હેન્રી શાસ્ત્રી
નિર્બલ સે લડાઈ બલવાન કી…
નિર્બળ પ્રાણી કે વ્યક્તિ માટે સાવ મગતરું (નાજુક જીવ જેને પળવારમાં મસળી શકાય) છે એમ કહેવાય છે. જોકે, આ અજબ દુનિયામાં ગજબ ઘટના જોવા જ મળતી હોય છે અને પ્રાણી જગત એમાં અપવાદ નથી. પ્રાણી જગત વિશે વિસ્મય વધારતા અનેક વીડિયો યુ ટ્યુબ પર જોવા મળે છે. પોતાનું બચ્ચું હેમખેમ રહે એટલે જીવ જોખમમાં મૂકી શિયાળની દિશાભૂલ કરતા હરણની દોડાદોડનો વીડિયો તમે જોયો હશે. સંતાનની સારસંભાળની વાત આવે ત્યારે નિર્બળ બળવાન સાથે લડી લેતા ગભરાતો નથી. દક્ષિણ આફ્રિકાના મશહૂર ક્રુગર પ્રાણી સંગ્રહાલયમાં સફારી દરમિયાન સહેલાણીઓને પેટના જણ્યા માટે મા – બાપ કેવો જીવસટોસટનો ખેલ કરી અંતે સફળતા મેળવે છે એ જોવા મળ્યું. આ સમગ્ર ઘટના નજરે જોનાર વ્યક્તિએ એના વીડિયો અને ફોટોગ્રાફ શેર કરી લખ્યું છે કે ‘મેં જે જોયું એનાથી મને મારી આંખ પર જ વિશ્ર્વાસ ન બેઠો. એક મસમોટી ગરોળી (બિગ લિઝાર્ડ) કાબરો કલકલિયો (Pied Kingfisher) તરીકે ઓળખાતા પક્ષીના માળા પર તરાપ મારી તેણે મૂકેલા ઈંડાં પેટમાં પધરાવવા માગતી હતી. નજીકમાં જ ઉડાઉડ કરી રહેલા નર-માદા ગરોળીનો બદ ઈરાદો પારખી ગયા. બન્ને વારાફરતી ગરોળીની પીઠ પર બેસી અલગ અલગ જગ્યાએ ચાંચ ભોંકી એને પીડા આપવા લાગ્યા. અકળાયેલી ગરોળી શરીર ઝાટકી નર માદાને ભગાડવાની-ડરાવવાની કોશિશ કરી માળા તરફ આગળ વધતી હતી. જોકે ‘પતિ – પત્ની’ ગાંજ્યા જાય એવા નહોતા અને ફરી ફરી ગરોળીના શરીર પર બેસી ચાંચ ભોંકી એની દિશાભૂલ કરતા રહેતા હતા. અંતે ગરોળી થાકી અને કંટાળીને નદીના પાણીમાં ઊતરી ગઈ એ આશાએ કે કોઈ શિકાર સહેલાઈથી મળી જાય. આ તરફ જોરદાર પવનના સૂસવાટા વચ્ચે દીવો હોલવાયો નહીં અને દરેક વખતે મગતરું મસળી ન શકાય એનો અનુભવ થયો.
————-
દયાહીન સામે દંડૂકો
કવિ કલાપીની અમર રચના ‘ગ્રામ્યમાતા’ની પંક્તિ ‘રસહીન થઈ છે ધરા, દયાહીન થયો છે નૃપ’ જેવું દૃશ્ય ઉત્તર પ્રદેશના બદાયૂં (‘પ્યાર કિયા તો ડરના ક્યા’ના ગીતકાર શકીલ બદાયૂંની યાદ હશે) શહેરમાં જોવા મળ્યું છે. જોકે, ગ્રામ્યમાતાના નૃપને પોતાની ભૂલનું ભાન થઈ ગયું હતું અને પોતે રાજા હોવાથી દયાહીન થવાની તેને કોઈ સજા નહોતી થઈ. યુપીના દયાહીન માણસને સજા ફરમાવવામાં આવી છે. યુપી પોલીસે આપેલી માહિતી અનુસાર મનોજ કુમાર નામની વ્યક્તિએ ક્રૂરતા આચરી ઉંદરમામા જાણે કંસ મામા હોય એમ એની પૂંછડી સાથે મોટો પાણો બાંધી એને ગટરમાં ડૂબાડી દીધો હતો. પ્રાણીપ્રેમી આલોક મિશ્રાએ આ સગ્ગી આંખે જોયું અને દોડીને ઉંદરને બચાવવાની કોશિશ કરી પણ મામાના રામ રમી ગયા. મનોજ સામે અદાલતમાં ૩૦ પાનાનું આરોપનામું તૈયાર કરવામાં આવ્યું અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની જોગવાઈ અનુસાર તેને વધુમાં વધુ ૨૦૦૦ રૂપિયાનો દંડ અને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે, મનોજ કુમારના પિતાશ્રીએ પુત્રનો બચાવ કરતી દલીલ કરી છે કે ‘ઉંદર અને કાગડા મારવામાં કંઈ ખોટું નથી. આ પ્રાણીઓ જોખમી હોય છે. ઉંદરોએ તો અમારા માટીના વાસણો ખતમ કરી નાખ્યા છે જેના કારણે અમને માનસિક ત્રાસ થવાની સાથે આર્થિક નુકસાન પણ થયું છે. જો મારા દીકરાને સજા કરવામાં આવે તો મરઘાં-બકરી અને માછલીને વધેરતા લોકો સામે પણ પગલાં લેવા જોઈએ. ઉંદર મારવાની દવા વેચનારાઓને પણ સાણસામાં લેવા જોઈએ.’
————-
મેયર – મૂષકનું મહાયુદ્ધ
ઉત્તર પ્રદેશમાં ઉંદરની નિર્દયતાથી હત્યા કરવા માટે એક યુવાનને આકરી સજા ફરમાવવામાં આવી છે જ્યારે અમેરિકામાં ઉંદરોની કત્લેઆમ કરવા, તેમને મોતને ઘાટ ઉતારવા શાળાના શિક્ષકની નિમણૂક કરવામાં આવી છે બોલો. જીવદયાની ભાવના સમજાવતા શિક્ષક જીવહત્યા કરી જનતાની વાહ વાહ મેળવશે. ઘોર કળિયુગ છે તમે કહેશો. અલબત્ત હકીકત એમ છે કે યુએસએના ન્યૂ યોર્ક શહેરના રહેવાસીઓ વર્ષોથી ઉંદરમામાનો ત્રાસ સહન કરતા આવ્યા છે. ન્યૂ યોર્કના લગભગ બધા મેયરે મૂષક સામેના મહાયુદ્ધમાં પરાજય ભોગવવો પડ્યો છે. જોકે, તાજેતરમાં મેયરપદે નિમાયેલાં પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષિકા એરિક એડમ્સ શહેરીજનોને મૂષક મુસીબતમાંથી બહાર કાઢશે એવી ઉમ્મીદ જાગી છે. વાત એમ છે કે એરિક બહેન ઉંદરમામાને કંસનો અવતાર માને છે અને તેનો ખાત્મો બોલાવી દેવાની ઝુંબેશ ઘણા સમયથી ચલાવે છે. આ નોકરી માટે આપેલા વિજ્ઞાપનમાં જોઈએ છે ‘લોહી તરસી, એક ઘા ને બે કટકામાં વિશ્ર્વાસ રાખતી અને મૂષક સંહારનો મંત્ર ગોખી શકતી વ્યક્તિ’ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી અને એ વાંચી અને એના આધારે પસંદ પામેલા મેયર શું કરશે એ સમજાવવાની જરૂર ખરી?
