હેન્રી શાસ્ત્રી
જેલનું જમણ, બેંગલુરુનું કામણ
હર્ષ ગોએન્કા, આનંદ મહિન્દ્ર જેવા બિઝનેસમેન અને કેટલાક આઈએએસ ઓફિસર સોશિયલ મીડિયામાં જ્ઞાનમાં વધારો કરી ગમ્મત વધારતી પોસ્ટ મૂકતા હોય છે. તાજેતરમાં મિસ્ટર ગોએન્કાએ જેલ જેવો આભાસ ઊભો કરતી બેંગલુરુની એક રેસ્ટોરાંના દર્શન વીડિયોમાં કરાવ્યા છે. આ વીડિયોમાં હોટેલનું ઈન્ટીરિયર અદ્લોદ્લ જેલ જેવું દેખાય છે. સળિયા પાછળ જમતા ગ્રાહકો પાસે ઓર્ડર લેનારા પોલીસ ડ્રેસમાં અને ભોજન પીરસનારા આવે ત્યારે રેસ્ટોરાંમાં નહીં પણ કારાવાસમાં હોય એવી ફીલિંગ આવે. રેસ્ટોરાંનું પ્રવેશદ્વાર, બેસવાની સગવડ, કેદીને અપાય એવી થાળીમાં પિત્ઝા કે ઢોસા સર્વ થાય, એ બધું પીરસવાની સ્ટાઈલ, છત પર ઝુમ્મર સાથે લટકતી રાઈફલ વગેરે જોઈને સહેજે વિચાર આવી જાય કે ગુનો કરીને જેલની હવા ભલે ન ખાવી હોય પણ આ ‘જેલ રેસ્ટોરાં’ની ડિશ જરૂર ખાવી જોઈએ. કોઈ વળી ‘સુરતનું જમણ’ને બદલે ‘જેલનું જમણ’નું મહત્ત્વ સમજાવી નવી કહેવત પણ બનાવવા બેસી જાય. સાચે જ લોકોના ભેજામાં કેવી કેવી સર્જન કલા ધરબાયેલી પડી હોય છે.
———–
પુરાવા તરીકે સમાધિનો ફોટો મોકલજો
મમ્મીની તબિયત સારી નથી એવું કહી તમે આઈપીએલની મેચ જોવા ગયા હો અને બિઝનેસની મિટિંગને બહાને એ જ મેચ જોવા આવેલા બોસ જો તમને જોઈ જાય તો? અને પછી ઓફિસમાં તમારા મમ્મી હૉસ્પિટલમાં છે એનો કોઈ પુરાવો માગે તો? તો તમારા તો મોતિયા જ મરી જાય ને. અલબત્ત એ તમારી ચોરી પકડવા માગે છે, પણ હોંગકોંગમાં એક બોસે કર્મચારી પાસે એવો પુરાવો માગ્યો છે કે લોકોને લાગી આવ્યું છે અને કર્મચારી માટે સહાનુભૂતિનો દરિયો વહેતો થયો છે. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’ના એક અહેવાલ અનુસાર હોંગકોંગમાં નોકરી કરતા એક ચીની કર્મચારીને એક વિશિષ્ટ કારણસર ૧૨ દિવસની રજા જોઈતી હતી. કર્મચારીને ચિંગ મિંગ ફેસ્ટિવલ તરીકે ઓળખાતા એક મહોત્સવમાં હાજરી આપવી હતી. આ મહોત્સવમાં ચાઈનીઝ લોકો પૂર્વજોની સમાધિ (કબર)ની મુલાકાત લઇ તેની સાફ સફાઈ કરી ફૂલ ચડાવી આદર વ્યક્ત કરે છે. બોસે પરાણે રજા મંજૂર કરી અને સવાલ કર્યો કે ‘પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરવા બાર દિવસની રજાની શી જરૂર છે?’ એવો સવાલ કરી સમાધિનો ફોટોગ્રાફ પુરાવા તરીકે રજૂ કરવા જણાવ્યું હતું. આ બધાથી કંટાળેલા કર્મચારીએ પોતાની વ્યથા સોશિયલ મીડિયા પર ઠાલવી અને લોકોએ બોસ સામે બળાપો કાઢ્યો અને કર્મચારી માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.
