૂત એમના મગજ પર સવાર છે. અત્યાર સુધીમાં આ છૂંદણાં અને બદલાવનો આંકડો ૯૮ પર પહોંચી વર્લ્ડ રેકોર્ડ તેમના નામે જમા થઈ ગયો છે. ગિનેસના અધિકારી સાથેની વાતચીતમાં મિસ્ટર વિક્ટરે કહ્યું કે ‘જીવનને માણવું અને કલાનો આદર કરવો એ અમારો સિદ્ધાંત છે. શરીર પર ટેટૂની હાજરી તમને સારી કે ખરાબ વ્યક્તિ નથી બનાવતી. કેટલાક લોકોને આ એ ગમે તો એને ધિક્કારવાવાળા પણ હોય.’ યુગલે શરીરના અન્ય અંગો સાથે આંખમાં પણ ટેટૂ કરાવ્યું છે અને ૫૦ વસ્તુ શરીરમાં ભોંકાવી છે. આ ઉપરાંત ૧૪ બોડી પ્લાન્ટ્સ, દાંતમાં પાંચ ઈમ્પ્લાન્ટ્સ, કાનમાં ચિત્ર વિચિત્ર બદલાવ અને જીભને પણ બાકાત નથી રાખી. અનોખા દેખાવને કારણે તેમને પાંખવાળા દેવદૂતની ઉપમા આપવામાં આવી છે. કેટલાક ફેરફાર કરતી વખતે યુગલને ભારે પીડા થઈ હતી, પણ આ પ્રક્રિયા આનંદ આપતી હોવાથી સહન કરવાની તાકાત વધી જાય છે. કલા પ્રત્યે રુચિ અને પ્રેમ યુગલને આવા અખતરા કરવા પ્રેરે છે.
——–
રિક્ષામાં શિક્ષા: ડ્રાઈવ પે ચર્ચા
‘ચાય પે ચર્ચા’ શબ્દપ્રયોગ આપણા દેશમાં ખ્યાતનામ છે. ગલીના નાકે ચાની ચુસકી લેતા લેતા વર્લ્ડ પોલિટિક્સથી માંડી વર્લ્ડ ક્રિકેટ પર ચર્ચા થતી હોય છે, અભિપ્રાય અપાતા હોય છે. ૨૦૧૪ પછી તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કારણે એનો માન મરતબો વધી ગયો. આજે આપણે ‘ડ્રાઈવ પે ચર્ચા’નો અનોખો કિસ્સો જાણીશું જે જાણી આને કહેવાય રિક્ષામાં શિક્ષા (મતલબ કે શિક્ષણ) એવો વિચાર તમને આવી જશે. કોઈ રાજીવ ક્રિષ્ના નામના શખ્સે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે ૬૧ વર્ષના રામદેવ નામના રિક્ષા ડ્રાઈવર સાથેની ચર્ચા એના જીવનની યાદગાર સવારી બની છે. મિસ્ટર ક્રિષ્નાએ લખ્યું છે કે ‘હું ટ્રાફિકમાં ફસાયો હતો અને ત્રણ કિલોમીટરનું અંતર કાપવા કલાક લાગવાનો હતો. હું રિક્ષા છોડવાનું વિચારી રહ્યો હતો ત્યાં ડ્રાઈવરે વાતચીત શરૂ કરી. વિદેશની વાત નીકળતા રામદેવને ૪૪ યુરોપિયન દેશની જાણકારી હોવાની અને કેટલાક જાણીતા દેશના પ્રેસિડેન્ટ – પ્રાઈમ મિનિસ્ટરના નામ પણ ખબર હતી એનો ખ્યાલ આવ્યો.રામદેવ મહારાષ્ટ્રના સિંધુદુર્ગનો રહેવાસી છે અને રાજ્યના ૩૫ જિલ્લાના નામ તેમજ ગુજરાત અને યુપીના પણ બધા જિલ્લાના નામ એના હોઠે રામે છે. ખેદની વાત એ છે કે રામદેવના પરિવારની આર્થિક ક્ષમતા નહોતી કે એને શિક્ષા અપાવી શકે. આ બધી જાણકારી તેણે જાતે અભ્યાસ કરીને મેળવી છે. અંગ્રેજી બારાખડી અને નંબર પણ વાંચી શકે છે.’ આવી પ્રતિભા હોવા છતાં એને પ્રસિદ્ધિનો જરાય મોહ નથી અને રાજીવે ઉતારતી વખતે ફોટોગ્રાફ લેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ચહેરો દેખાય એમ ફોટો લેવાની ના પાડી અને મિસ્ટર ક્રિષ્નાએ એની પ્રાઈવસીનો આદર રાખી પીઠ દેખાય એવો જ ફોટોગ્રાફ લીધો. આપણા દેશમાં આવાં રત્નોનો ભંડાર છે, શોધવા મરજીવા થવું પડે.——–
