Homeઈન્ટરવલઅજબ ગજબની દુનિયા

અજબ ગજબની દુનિયા

ગાળો બોલવાના ફાયદા છે: વિજ્ઞાન

હેન્રી શાસ્ત્રી

ગાળો બોલવાના ફાયદા છે: વિજ્ઞાન
તેજાબી સ્વભાવ અને તેજાબી કલમ માટે જાણીતા અધ્યાપક, વાર્તાકાર અને કોલમિસ્ટ ચંદ્રકાંત બક્ષીએ પચીસેક વર્ષ પહેલા એક ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં ‘ગાળો બોલવી આરોગ્ય માટે સારું છે’ એમ કહ્યું હતું ત્યારે અનેક લોકોએ ‘શિષ્ટતાનો ભંગ’ થયો હોવાની બુમરાણ મચાવી હતી. ગાળો બોલાય પણ જાહેરમાં એમ ન બોલાય કે ગાળો બોલાય એવી સમજણ વચ્ચે એક આખી પેઢી ઉછરી. આજે એકવીસમી સદીમાં ગાળ બોલવી એ કેમ છો જેટલું સહજ થઈ ગયું છે ત્યારે વિજ્ઞાન પણ મણ મણની ચોપડવાના ફાયદા ગણાવી રહ્યું છે. તાજેતરમાં યુકેની કેટલીક યુનિવર્સિટી સાથે સંકળાયેલા સંશોધકો એવા તારણ પર આવ્યા છે કે ગાળો બોલવાથી સંવાદ વધુ સશક્ત લાગે છે અને વ્યક્તિ બુદ્ધિશાળી હોવાની નિશાની ગણાય છે. મર્યાદિત શબ્દભંડોળ હોય અને દલીલ કરવાના ફાંફાં હોય એ લોકો જ ગાળો બોલે એ માન્યતા પર ચોકડી મારવામાં આવી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અપશબ્દો બોલવાથી સંબંધો ગાઢ અને મજબૂત બને છે. ભૂંડા વેણ બોલવાથી વાતચીતમાં પ્રભાવ પડે છે, લોકો ખુલ્લા દિલે હસી શકે છે અને માનસિક પીડામાં રાહત મળે છે. વ્યાયામ પણ સારી રીતે થાય છે જે અંતે તો શરીરને સશક્ત બનાવે છે. અલબત્ત આનો અર્થ એમ તો નથી જ કે તન – મનની તંદુરસ્તી માટે બેફામ ગાળો બોલવી. આ કેવળ એક ઈશારો છે. ક્યાં, ક્યારે અને કોની હાજરીમાં ભૂંડું બોલવું એનું પ્રમાણભાન બોલનારે જાતે નક્કી કરવું જોઈએ. સાર એટલો કે ગાલ તો બોલાય જ નહીં એવી માન્યતાનો છેદ ઊડી ગયો છે અને એના વિશે સંશોધન થઈ રહ્યા છે. સાલી, શું પ્રગતિ થઈ છે, હેં ને.
———
ઝિંદગી ધૂપ, તુમ ઘના સાયા
લગ્ન એટલે જીવનભર સાથે ચાલવાનું વચન, સપનાં સાકાર કરવાની કોશિશ એટલે લગ્ન, પ્રેમ, વિશ્ર્વાસ અને શ્રદ્ધાની મજબૂત ગાંઠ એટલે લગ્ન… અનેક લોકોએ અનેક વ્યાખ્યા બાંધી છે. કવિરાજ કહી ગયા છે કે આપણે ક્યાં જવું હતું સ્વર્ગ સુધી? આપણે તો જવું હતું એકમેકના મન સુધી. હિન્દી ફિલ્મનો નાયક નાયિકાના પ્રેમમાં પલળ્યા પછી કહે છે ‘તુમ કો દેખા તો યે ખયાલ આયા, ઝિંદગી ધૂપ તુમ ઘના સાયા.’ શબ્દો અલગ, ભાવ એક જ. લગ્ન એટલે માત્ર બે શરીરનું જ નહીં બે હૈયાનું પણ મિલન એવી ફિલસૂફી વાંચવામાં સારી લાગે. અલબત્ત એનો જીવતો જાગતો પુરાવો તાજેતરમાં ઉત્તર ભારતની હૉસ્પિટલનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળ્યો. ઢળતી ઉંમરે એકમેકનો સહારો બનવાનું જીવંત ઉદાહરણ એમાં જોવા મળે છે. હરખની વાત એ છે કે અહીં જૈફ ઉંમરનો પતિ પત્નીની સારસંભાળ રાખતા નજરે પડે છે.
