વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
સરદાર હરિસિંહ નલવા માત્ર બાહુબળ તલવાર, બંદૂક અને યુદ્ધનીતિમાં માહેર હોત તો કાશમીર જેવા પ્રદેશમાં સૌના દિલ જીતવાનું તો ઠીક, ટકવાનું ય બની ગયું હોત, પરંતુ તેઓ દિલના સાચા હતા. વિચારવંત હતા અને દૂરદેશીય ખરા. પાછું જે કરે એમાં અંગત રાગદ્વેષ કે પોતીકું સ્વાર્થ જરાકે ય નહીં, ક્યારેય નહીં તેઓ શાસક નહોતા, નેતા હતા.
પાંચ-પાંચ દાયકાના મુસ્લિમ શોષણે કાશ્મીરી પ્રજાને સ્વલક્ષી બનાવી દીધી હતી. એમની વિચારસરણી એકદમ અલગ પ્રકારની બનાવી દીધી હતી. આ લાંબા સમયની પ્રક્રિયાનું પરિણામ હતું. તેઓ વંચિત રહ્યા હતા. સુખથી, શાંતિથી, વિકાસથી અને સલામતીથી.
એમનું મન બદલવા અને હૃદય જીતવાનું કામ માત્ર તલવાર કે બળથી થવાનું નહોતું. હરિસિંહે મૂળમાં જઇને તપાસ આદરી. સૌપ્રથમ આંચકો એ લાગ્યો કે સરકારી તિજોરી સાવ ખાલીખમ હતી. આમાં પ્રજાના કલ્યાણના કામ કયાંથી થાય? સાથોસાથ સરકારી કર્મચારીઓ વધુ ભ્રષ્ટ બને એ અલગ. આમાં મહેસૂલની આવક એટલી કંગાળ હતી કે સૈનિકોને ચાર-ચાર મહિનાથી પગાર ચૂકવાયો નહોતો. આ બધાના સરવાળે નવા-મોટા ઝઘડા મારામારી થવા, લૂંટફાટ અને વિખવાદ વકરતા બહેન-દીકરીઓના મર્યાદા ભગના કિસ્સા વધવા માંડ્યા હતા. આ વિદ્રોહની નાની નાની ચિંગારીઓ હતી, તેને તાત્કાલિક ઠારવાની-ડામવાની કસોટી નલવાએ પાર પાડવાની હતી.
સરદાર હરિસિંહ નલવાએ લાગણીભર્યાં શાબ્દિક મલમપટ્ટાથી સૌના ઘાનો ઇલાજ શરૂ કર્યો. તેમણે વડીલને શોભે એવી ભાષામાં વિષય રજૂ કર્યો, જેનો સાર કંઇક આવો હતો: સૈનિકો અને પ્રજાએ આકરી મહેનત અને બલિદાન થકી અફઘાનો પાસેથી રાજ્ય પાછું મેળવ્યું છે. આપણે સૌ ઇચ્છીએ છીએ કે અફઘાન-શાસન જેવા અત્યાચાર-અન્યાયનું પુનરાર્વતન ન થાય, પરંતુ આ પ્રજાના સંપૂર્ણ સાથ-સરકાર વગર સંભવ નથી. સુશાસન ચલાવવા માટે ધનની જરૂર પડે, જે સરકારી તિજોરીમાં નથી. તિજોરીમાં આ ધન માત્ર કર-ચૂકવણીથી જ આવી શકે. એટલે સૌને વિનંતી છે, પ્રાર્થના છે કે પોેતે ચૂકવવાનો કરવેરા તરત ચૂકવી દે. આ અપીલ બાદ પણ કરવેરો ન ચૂકવનારા કરચોરો સામે આકરાં પગલાં લેવા અમે લાચાર થઇ જઇશું.
આ સૌમ્ય છતાં વેધક ચેતવણીની મોટા પ્રમાણમાં અસર થવા માંડી. અત્યાર સુધી કરવેરાની રકમ પોતાની તિજોરીમાં દબાવીને બેઠેલામાંથી મોટા ભાગના ચુકવણી કરવા માંડ્યા, થોડા ઘણા જડ અને જિદ્દીને પકડીને બરાબરના બોધપાઠ ભણાવાયા કે જોનારાઓ પણ થોડામાં ઘણું સમજી ગયા. આ આદેશ થકી ભવિષ્યમાં વિદ્રોહની શક્યતાને પણ ડામી દેવાઇ રહી હતી.
હરિસિંહ નલવાનો રોલ જામતો જતો હતો. આ નેતાને કામ સાથે કામ છે. વાહિયાતગીરી નહીં ચલાવી લે એવો સંદેશો સૌ સુધી પહોંચવા માંડ્યો, પરંતુ હાથની બધી આંગળી ક્યાં સરખી હોય છે. અમુક જડસુ તો શ્ર્વાનની પૂછ જેવા હોય. એટલે સીધે સીધા માને જ નહિ. આવો પડકાર જેલમ નદીના બન્ને કિનારાના વિસ્તારમાંથી ઊભો થયો. એમાં બારામુલ્લાના ધનિક મુસલમાનોય જોડાયા. આ મુસલમાનો શાંતિથી માનવાને બદલે એકદમ વિદ્રોહ પર ઉતરી આવ્યા. આમનું નેતૃત્વ ઝુલ્ફીકાર ખાન અને રાજા ગુલામ અલી ખાન કરતા હતા.
સરદાર હરિસિંહ નલવા સમજી ગયા કે આ લોકો વાતોથી નહી માને, લાતની આવશ્યકતા છે. મીઠું બોલનારા નલવાની આંખ લાલ થઇ એટલે એક એક વિદ્રોહીઓ પાસેથી બળપૂર્વક વર્તમાન કરવેરો, અગાઉની બાકીનો વેરો તો વસૂલ કરાયો જ અને સાથોસાથ દંડ પણ ફટકારાયો. સમગ્ર પ્રજા પર બરાબરનો દાખલો બેસે એટલે ઝુલ્ફીકાર અને ગુલામ અલી ખાનને હાથ-પગમાં વજનદાર સાંકળો બાંધીને લાહોર રવાના કરી દેવાયા.
હરિસિંહ નલવાના શબ્દો, વ્યૂહ અને પગલાં ધાર્યું પરિણામ લાવ્યા. રાજ્યમાં શાંતિ પુન: સ્થપાઇ અને તિજોરીય ભરાઇ ગઇ. આ તક ઝડપીને નલવાએ મહારાજા રણજિતસિંહનું શાસન કેટલું પ્રજાભિમુખ છે એ દર્શાવતું પગલું ભર્યું, કરવેરામાં ઘટાડો કરીને!
કાશ્મીર પ્રત્યે મુસલમાન શાસકોનું આ વલણ કેવું હતું. એના દાખલા અને આંકડા ઘણું કહી જાય છે. અકબરના શાસનમાં એટલે કે ઇ.સ. ૧૫૮૬ બાદ કાશ્મીરની મહેસૂલી આવક ૧૫ લાખ હતી. જે અફઘાન શાસનમાં ૬૦ લાખ થઇ ગઇ હતી. મહારાજા રણજિતસિંહે કાશ્મીર જીત્યા બાદ દિવાન મોતીરામે એ ઘટાડીને છેક ૧૫ લાખ રૂપિયા સુધી લાવી દીધી, પરંતુ હરિસિંહ નલવાએ તો વધુ એક ડગલું આગળ વધીને એને ય ઘટાડીને વાર્ષિક મહેસૂલ રૂ.૧૩ લાખ કરી નાખ્યું.
જો હરિસિંહ નલવાએ લશ્કરી તાકાત વાપરી હોત તો કાશ્મીર ફરી હાથમાંથી ગયું હોત, પરંતુ વ્યવહાર-કુશળતાથી સહૃદયપૂર્વક તેમણે તિજોરી ય ભરી, પ્રજાને સુખી ય કરી અને રાજ્યમાં શાંતિને ચીરસ્થાયી બનવવાની દિશામાં આગેકૂચ પણ કરી. (ક્રમશ)