મુંબઈ: નવી મુંબઈમાં ગગનચુંબી ઈમારતની લિફ્ટમાં એસી મિકેનિકે પાંચ વર્ષની બાળકી સાથે શરમજનક કૃત્યુ કર્યું હોવાની ઘટના બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
બાળકી પર કથિત જાતીય હુમલો કરવા પ્રકરણે તળોજા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ અખ્તર માતહર હુસેન (૧૯) તરીકે થઈ હતી. પનવેલમાં રહેતો આરોપી એસી મિકેનિક હોઈ સંબંધિત બિલ્ડિંગના ફ્લૅટમાં એસી રિપેર માટે આવ્યો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના મંગળવારની સાંજે સાડાસાતથી આઠ વાગ્યા દરમિયાન બની હતી. તળોજા પોલીસની હદમાં આવેલી ઈમારતના પાર્કિંગ એરિયામાં પાંચ વર્ષની બાળકી રમી રહી હતી. આરોપી બાળકીને લિફ્ટમાં લઈ ગયો હતો અને તેની સાથે શરમજનક કૃત્ય આચર્યું હતું. બાદમાં બાળકીને બિલ્ડિંગના ૧૧મા માળે છોડી દીધી હતી.
ડરી ગયેલી બાળકી ઘરે ગઈ ત્યારે તેને ઊલટી થવા લાગી હતી. અચાનક આવું થતાં માતાએ તેને વિશ્ર્વાસમાં લઈ પૂછપરછ કરી હતી. બનેલી ઘટનાની જાણ બાળકીએ કરતાં વડીલો પડોશીઓ સાથે બિલ્ડિંગ નીચે એકઠા થયા હતા. ફરાર થવા પહેલાં જ આરોપીને પકડી પાડી પોલીસને સોંપાયો હતો. તળોજા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬ (બળાત્કાર) અને પોક્સો ઍક્ટની સુસંગત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.