કતારના રણમાં બીજો વર્લ્ડ કપ
કતારમાં જ્યાં ફૂટબોલ વર્લ્ડ કપ સ્પર્ધા ચાલી રહી છે ત્યાંથી ૨૫ કિલોમીટર દૂર રણ વિસ્તારમાં તાજેતરમાં બીજા ‘વર્લ્ડ કપ’નું આયોજન કરવામાં આવ્યું હતું. અલબત્ત આ સૌંદર્ય સ્પર્ધા હતી. આવી સ્પર્ધામાં ભાગ લેનારની માફક રૂપ રૂપનો અંબાર લાગતી નાઝાએ પણ લટકા – ઝટકાથી હાજર રહેલા લોકોને મુગ્ધ કરી દીધા અને ટેલિવિઝન કેમેરા સામે આંખ પટપટાવી સ્માઈલ સાથે પોઝ આપ્યો જે જોઈને લોકોને હેરત થયું, કારણ કે નાઝા કોઈ લલના નહોતી, પણ એક ઊંટડી હતી. આ ક્ષણ એ કારણસર યાદગાર બની ગઈ કે નાઝાએ કેટલાક રાઉન્ડ સફળતાપૂર્વક પાર કરી હરીફાઈમાં ઊતરેલી સોથી વધુ ઊંટને મહાત કરીને ઝળહળતી સફળતા મેળવી હતી. આ પ્રતિયોગિતા કેટલી મહત્ત્વની હતી એ એના પરથી સમજાય છે કે એનું આયોજન કતારના યુવા અને ખેલકૂદ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. વિદેશમાંથી ફૂટબોલનો વર્લ્ડ કપ માણવા આવેલા સહેલાણીઓ કતારના સાંસ્કૃતિક વારસાથી વાકેફ થાય એ આશય સાથે આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઝાની માલિકી ધરાવતા પરિવારના સભ્યે એવી કોમેન્ટ પણ કરી કે ‘અમારા ઊંટે રોનાલ્ડો અને મેસી કરતાં પણ સારું પરફોર્મ કર્યું.’ આ સ્પર્ધામાં ઈનામની રકમ પણ જોરદાર હતી. નાઝાના માલિકોને વીસ હજાર કતારી રિયાલ (આશરે સાડા ચાર લાખ રૂપિયા) ઈનામ પેટે મળ્યા હતા.
———
અમેરિકાનું શહેર, પણ અમેરિકામાં નથી
અમેરિકાનું પોઈન્ટ રોબર્ટ્સ જાણીતું શહેર નથી. જોકે, અમેરિકાના લોકો એનાથી સારી પેઠે પરિચિત છે. પોતાના જ દેશમાં નથી એવા શહેર તરીકે આ જગવિખ્યાત છે. મતલબ કે આ છે અમેરિકન શહેર, પણ અમેરિકામાં નથી. આ શહેરમાં જવા માગતા અમેરિકન લોકોએ આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને જવું પડે છે. રાજકીય ભૂગોળમાં આ શહેર એક્સકલેવ તરીકે ઓળખાય છે. એક્સકલેવ એટલે એવું શહેર જે રાજકીય રીતે કોઈ દેશ સાથે જોડાયેલું છે, પણ એની ભૌગોલિક સરહદ અલગ છે. અહીં પ્રવેશવા માટે તમારે બીજા દેશમાંથી પસાર થવું પડે છે. પ્રાઇવેટ પ્લેન કે બોટ માર્ગે આવતા લોકોને બાદ કરતા બાકીના અમેરિકનો સુધ્ધાં કેનેડા મારફત જ આ શહેરમાં દાખલ થઈ શકે છે. પોઈન્ટ રોબર્ટ્સ ગ્રામ્ય વિસ્તાર છે અને અહીંની વસતિ બે હજારની આસપાસ માંડ હશે. આ વિસ્તાર વિશે એક અફવા એવી છે કે ગુનેગાર વિરુદ્ધ પુરાવા આપનાર લોકોને અમેરિકા દ્વારા અહીં વસાવવામાં આવે છે. તેમની સલામતી જળવાઈ રહે એ જ હેતુ હોવો જોઈએ. એને કારણે આ શહેરને એક નવી ઓળખ મળી છે. તમે અહીં હવાઈ, જળ કે સડક માર્ગે આવી શકો છો. જોકે, અમેરિકાથી સડક રસ્તે આવતા લોકોએ બે વખત આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવી પડે છે. પહેલી વખત અમેરિકાથી કેનેડામાં પ્રવેશતી વખતે અને બીજી વખત કેનેડાથી પોઈન્ટ રોબર્ટ્સમાં દાખલ થતી વખતે.