‘બોલો તમારા માથે કેટલા વાળ છે?’
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
એમના વાળ સીધા ઊભા હતા અને એમાં વચ્ચે સેંથો પાડેલો હતો. અત્યારે જ સરકારી તપાસ પંચ અર્થાત સ્પે. કમિશનના રૂમમાં આવતા પહેલાં એમણે લોબીમાં ઊભા ઊભા ખિસ્સામાંથી કાંસકો કાઢીને વાળ ઓળ્યા હતા અને પછી એ અંદર આવ્યા હતા.
સરકારી કમિશનના વકીલે સવાલ પૂછ્યો કે, ‘તમારા માથા પર વાળ છે કે નહીં?’
‘મને નથી ખબર.’ એમણે જવાબ આપ્યો. જવાબ આપ્યા પછી ગર્વથી પ્રેક્ષકોની તરફ જોયું અને હસ્યા.
‘શું તમે નથી જાણતા કે તમારા માથા પર કેટલા વાળ છે?’ વકીલે ફરીથી સવાલ પૂછ્યો.
‘જી ના, હું નથી જાણતો.’
‘શું તમારે ક્યારેય અરીસામાં જોવાનું નસીબમાં નથી આવ્યું?’
‘જી ના, હું અરીસામાં નથી જોતો!’
‘શું તમે તમારા દેખાવથી ડરો છો?’
એણે જોરથી ખોંખારો ખાધો: ‘જી ના! હું કોઈના દેખાવથી નથી ડરતો. મારા દેખાવથી પણ નહીં.’ એમણે હસીને જવાબ આપ્યો.
‘તમારા વિશે એવું કહેવાય છે કે તમારા માથા પર વાળ છે.’
‘હું આવી ખોટી અફવાઓ પર વિશ્ર્વાસ નથી કરતો.’
વકીલ થોડો અકળાઈ ગયો હતો. એણે નવેસરથી સવાલ ઉઠાવ્યો.
‘તમે કદી માથે હાથ ફેરવીને જોયું છે કે તમારા માથા પર વાળ છે કે નહીં?’
‘જી ના…’
‘કેમ?’
‘હું જે હોદ્દા પર હતો એમાં જરૂરી નહોતું કે હું માથા પર હાથ ફેરવું!’
‘શું એ તમારી ફરજમાં નહોતું આવતું?’
‘આવતું હશે. પણ મને ક્યારેય એની જરૂર નથી લાગી.’
વકીલ હવે ગુસ્સામાં આવી ગયો હતો. એણે જોર આપીને પૂછ્યું, ‘તો શું તમે એવું કહેવા માગો છો કે તમે ટકલા છો?’
‘મેં એવું ક્યારેય કહ્યું નથી.’
‘તો હું કહી રહ્યો છું કે તમારા માથા પર વાળ છે!’ વકીલે બૂમ પાડી.
‘તો મારા બદલે તમે જ જુબાની આપી દોને, મને શું કામ અહીં ઊભો રાખ્યો છે?’
આ વાત પર ફરીથી લોકો હસ્યા. એમણે પાછું ગર્વથી લોકોની સામે જોયું.
‘તમે કેમ જણાવવા નથી માગતા કે તમારા માથા પર વાળ છે કે નહી?’
‘હું કહી ચૂક્યો છું કે મેં ગોપનીયતાના શપથ લીધા છે અને હું સરકારી રહસ્ય જાહેર કરી શકું નહીં!’
‘અમે સરકારી રહસ્ય નહીં, પણ તમારું રહસ્ય જાણવા માગીએ છીએ.’
‘મારું કોઈ રહસ્ય નથી!’
‘તમારા માથા પર વાળ છે કે નહીં? તમે ટકલા છો કે પછી માથા પર વિગ લગાડીને રાખી છે? અથવા શું આ અસલી વાળ છે? કમિશન એ જાણવા માગે છે.’
‘હું જાણતો હોત, તો
તમને જણાવતા મને આનંદ થયો હોત!’
‘તમે જાણો છો?’
‘હું નથી જાણતો.’
‘અરે, આખો દેશ જોઈ
રહ્યો છે કે તમારા માથા પર વાળ છે અને તમે કહો છો કે હું નથી જાણતો!’
‘હું એ જ કહેવા માગું છું કે મને અહીંયા બોલાવતા પહેલા જ તમે લોકોએ કેટલીક ધારણાઓ બનાવીને રાખી છે, જેને મારી પર લાદવામાં આવી રહી છે. આ જે કંઈ ચાલી રહ્યું છે, એ મારા ચરિત્રના હત્યાની કોશિશ અને રાજનૈતિક સ્ટંટ છે. હું એનો વિરોધ કરું છું.’ તેમણે કમિશનની તરફ જોઈને ગર્જના કરી.
‘હું તમને જણાવી દઉં છું કે અમે એવી કોઈ પૂર્વ ધારણાઓ નથી બનાવી, અમે બસ એ વાસ્તવિકતા જાણવા માગીએ છીએ કે તમારા માથા પર વાળ છે કે નહીં?’ કમિશને એમને શાંત પાડીને પછી વકીલને કહ્યું, ‘તમે સવાલ પૂછો.’
‘તમારા માથા પર વાળ છે કે નહીં?’
‘મને નથી ખબર!’
‘તમે જઈ શકો છો.’ કમિશને એમને કહ્યું.
તેમણે આદરપૂર્વક પ્રણામ કર્યા, ગર્વથી હસ્યા અને છાતી ફુલાવીને કમિશનના રૂમમાંથી બહાર નીકળી ગયા. સ્વયંસેવકો, ચમચાઓ અને ફાલતૂ સૂત્રોચ્ચાર કરવાળા એક ટોળાએ એમને ઘેરી લીધા અને એમની જયજયકારના સૂત્રોચ્ચાર કર્યા. એમણે ખિસ્સામાંથી કાંસકો કાઢી વાળ પર ફેરવ્યો અને એ જ મેટાડોર ગાડીમાં ઘૂસી ગયા, જેમાં આવ્યા હતા.
એ લોકોએ ફરીથી કહ્યું- ‘બોલો અસત્યનારાયણ ભગવાન કી…’ બધાએ કહ્યું- ‘જય!’
પછી તેઓ સરકારી કમિશન વિરુદ્ધના નવા સાક્ષીના જવાબ સાંભળવા લાગ્યા.
‘તમારા હાથમાં કેટલી આંગળીઓ છે.’ વકીલે સવાલ પૂછ્યો.
‘મને નથી ખબર.’ ફરી એના એ જવાબોની ફરી શરૂઆત થઈ!