વીડિયોમાં પત્નીને હળવેથી બેડ પર બેસાડી વાળ ઓળતા પતિની આંખોના ભાવ જોઈ લોકો ભાવુક થઈ ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર ‘ઝિંદગી ગુલઝાર હૈ’ નામથી બનાવેલા એકાઉન્ટમાં આ વીડિયો શેર થયા પછી ૧૫ હજારથી વધુ લોકોએ એને લાઈક કર્યો છે અને અનેક લોકોએ એને રિટ્વિટ પણ કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. અનેક લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે જેમ કે ‘કેટલો પ્રેમાળ વીડિયો છે’, ‘બંનેનો પ્રેમ જોઈ ધન્ય થઈ ગયો’, સાચો પ્રેમ અંતિમ શ્ર્વાસ સુધી ટકી રહે છે’. પ્રેમની લાગણીને અમથી શાશ્ર્વત નથી કહી.
———
સેમ ટુ સેમ, રહ્યા હેમ ખેમ
હિન્દી ફિલ્મમાં મેળામાં કે પછી કોઈ દુર્ઘટનાને કારણે છૂટા પડી ગયેલા ભાઈઓનો મેળાપ ક્યાં અને કેવી રીતે કરવો એની જવાબદારી લેખક – દિગ્દર્શકની હોય છે. વાસ્તવિક જીવનમાં વિખૂટા પડ્યા પછીનું મિલન થતા છ મહિના, છ વર્ષ કે છ દાયકા પણ લાગી જાય. બાળપણમાં વિખૂટા પડી ગયેલા બે ભાઈનું પુનર્મિલન થયું ત્યારે તેમની ઉંમર સાઠ વર્ષ વટાવી ગઈ હતી. ડીએનએની મદદથી માતાની ભાળ મેળવવા માગતા ૬૩ વર્ષના કેવિન હાર્વેનો મેળાપ જ્યેષ્ઠ ભ્રાતા રોય સાથે થયો ત્યારે વીતેલી જિંદગીમાં બંને વચ્ચે કેવું ગજબનાક સામ્ય હતું એ જાણી તેમની આંખો આશ્ર્ચર્યથી પહોળી થઈ ગઈ. વાત એમ છે કે બંને ભાઈ બાળપણથી જ સારસંભાળ રાખતા એક જ કેર હોમમાં સાથે રહેતા હતા, પણ ક્યારેય એકબીજા સાથે મુલાકાત નહોતી થઈ. ત્યારબાદ બંનેની કારકિર્દીની પહેલી નોકરી પણ એક જ સિક્યોરિટી કંપનીમાં હતી. ત્યાં પણ આમને સામને થવાનું ન બન્યું. મજાની વાત એ છે કે પછી રોય અને કેવિન બેઉ પોસ્ટમેન બન્યા પણ એકમેકથી અજાણ જ રહ્યા. અચાનક થયેલા મેળાપ વિશે કેવિને કહ્યું કે ‘અમે બાળપણમાં છૂટા પડી ગયેલા ભાઈ છીએ એની જાણ થતા અમારા હૈયાં ભરાઈ આવ્યા. મારા જીવનની એ સૌથી સુખદ ક્ષણ હતી. અમારા જીવનની કેટલીક બાબતો સેમ ટુ સેમ હતી એ જાણી વિસ્મય થયું. ઈશ્ર્વરનો પાડ કે અમે બંને હેમખેમ છીએ. આજે અમે એકબીજાથી છેટા રહીએ છીએ પણ રોજેરોજ અમારી વચ્ચે અનુકૂળતાએ વાતચીત થાય છે.’

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -