હેન્રી શાસ્ત્રી
સજના હૈ મુઝે સજના કે લિયે
‘લગ્નમાં હું શું પહેરું’ એ નારી જગતની એક વિકરાળ સમસ્યા ગણાય છે. ગીતકાર ભલે લખી ગયા કે ‘સજના હૈ મુઝે સજના કે લિયે’, બર્થ ડે પાર્ટી-કિટી પાર્ટી, સંગીત સંધ્યા કે મેરેજ રિસેપ્શનમાં ‘શું પહેરવું?’ એ પ્રાણ પ્રશ્ર્નનો દરજ્જો ધરાવતો સવાલ છે. આ સમસ્યા માનવ સમાજ પૂરતી મર્યાદિત છે એવું જો તમે માનતા હો તો જાણી લો કે યુએસએના ઓર્લાન્ડો
શહેરના વિશ્ર્વના સૌથી નાનકડા જીવિત શ્ર્વાનના ગિનેસ વર્લ્ડ રેકોર્ડની હકદાર
પર્લ નામની માદા શ્ર્વાનને સુધ્ધાં
બનીઠની તૈયાર થવાનો શોખ છે એમ એની દેખભાળ કરતા પ્રાણીઓના ડૉક્ટરે જ જણાવ્યું છે.
એકંદરે ૧૪-૧૮ વર્ષ જીવતી શ્ર્વાન વિશ્ર્વની ચિહુઆહુઆ નસલની બે વર્ષની માદા માત્ર ૩.૫૯ ઈંચ ઊંચી (ક્રેડિટ કાર્ડ જેવડી) છે અને એની લંબાઈ છે ફક્ત ૫ ઈંચ. મતલબ કે હથેળીમાં સમાય જાય એવી. વજન અડધો કિલોથી સહેજ વધારે. એને દૂબળી કહેવી કે હેલ્થ કોન્સિયસ એ નક્કી કરવું અઘરું છે. મજેદાર વાત એ છે કે પર્લ અગાઉનો વામન સ્વરૂપનો વિક્રમ જેના નામે હતો એ ૩.૮ ઈંચ ઊંચી મીલીની ભત્રીજી થાય. આમ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ વિશે કહી શકાય કે ઘી ઢોળાયું તો ખીચડીમાં.
પર્લનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં તે વોક લેતી, તૈયાર થતી અને રમકડાં સાથે
રમતી નજરે પડે છે અને આ બધું
એ ફેશનેબલ કપડાં પહેરી એ કરતી
દેખાય છે. ફેશનમાં એમ્બ્રોઇડરી કરેલા સ્વેટર, બેલે ડાન્સર પહેરતી હોય એવું સ્કર્ટ અને માણેકથી શોભતો રૂઆબદાર કોલર વગેરે જોવા મળે છે.
આ નસલના સૌથી ટચૂકડા શ્ર્વાનનો ઓલટાઈમ રેકોર્ડ યુકેની જ સિલ્વિયાના
નામે છે. એની ઊંચાઈ ૨.૮ ઈંચ હતી
અને લંબાઈ ૩.૭૫ ઈંચ હતી અને
બે વર્ષની ઉંમરે તેનું ૧૯૪૫માં અવસાન થયું હતું.
—————-
ગૌમાતા ચીફ ગેસ્ટ
પાર્ક હોય કે ફ્લાય ઓવર હોય કે પછી બસ સ્ટોપ પાસે મૂકેલી બેન્ચ હોય, એના ઉદઘાટન કાર્યક્રમમાં રીબીન કાપવાનું આમંત્રણ રાજકારણીઓ સહર્ષ સ્વીકારી લે અને સમય કરતાં વહેલા પહોંચી ફોટોગ્રાફરો સાથે ગુફ્તગુ કરવા લાગી જાય. અલબત્ત ઘર, દુકાન કે ઓફિસની ઓપનિંગ સેરેમનીમાં પરિવારની વ્યક્તિને લાભ આપવામાં આવતો હોય છે. જોકે, તેહઝીબ માટે પ્રખ્યાત લખનઊ શહેરમાં એક હોટેલના ઉદઘાટન સમારોહમાં કોઈ રાજકારણી, ફિલ્મ પર્સનાલિટી કે કોઈ ક્રિકેટરની હાજરી નહોતી કે નહોતા ઘરના દાદા – દાદી કે નહોતી નાની કિશોરી. ચીફ ગેસ્ટ તરીકે ગાય માતા હાજર હતા. જાણીને ચોંકી ગયા ને? લખનઊમાં શરૂ કરવામાં આવેલી પહેલી ઓર્ગેનિક રેસ્ટોરાંનું અલાયદું ઓપનિંગ થયું હતું. જાણવા જેવી વાત એ છે કે એ રેસ્ટોરાં શહેરના ભૂતપૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસની માલિકીની છે. આ રેસ્ટોરાંમાં ઓર્ગેનિક પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલી વસ્તુઓ જ ખવડાવવામાં આવશે એવો દાવો કરવામાં આવ્યો છે. ઓપનિંગ સેરેમનીના વીડિયોમાં ગાય માતાએ ચમકીલા પીળા રંગના વસ્ત્ર પહેરેલા નજરે પડે છે અને આભૂષણોથી ગાયને શણગારવામાં પણ આવી હતી. કેટલાક લોકો એને ભેટી લીલું લીલું ઘાસ ખવડાવતા નજરે પડે છે. માલિકે ખુલાસો કરતા કહ્યું હતું કે ‘આપણી ખેતી અને આપણું અર્થતંત્ર ગૌમાતા પર અવલંબે છે અને એટલે રેસ્ટોરાંનું ઉદઘાટન ગાય માતા પાસે કરાવ્યું.’
—————-
ઉંમર દાદીની, ઉત્સાહ પૌત્રીનો
આજનો આ કિસ્સો અજબ દુનિયાનો ગજબનો ક્લાસિક કિસ્સો છે. કરોડપતિને રોડપતિ દેખાડતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની (એઆઈની) કરામત વિશે તમે ‘મુંબઈ સમાચાર’માં વાંચ્યું હતું. આજે એઆઈની બીજી એક કમાલની વાત કરીએ જે જાણ્યા પછી તમારી આંખો આશ્ર્ચર્યથી પહોળી તો થશે જ, બત્રીસી દેખાડતા તમે ખડખડાટ હસી પણ પાડશો. નવી મુંબઈના આશિષ જોસ નામના આર્ટિસ્ટે મિડજરની નામની ઍપની મદદથી ૭૦ વર્ષના દાદીમામાં ૧૭ વર્ષની પૌત્રી જેવી ચપળતા દેખાડી છે. એક હાથમાં ત્રણ પાયાવાળી લાકડી અને બીજા હાથમાં રેલિંગ પર હાથ મૂકી ધીરે ધીરે મંદિરના પગથિયાં ચડતાં દાદીમા અચાનક જ ખુલ્લી સડક પર મારંમાર સ્કેટબોર્ડ પર સવાર દેખાય અને એ પણ ‘હાય મા, હું પડી ગઈ તો ?’ એવા ભાવ સાથે નહીં પણ ‘બાબુ સમજો ઈશારે’ની સ્ટાઈલ સાથે તો તમારું મોઢું ખુલ્લું રહી જાય અને એમાં એકાદ મચ્છર પણ કદાચ પેસી જાય. આર્ટિસ્ટે સ્કેટિંગ કરી રહેલા કોઈ દાદીને સાડીમાં તો કોઈને વળી સ્કર્ટમાં દેખાડ્યા છે. કોઈ બિન્ધાસ્ત દાદી વળી સ્કેટબોર્ડ પર સ્ટંટ કરતા પણ નજરે પડે છે. આ બધા ફોટોગ્રાફ શેર થતાની સાથે ઇન્ટરનેટ વપરાશકારો એ જોઈ સ્તબ્ધ થઈ ગયા અને બે દિવસમાં તો ૯૫૦૦૦ લાઈક મળી ગઈ. કોઈએ તો કોમેન્ટ કરી કે આ જોઈને પ્રેરણા મળે છે કે ઉત્સાહ અને ઉમંગ હોય તો ઉંમર ગઈ તેલ લેવા એ સિદ્ધ થાય છે. જોકે, આ તસવીરો એઆઈની કારીગરી છે એ ખબર પડતા જ આનંદની ભરતીમાં ઓટ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. એઆઈ હૈ તો કુછ ભી હો સકતા હૈ.
—————–
કપ ધુઓ, નોકરી મેળવો
હૃષીકેશ મુખરજીની ‘ગોલમાલ’ ફિલ્મમાં શેઠ ઉત્પલ દત્ત એકાઉન્ટન્ટની નોકરીના ઉમેદવારને ફિલ્મ, સ્પોર્ટ્સ જેવા વિષયો પર સવાલ કરે છે ત્યારે ઉમેદવારો તો ચોંકી જ જાય છે, દર્શકોને પણ નવાઈ લાગે છે કે યે ક્યા હો રહા હૈ? ઉમેદવારની કામની આવડત ઉપરાંત તેનો સ્વભાવ, તેની વૃત્તિ વગેરે ચકાસવા સાહેબ લોકો જાતજાતના નુસખા અજમાવતા હોય છે. યુકેની કોઈ કંપનીના બોસ નોકરી મેળવવા માગતા દરેક ઉમેદવારની કોફી કપ ટેસ્ટ લેતો હોવાની વાત પ્રસરી છે. જો કોઈ ઉમેદવાર આ ‘પીણા પરીક્ષણ’માં પાસ ન થાય તો બીજી આવડત અને લાયકાત હોવા છતાં તેને નોકરીએ નહોતો રાખવામાં આવતો. આ અનોખા સાહેબનું કહેવું છે કે ઉમેદવાર ઇન્ટરવ્યૂ માટે આવે એટલે સાહેબ તેને લઈને સીધા ઓફિસના કિચનમાં જાય અને ‘આપણે કોફી પીતા પીતા વાત કરીશું’ એમ કહી ઉમેદવારને ટેન્શન ફ્રી કરી દે. પછી કોફીના કપ સાથે બન્ને બોસની કેબિનમાં આવે અને ઇન્ટરવ્યૂની કસરત શરૂ થાય. ઇન્ટરવ્યૂ પૂરો થયા પછી ઉમેદવાર પેલો કોફીનો કપ કેબિનના ટેબલ પર જ રહેવા દે છે કે પાછો કિચનમાં લઈ જઈ વીછળીને મૂકી દે છે એના પર બોસની આંખો ડ્રોનની જેમ ફર્યા કરે. જો કપ સાફ કરી એની જગ્યાએ ગોઠવી દેવાય તો એ ઉમેદવારોમાં ચોખ્ખાઈ અને ચોકસાઇના ગુણ હોવાનું સાબિત થાય અને નોકરી મેળવવામાં એ ગુણ ખાસ્સા મદદરૂપ થાય.
————
ભરથાર ભૂતથી ભડકેલી ભાર્યા
મનુષ્યનું ગૃહસ્થ જીવન વિટંબણાઓથી તો ઘેરાયેલું હોય જ છે, એમાં અનેક વિચિત્રતાઓ પણ નજરે પડે છે. સ્ત્રી-પુરુષના લગ્ન સાહજિક અને સ્વાભાવિક ઘટના કહેવાય. બાર્બી ડોલ કે પછી વૃક્ષ અને આલીશાન કાર સાથે લગ્ન કરવામાં આવ્યા હોય એવા કિસ્સાની પણ હવે નવાઈ નથી રહી. ફિલ્મસ્ટાર કે ક્રિકેટરને મનોમન પરણી જતી ક્ધયાઓના પણ અનેક કિસ્સા છે. જોકે, આમન્ડા ટિગ નામની આઈરીશ મહિલાએ ‘ભાગતા ભૂતની ચોટલી પણ સારી’ કહેવતને મઠારી ‘ભૂત તો ભરથાર (પતિ) સારો’ એવી ચાહના રાખી ઘોસ્ટ-ભૂત સાથે વિધિસર લગ્ન કરી લીધા. આ લગ્નને કાયદેસર માન્યતા મળે એ માટે આમન્ડા આયર્લેન્ડના કિનારાથી દૂર ઇન્ટરનેશનલ વોટર (જે જળવિસ્તાર પર આયર્લેન્ડનો અધિકાર ન હોય)માં બોટ લઈ ગઈ અને પરણી ગઈ. જોકે પ્રેત સાથે પ્રેમના સંબંધોના એક જ વર્ષમાં વળતા પાણી થયા અને તેણે હવે છૂટાછેડા આપી દીધા છે. રેશમની ગાંઠ કેમ ઢીલી પડી છૂટી ગઈ તેવા સવાલના જવાબમાં આમન્ડા જણાવે છે કે ‘એની સાથે લગ્ન કરીને મેં ભૂલ કરી. જેક સાથેના સંબંધો શરૂઆતમાં પ્રેમાળ અને સુંવાળા હતા, પણ હવે સંબંધ સાવ બરછટ થઈ ગયા છે. આ સહ જીવનનો કોઈ અર્થ નથી.’ ટૂંકમાં ભાર્યા (પત્ની) ભરથાર (પતિ)થી ભડકીને છૂટી પડી છે. વિચિત્ર લગ્નનો અંત વિચિત્ર રીતે જ આવે ને!