મુંબઈ: પશ્ર્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસને મુંબઈના શિલ્પકાર તરીકે જેમનું બહુમાન થાય છે એવા નામદાર જગન્નાથ શંકરશેઠ ઉર્ફે નાના શંકરશેઠનું નામ આપવાની માગણી માટે શનિવારે (૧૫ એપ્રિલ) રેલવે દિનની પૂર્વસંધ્યાએ મૂક મોરચો કાઢવામાં આવશે. કેન્દ્ર સરકારનું આ માગણી તરફ ધ્યાન દોરવા માટે ગિરગામના નાના શંકરશેઠ ચોકથી મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસ સુધી બપોરે ચાર વાગ્યે આ મોરચો કાઢવામાં આવશે.
મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસને નાના શંકરશેઠનું નામ આપવામાં આવે એ માટે નાના
શંકરશેઠ પ્રતિષ્ઠાન અને દૈવજ્ઞ સમાજોન્નતિ પરિષદ દ્વારા અનેક વર્ષોથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. ૧૨ માર્ચ, ૨૦૨૦ના રોજ રાજ્ય સરકારે આ પ્રસ્તાવને મંજૂર કર્યો હતો. બાદમાં તેને કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો હતો. જોકે ત્રણ વર્ષથી આ પ્રસ્તાવ પ્રલંબિત છે.
૩૧ જુલાઇએ નાના શંકરશેઠની ૧૫૮મી પુણ્યતિથિ હોવાથી એ દિવસે મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસને નાના શંકરશેઠ નામ આપવાની ઘોષણા કરવામાં આવે એવી માગણી સાથે શનિવારે મૂક મોરચો કાઢવામાં આવશે. મોરચામાં મુંબઈગરા મોટા પ્રમાણમાં સહભાગી થાય એવું આહ્વાન પ્રતિષ્ઠાનના સેક્રેટરી ઍડ. મનમોહન ચોણકરે કર્યું છે.