નવી દિલ્હી: ઘરેલુ અને કમર્શિયલ વપરાશના રાંધણગૅસના ભાવમાં વધારો થતાં સામાન્ય જનતા, ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો પર મોંઘવારીનો બોજ વધ્યો છે. બુધવારે રાંધણગૅસના સિલિન્ડરનો ભાવ પચાસ રૂપિયા વધારાયો હતો. ઇશાનના ત્રણ રાજ્યોની ચૂંટણી પૂરી થયા પછી ગૅસના ભાવમાં કરાયેલા વધારાની વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી છે.
ભાવ વધારા પછી હવે ૧૪.૨ કિલોના ગૅસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૧૦૫૩ રૂપિયાથી વધીને ૧૧૦૩ રૂપિયા, મુંબઈમાં ૧૧૦૨.૫૦ રૂપિયા, કોલકાતામાં ૧૧૨૯ રૂપિયા અને ચેન્નઈમાં ૧૧૧૮ રૂપિયા પર પહોંચી છે. દરેક રાજ્યના સ્થાનિક કરવેરા અનુસાર સિલિન્ડરના ભાવમાં થોડો ફેરફાર રહેશે. સરકારી માલિકીની ફ્યુઅલ રિટેલર કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશને ૧૪.૨ કિલોના ગૅસ સિલિન્ડરની કિંમત ૧૧૦૩ રૂપિયા નક્કી કરવામાં આવી હોવાની જાહેરાત કરી હતી.
તેલ કંપનીઓએ હોટેલો અને રેસ્ટોરાંમાં વપરાતા કમર્શિયલ એલપીજીના ૧૯ કિલોના સિલિન્ડરના ભાવમાં ૩૫૦ રૂપિયાનો વધારો કરતાં તેની નવી કિંમત ૨૧૧૯.૫૦ રૂપિયા પર પહોંચી છે.
ઉજજ્વલા યોજનામાં આવરી ન લેવાયા હોય એવા મોટા ભાગના ગૅસ પુરવઠા માટે સરકારી સબસિડી અપાતી નથી. સરકાર પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના હેઠળ વિના મૂલ્યે એલપીજી કનેક્શન મેળવનારા ૯.૫૮ કરોડ ગરીબોને સિલિન્ડરદીઠ ૨૦૦ રૂપિયા સબસિડી આપે છે. એ રીતે ગૅસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને એલપીજી સિલિન્ડર ૯૦૩ રૂપિયાના ભાવે ઉપલબ્ધ કરાવાશે.
એક વર્ષથી ચાલતા યુક્રેન અને રશિયાના યુદ્ધની સમાંતરે કમર્શિયલ એલપીજીના ભાવ વધતા રહ્યા છે. ગયા જાન્યુઆરી મહિનામાં કમર્શિયલ એલપીજીના ભાવ સિલિન્ડરદીઠ પચીસ રૂપિયા વધારાયા હતા.
આઠ મહિના પછી ગૅસના ભાવમાં વધારો કરાયો છે. છેલ્લે વર્ષ ૨૦૨૨ના જુલાઈ મહિનામાં રાંધણ ગૅસના ભાવ વધારાયા હતા.
ઇંધણના ભાવમાં વધારાની વિરોધ પક્ષોએ આકરી ટીકા કરી છે. કૉંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે મોદી સરકારના શાસનમાં ફુગાવાએ કરોડરજ્જૂ તોડી નાખી છે, એવામાં ગૅસના ભાવમાં વધારાથી પડ્યાને પાટુ વાગી છે. શિવસેના(ઉદ્ધવ જૂથ)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે આ તો મોદી સરકારની હોળીની ભેટ છે. રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસે કેન્દ્ર સરકાર સામાન્ય જનતાના હિતોથી વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન વિમાનોમાં વપરાતા જેટ ફ્યુઅલને નામે ઓળખાતા એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના આંતરરાષ્ટ્રીય ભાવમાં ૪ ટકા ઘટાડો થતાં તેના સ્થાનિક ભાવમાં પણ ઘટાડો કરાયો છે. તેથી દિલ્હીમાં એક કિલોલિટર જેટ ફયુઅલની કિંમત ૪૬૦૬ રૂપિયાના ઘટાડા સાથે ૧,૦૭,૭૫૦ રૂપિયા કરાઈ છે. આ ઘટાડાને પગલે ગયા મહિને જેટ ફ્યુઅલના ભાવમાં કરાયેલો વધારો સરભર થયો છે. આંતરરાષ્ટ્રીય ભાવધોરણને અનુલક્ષીને દર મહિનાની પહેલી તારીખે જેટ ફ્યુઅલના ભાવમાં વધઘટ કરવામાં આવે છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ સતત ૧૧મા મહિને એક સ્થાને ટકી રહ્યા છે. હાલ દિલ્હીમાં પેટ્રોલની કિંમત લિટરદીઠ ૯૬.૭૨ રૂપિયા અને ડીઝલની કિંમત ૮૯.૬૨ રૂપિયા છે. સરકારી માલિકીની ફ્યુઅલ રિટેલર કંપનીઓએ ઇંધણના આંતરરાષ્ટ્રીય ભાવધોરણને આધારે ૧૫ દિવસની રોલિંગ એવરેજને આધારે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સુધારા-વધારા કરવાના હોય છે. એ કપનીઓએ વર્ષ ૨૦૨૨ની ૬ એપ્રિલ પછી તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. છેલ્લે સરકારે ગયા વર્ષની બાવીસમી મેએ પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી ત્યારે તેના ભાવમાં ઘટાડો કરાયો હતો. એ ઘટાડાને કારણે ઑઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાથી પીડિત લોકોને રાહત થઈ હતી. (એજન્સી)