Homeઈન્ટરવલઅજબ ગજબની દુનિયા

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

એક બંદર સ્પેસ કે અંદર

વાંચવા – સાંભળવામાં વિચિત્ર લાગે, પણ સમયની એરણ પર ખરા ઊતરે એવી અનેક બાબતો વિશ્ર્વમાં સૌથી વધુ વસતિ ધરાવતા ચીનની લાક્ષણિકતા છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ નામના અખબારમાં પ્રગટ થયેલા અહેવાલ અનુસાર ચીનના અવકાશયાત્રીઓ વાનરો પર પ્રજનન પરીક્ષણ – રિપ્રોડક્ટિવ એક્સપરિમેન્ટ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ પ્રયોગ તિયાંગોંગ નામના ચીની અવકાશ મથકના એક મોડ્યૂલમાં કરવામાં આવશે. આ મથક પર ચીન સમયાંતરે વિવિધ પરીક્ષણ કરે છે. આ મોડ્યૂલમાં શેવાળ, માછલી અને ગોકળગાય પર પરીક્ષણ કરી અભ્યાસ કરવામાં આવે છે. જોકે, એમાં ઉંદર અને વાનર જેવા મોટા કદના પ્રાણીઓની પ્રજનન પ્રક્રિયા તપાસી એનો અભ્યાસ કરવાની સગવડ પણ ઊભી કરી શકાય છે. અવકાશમાં વાનરનો વિકાસ અને એ પ્રજનન કેવી રીતે કરે છે એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. જોકે, આ પ્રયોગ દરમિયાન આ પ્રાણીઓના ભોજનની અને એમના મળત્યાગની વ્યવસ્થા કરવી એ એક મોટો પડકાર છે. વધુ ને વધુ દેશ અવકાશમાં વસાહત ઊભી કરવા વિચારી રહ્યા હોવાથી આવા પ્રયોગ અને એના તારણ ઘણા મદદરૂપ સાબિત થઈ શકે છે. જોકે, સ્પેસમાં વાનર નાનકડી જગ્યામાં રહેવાથી ચીડિયા થઈ જાય કે ખાવા – પીવામાં મુશ્કેલી ઊભી કરે અથવા પ્રવૃત્તિ ઓછી કરે અને એદીની જેમ પડ્યા રહે એ સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. એકંદરે આઈડિયા સારો છે, પણ અમલ મુશ્કેલ છે.


ટિકિટ મેળવવા મગરનો મહેમાન

ક્રિકેટની રમતનું આપણા દેશમાં ઘેલું હશે, પણ દુનિયાભરમાં ફૂટબોલની રમત વધુ લોકપ્રિય છે અને હાલ કતારમાં ચાલી રહેલી વિશ્ર્વ કપ ફૂટબોલ સ્પર્ધા માટેની ઉત્તેજના એનો જીવંત પુરાવો છે. સાઉથ અમેરિકન ફૂટબોલ ઘેલા દેશ આર્જેન્ટિનાના લુસિયાનો વેરનીકે આ સ્પર્ધા શરૂ થવા પહેલા ઈંક્ષભયિમશબહય ઠજ્ઞહિમ ઈીા જજ્ઞિંશિયત (વર્લ્ડ કપના મજેદાર કિસ્સા) નામનું પુસ્તક પ્રગટ કર્યું હતું જેની વિગતો ખેલ રસિકોને મોજ કરાવી રહી છે. કેટલાક ઉદાહરણ જોઈએ: ૨૦૧૦ના વર્લ્ડ કપની ટિકિટો મેળવવા એક માણસે મગર તરી રહ્યા હતા એ નદીમાં છલાંગ લગાવી હતી. હાર્ટ એટેક આવ્યા પછી ઉરુગ્વેનો ખેલાડી ફરી મેદાનમાં રમવા ઊતર્યો હતો. કોણ ચડિયાતો? લિયોનલ મેસી કે ક્રિસ્ટિઆનો રોનાલ્ડો એ મુદ્દે ઝગડો થતા રશિયન યુગલે છૂટાછેડા લીધા હતા. એક વર્લ્ડ કપમાં આર્જેન્ટિના બલ્ગેરિયા સામે જીતશે એવો વિશ્ર્વાસ હોવાથી અલ્બેનિયાના એક ખેલ પ્રેમીએ પત્નીને દાવ પર લગાવી હતી. જોકે, એ શરત હારી ગયો અને પત્ની ગુમાવવી પડી હતી. આ પુસ્તક ખાસ્સું લોકપ્રિય સાબિત થયું છે અને ૨૦ ભાષામાં એ અનુવાદ થઈ પ્રગટ થઈ છે. પુસ્તકની નાનકડી કથા – પ્રસંગ પરથી ફૂટબોલ માટે રસિકોની ઘેલછાનો ખ્યાલ આવે છે.