—————-
મીની માસી મેટ્રોના માસ્તર
આમતેમ રખડતા ને લોકોના હાથમાં બિસ્કિટનું પેકેટ જોઈ પૂંછડી પટપટાવતી શ્ર્વાન મંડળી કે પછી ભાઉ ભાઉથી ભાગતી ફરી ને દૂધની રકાબી જોઈ મીઠું મીઠું મ્યાઉં મ્યાઉં કરતી બિલાડીઓ બસ સ્ટોપ કે રેલવે સ્ટેશન પર લટાર મારતા કે ભાગમભાગ કરતા જોવા મળે એની નવાઈ નથી. જોકે, મનુષ્યના વફાદાર મિત્ર શ્ર્વાન અને પરાણે વહાલી લાગતી મીની માસી હવે કુટુંબની વ્યક્તિને સમકક્ષ સ્થાન મેળવતા થઈ ગયા છે. ચીનની ત્રાંસી નજર જેના પર કાયમ મંડાયેલી રહે છે એ તાઈવાનમાં તો મ્યાઉં મ્યાઉંના માનપાન વધી ગયા છે. તાઈવાનના મેટ્રો સ્ટેશન પર મિકન નામની મીની માસીની નિમણૂક માનદ સ્ટેશન માસ્તર તરીકે કરવામાં આવી છે. આ હોદ્દો મળવાથી મીંદડીના માનપાન વધી ગયા છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તેને સેલિબ્રિટી સ્ટેટસ પ્રાપ્ત થયું છે. એનું અલાયદું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે જેના ૫૯૦૦૦ ફોલોઅર્સ છે. પ્રાણી-પ્રેમીઓ બિલ્લી બાઈના પ્રમોશનથી રાજીના રેડ થઈ ગયા છે. તાઇવાન ન્યૂઝ અખબારમાં જણાવ્યા અનુસાર ચોથી એપ્રિલે તાઇવાનના મેટ્રો રેલ નેટવર્કની ૧૫મી એનિવર્સરીની સાથે બાળદિન પણ હતો. આ ડબલ ધમાકા ઉજવણી યાદગાર બનાવવા આદુના રંગ જેવી રૂંવાટી ધરાવતી જીંજર કેટને માનદ હોદ્દો આપવામાં આવ્યો હતો. એની લોકપ્રિયતા વટાવી ખાવા બેગ અને અન્ય પ્રોડક્ટના વેચાણ પર એની સ્ટાઇલિસ્ટ તસવીર મુકવામાં આવશે.
—————-
ચીસાચીસ ને કિલકિલાટની મજા જ અલગ છે
‘ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના’ એ સોલો સોન્ગમાં ભાઈ-બહેનના સ્નેહની સરવાણી ફૂટે છે. રાખડી બંધાવવી, વીર પસલી આપવી અને બહેનને મનગમતી ગિફ્ટ આપી એને રાજી રાજી કરી દેવામાં ભાઈને પણ આનંદ આવતો હોય છે. જોકે, આ ગીત કોરસમાં સાંભળતા બ્રિટનના રહેવાસી ચાર્લ્સ લુઈસને કેવી લાગણી થતી હશે? વાત એમ છે કે ચાર્લ્સને બે ચાર નહીં પણ પૂરી એક ડઝન બહેન છે અને ભાઈ એક પણ નહીં. ૧૨ બહેનો વચ્ચે રહેવાના ફાયદા પણ છે અને નુકસાન સુધ્ધાં. ફાયદો એ કે બહેનોનો અઢળક પ્રેમ મળે. માણસો ઘણી વાર દુ:ખના ડુંગર નીચે દબાઈ જતા હોય છે, ચાર્લ્સ તો પ્રેમના પહાડ નીચે હરખાઈને રહેતો. સારું છે કે બ્રિટનમાં બળેવને દિવસે રાખડી બાંધવાનો રિવાજ નથી, નહીંતર ચાર્લ્સના બંને હાથ પર ઘડિયાળ ગોતવી પડે એવી હાલત થાય. અલબત્ત ચાર્લ્સ આટલી બહેનો સાથે એક ઘરમાં રહેતો ત્યારે ગરમ પાણીથી નહાવા માટે સવારે સાડા પાંચે જાગી જવું પડતું, કારણ કે એક વાર બહેનો જાગી જાય પછી તેમનો નિત્યક્રમ પૂરા થયા પછી જ ચાર્લ્સનો નંબર લાગતો. એક ખાસ નોંધવા જેવી વાત એ છે કે ચાર્લ્સના જે મિત્રો ઘરે આવતા તેમને બહેનો સાથે ડેટિંગ કરવા પર મનાઈ ચાર્લ્સે ફરમાવી હતી અને બહેનોની બહેનપણીઓને ચાર્લ્સ ડેટિંગ કરતો નહીં. હિસાબ બરાબર. જોકે, આજે અલગ રહેતા ચાર્લ્સને બહેનોની ચીસાચીસ અને ખીલખીલાટ હસવાનું બહુ યાદ આવે છે. અને હા, જ્યારે બહેનની સલાહની જરૂર પડે ત્યારે ચાર્લ્સ પાસે એક ડઝન વિકલ્પ હોય છે. વેરી લકી, હેં ને.