————-
પડછાયાનો પ્રોબ્લેમ
ગુરુવારે, રામ નવમીના સપરમા દા’ડે જાતિમુક્ત મંદિર પ્રવેશની શરૂ થયેલી શતાબ્દી નિમિત્તે ૧૦૦ વર્ષ પહેલા કેરળમાં ધર્મના નામે કેવું અણઘડ વાતાવરણ હતું એનો એક પ્રસંગ જાણવામાં આવ્યો. વાંચીને તમેય બોલી ઉઠશો કે ‘હદ હો ગઈ યાર.’ ૧૯૨૦ના દાયકામાં ત્રાવણકોરના રજવાડામાં અલુમુટ્ટી ગોવિંદન ચનાર ધનવાન વ્યક્તિ હતી. સૌથી વધુ ટેક્સ ભરનાર ટોપ ટેનની યાદીમાં એનું નામ હતું. એ સમયે જે જૂજ લોકો પાસે મોટરગાડી હતી એમાં એક અલુમુટ્ટી હતો. ઘરે દોમ દોમ સાહ્યબી હોવા છતાં શ્રી વૈકોમ મહાદેવ મંદિર પાસેથી પસાર થવા પહેલા શ્રી ચનારે ગાડી થોભાવી નીચે ઊતરી, રસ્તો ઓળંગી મંદિરનો પરિસર પૂરો થાય ત્યાં સુધી મંદિરથી ‘સલામત અંતર’ રાખી સામે છેડે ચાલી આગળ વધવું પડતું હતું. કેમ? તો કે એ અવર્ણ-નીચલી જાતિનો હતો. એનો પડછાયો પણ જો મંદિરના પરિસરમાં પડે તો એ ધર્મસ્થાનક ‘દૂષિત’ થઈ જાય, ભ્રષ્ટ બની જાય એવી (ગેર) માન્યતા હતી. મંદિર ઓળંગી લીધા પછી અલુમુટ્ટી ગોવિંદન ચનાર ફરી મોટરમાં બેસી જાય. હવે મજા જુઓ કે શ્રી ચનારના ડ્રાઈવરને તો બેધડક મંદિરના રસ્તે કાર ચલાવી આગળ વધવાની છૂટ. એનો પડછાયો પ્રોબ્લેમ ન કરે. કેમ? તો કે એ સવર્ણ-ઉપલી જાતિનો હોવાથી એના પડછાયા પાસે પણ લાઇસન્સ હતું બિન્ધાસ્ત આગળ વધવાનું. કાર અને ડ્રાઇવર બન્ને અસ્પૃશ્ય નહોતા, કારમાલિક હતો. ત્રાવણકોર અને કેરળના કેટલાક વિસ્તારમાં અસ્પૃશ્યતા એ હદે ફેલાઈ ગઈ હતી કે સ્વામી વિવેકાનંદે કેરળનું વર્ણન ‘ગાંડાઓની હૉસ્પિટલ’ તરીકે કર્યું હતું.
————-
ભગવાન, તું છે ક્યાં?
ભગવાન સૌથી વધારે મુસીબતમાં યાદ આવે એ હકીકત સ્વીકારવી જ રહી. પહેલી નોકરીનો ઈન્ટરવ્યૂ હોય, પોતાની ફિલ્મ, નાટક સિરિયલ રિલીઝ થવાના હોય, વિરારથી વાલકેશ્ર્વર પહોંચાડી દે એવી લોટરીનું રિઝલ્ટ ખુલવાનું હોય કે પછી ન વાંચ્યું હોય એમાંથી એક પણ સવાલ પરીક્ષામાં ન પૂછાય એવી ઈચ્છા હોય ત્યારે ત્યારે ભગવાન અચૂક સાંભરે. લંડન હોય કે લખનઊ, નવસારી હોય કે ન્યૂ યોર્ક, મુંબઈ હોય કે મડાગાસ્કર, આન્સર પેપર ઉત્તર પત્રિકા કોરીકટ છોડી દેવાની કે પછી પરીક્ષક કદાચ વાંચ્યા વગર માર્ક આપી દે એ આશાએ ખોટો જવાબ લખી ભરી દેવાની આદત સાર્વત્રિક છે. આ બધામાં આપણો દેશ એક બાબતે અલાયદો એ રીતે છે કે વિદ્યાર્થીઓ ઉત્તર પત્રિકામાં પોતાની વ્યથા કથા લખતા હોય છે કે પછી હિન્દી ફિલ્મના ગીત લખી નાખતા હોય છે. ચંદીગઢ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીના આન્સર પેપરના વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થીએ વિષયના પૂછાયેલા સવાલના લખેલા જવાબે મનોરંજન પૂરું પાડ્યું છે. આ વિદ્યાર્થીએ માત્ર ત્રણ જ જવાબ લખ્યા હતા, જેમાંથી બે જવાબ હિન્દી ફિલ્મના ગીત સ્વરૂપે હતા. પહેલા જવાબમાં ‘થ્રી ઇડિયટ્સ’ ફિલ્મના ગીતની પંક્તિથી શરૂઆત કરી હતી, ‘ગીવ મી સમ સનશાઈન, ગીવ મી સમ રેઇન, ગીવ મી અનધર ચાન્સ, આઈ વોના ગ્રો અપ વન્સ અગેન.’ બીજા જવાબમાં વિદ્યાર્થીએ ટીચરને સંબોધીને લખ્યું છે કે ‘મેડમ તમે તેજસ્વી શિક્ષક છો. મેં મહેનત નથી કરી એ મારો વાંક છે. ભગવાન મને થોડી ટેલન્ટ (પ્રતિભા) આપો.’ ત્રીજા જવાબમાં હિન્દી ફિલ્મ ‘પીકે’નું ગીત ‘ભગવાન હૈ કહાં રે તૂ’ ઉતાર્યું છે. આ રમૂજી જવાબોથી બધાના ચહેરા મલકાઈ ઉઠ્યા છે. પેપર તપાસનાર શિક્ષકે ઉત્તર પત્રિકામાં લખ્યું કે ‘તારે પણ આવા વધુ જવાબ (ગીતો) લખવા જોઈએ.’ ટીચરનો જવાબ પણ બધાને ખૂબ પસંદ પડ્યો છે. પેપરમાં આવા જવાબ તપાસવાનું તાણ હળવું કરતા હશે.