વસે એનું બૅંક બેલેન્સ વધે
‘ઘર આયા મોરે પરદેસિયા, આવો પધારો પિયા’ ગીત ઈટલીના રહેવાસીઓ જાણે છે કે નહીં એની જાણકારી નથી, પણ ગીતનો ભાવાર્થ એ લોકો જરૂર જીવી રહ્યા છે. ઈટલીના દક્ષિણ ભાગમાં આવેલા પ્રેસીચે નામના નગરમાં વસવાટ કરવા ઉત્સુક લોકોને નગરપાલિકા તરફથી ૩૦૦૦૦ યુરો આપવાની ઘોષણા કરવામાં આવી છે. ઐતિહાસિક વારસો ધરાવતા આ નગરને નવા રૂપરંગ મળે અને ક્રિયેટિવ માણસોની પધરામણી થાય એ હેતુથી આ ઓફર કરવામાં આવી છે. પાલિકાના એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર ‘આ ઐતિહાસિક નગરમાં ૧૯૯૧ પહેલા બાંધવામાં આવેલા ઘણા ખાલી ઘર છે. એમાં નવા લોકો આવીને વસે અને એ ઘર ફરી ધમધમતા થાય એવી અમારી ઈચ્છા છે. સખેદ કહેવું પડે છે કે વિલક્ષણ સ્થાપત્ય અને કલા કારીગરી ધરાવતું આ નગર ધીરે ધીરે ખાલી થઈ રહ્યું છે. એની આસપાસનો વિસ્તાર પણ રમણીય છે.’ આ ઓફરને પાત્ર ઠરવા ઈચ્છુક લોકોએ ૧૯૯૧ પૂર્વે બંધાયેલી પ્રોપર્ટી ખરીદવાની રહેશે અને નગરમાં વસવાટ કરવા તૈયાર રહેવું જોઈશે. આશરે ૨૫૦૦૦ યુરોમાં ૫૦૦ ચોરસ ફૂટનું ઘર ખરીદી શકાશે અને એ ઘર ખરીદી અહીં વસવાટ કરવા ઉત્સુક લોકોને ૩૦૦૦૦ યુરો આપવામાં આવશે. કુલ રકમ ઘર ખરીદી અને જરૂર હોય તો નવા રંગરોગાન કરવા માટે વાપરવાની રહેશે.આ વિસ્તારનો વિકાસ થશે તો ભવિષ્યમાં પાલિકા દ્વારા નવું ભંડોળ પણ ફાળવવામાં આવશે એવો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. વારસાના જતન માટે કેવો જબરદસ્ત આઈડિયા કહેવાય!

———–

‘ચુડેલ’ ફઈબાની શોધમાં
‘ઓળી ઝોળી પીપળ પાન, ફઈબાએ પાડ્યું કેશવ નામ’. બાળકના નામકરણની આ પ્રથા બડી મજેદાર છે. હવે તો મોડર્ન પેરન્ટ્સ જ બાળકના જન્મ પહેલા જ બે નામ (દીકરા – દીકરીનું) નક્કી કરી લે છે, પણ ફઈબાને બોલાવી વિધિ જરૂર કરે છે. જોકે, સમજણ આવ્યા પછી બાળકને પોતાનું નામ ન ગમે તો કાનૂની પ્રક્રિયાથી એ પોતાનું નામ બદલાવી શકે છે. માણસ માટે એ શક્ય છે પણ અન્ય સજીવ એ નથી કરી શકતા. માહિતી મુજબ કેટલાક લોકો પોતાના ગામના અણઘડ નામ બદલવા તલપાપડ થયા છે. સુરત જિલ્લામાં ‘ચુડેલ’ નામનું ગામ છે. તમે કયા ગામના એવા સવાલના જવાબમાં ‘અમે ચુડેલના’ કહેવું કેવું લાગે એ સમજાવવાની જરૂર ખરી? ગામવાસીઓની આ મૂંઝવણ સમજી નામ બદલવાની કોશિશ સંસદનો ઉંબરો ચડી આવી. જોકે, આ કેસમાં નિર્ણય રાજ્ય સરકારે લેવાનો હોવાથી દરખાસ્ત ગુજરાત સરકાર પાસે પાછી આવી છે. સ્થાનિક ગ્રામ પંચાયતમાં ’ચુડેલ’ નામ બદલી ચંદનપુર કરવાની દરખાસ્ત મંજૂર થઈ ગઈ છે અને હવે કલેક્ટરની મંજૂરીની રાહ જોવાય છે. આ જ પ્રમાણે ‘ચોરપુરા’, ‘દુર્જનપુર’, ‘ટટ્ટી ખાના’ વગેરે ગામ પણ નામાંતર માટે થનગની
રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -