સ્ત્રીઓ દ્વારા નાકમાં આભૂષણ તરીકે પહેરવામાં આવતી નથણી સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરે છે પણ સાથે સાથે તેના સ્વાસ્થ્યને પણ લાભ આપે છે એવું હવે વિજ્ઞાન પણ સ્વીકારે છે
સ્પેશિયલ -ખુશાલી દવે
નાક કેરી નથણીનો ઉલ્લેખ પુરાણોમાં પણ આવે છે. કહેવાય છે કે પાર્વતીના શિવજી સાથેના લગ્નપ્રસંગે સોળ શણગારમાં નથણીનો પણ સમાવેશ થયો હતો.
લગ્ન વખતે નવવધૂનો શૃંગાર નથણી વગર અધૂરો રહે છે. ભારતમાં પરંપરાગત રીતે પહેરાતી નથણી ફક્ત સાજ-શણગાર માટે નથી, પરંતુ હવે વિજ્ઞાન કહે છે કે નથણી અથવા જેને અંગ્રેજીમાં નોઝ રિંગ કહે છે એ પહેરવાથી મહિલાઓના સ્વાસ્થ્યને પણ લાભ થાય છે. એને કારણે હોર્મોન્સનું સંતુલન જળવાય છે અને અમુક હોર્મોન્સનો સ્રાવ પણ થાય છે.
આજેય દીકરી કુમળી વયની થાય કે આપણા દાદીમા કે નાનીમા દીકરીનું નાક વિંધાવવાનું કહે છે કારણ કે કુમળી વયે ત્વચામાં કુમાશ હોય છે તેથી નાક વિંધાવવાનું દર્દ ઓછું થાય છે. ભારતીય સંસ્કૃતિમાં નથણીને સ્ત્રીના સધવા સ્વરૂપ સાથે જોડતાં હતાં આજે પણ કેટલાંક સમાજમાં સ્ત્રી વિધવા થતાં તેની નથણી ઉતારી લેવાનો રિવાજ છે. પરંતુ હવે સમાજ બદલાયો છે અને વિધવા મહિલાઓ પણ નથણી પહેરે એની સામે કોઈ વિરોધ નોંધાવતું નથી.
સૌથી પુરાણી મનાતી હિંદુ સંસ્કૃતિમાં દેવીઓના શણગારમાં નથ પણ રહી છે. જેમ કે દેવી દુર્ગાના કેટલાય સ્વરૂપોને નથના શણગારનું સુંદર વર્ણન પૌરાણિક ગ્રંથોમાં થયું છે તો વિશ્ર્વના દરેક દેશ અને સંસ્કૃતિમાં પણ નોઝ રિંગ તરીકે ઓળખાતી નથણી લાવણ્યમય આભૂષણ તરીકે વર્ણન પામી છે.
ભારત સહિત ઈજિપ્ત, ઈરાન, અફઘાન, શ્રીલંકા, બાંગલાદેશ, નેપાળ, તિબેટમાં નથણી પારંપરિક ઘરેણું છે તો સાઉથ અમેરિકા, યુએસ, કેનેડા, કેરેબિયા, આફ્રિકા, યુરોપ, જાપાન અને ઓસ્ટ્રેલિયામાં પણ નાનકડી બાળકીઓથી લઈને કિશોરીઓ તથા પરણિતાઓ શોખથી આ ઘરેણું પહેરે છે.
બાઈબલમાં પણ નોઝ રિંગનો ઉલ્લેખ છે. અબ્રાહમના દીકરા ઈસાકે તેના સેવક દ્વારા પસંદગીની યુવતી રિબેકાને નોઝ રિંગ ભેટ તરીકે મોકલી હતી.
૧૬મી સદીમાં મોગલોના કાળમાં ભારતમાં મુસ્લિમ કારીગરીની નથણીનો પ્રવેશ થયો હોવાનો ઈતિહાસ છે. જોકે ભારતમાં નાકમાં નથણી પહેરવાની પરંપરા ખૂબ જ જૂની છે.
ભારતમાં પ્રાદેશિક રીતે નથણીના નામ રૂપ જૂજવા અને અંતે હેમનું હેમ જેવું છે. ગુજરાતમાં નથણીને ચૂંક, ચૂની, વાળી પણ કહે છે તો રાજસ્થાનમાં કીમતી પથ્થરની બનેલી નથને ભોરિયા કહે છે.
પંજાબીમાં નથણીને લોંગ અને બુક્લનાથ કહે છે તો ગઢવાલમાં બુલાક કહે છે. ઉત્તર પ્રદેશમાં સોનીની નથને ચૂની કહે છે જેમાં મોતી જડેલું હોય છે.
મહારાષ્ટ્રીયન નથ ભારે અને અલગ પ્રકારની હોય છે. વાળી જેવી આ નથમાં મોતી જડેલા હોય છે. પારંપરિક રીતે જોઈએ તો લગ્ન સમયે મોટી રિંગ વાળીની જેમ સ્ત્રીના ડાબા તરફના નાકના ભાગના છીદ્રમાં પરોવવામાં આવે છે.
આ મોટી રિંગ સાથે એક ચેઈન જોડાયેલી હોય છે અને આ દોરાનો આંકડો કાન તરફથી થઈને વાળની સેરમાં નખાય છે. રિંગમાં હીરા, મોતી કે કુંદન, જડતરનું કામ થયેલું હોય છે. રોજિંદા જીવનમાં મહિલાઓ હીરો, મોતી કે સોના ચાંદીની વાળી નાકમાં ચૂની સ્વરૂપે પહેરે છે.
હવે તો નોઝ રિંગ સોનામાં, ચાંદીમાં, સોનામાં હીરાજડિત, મોતી જડિત, કુંદનની, તાંબાની ત્યાં સુધી કે પ્લાસ્ટિકની પણ મળે છે, પરંતુ પરંપરાગત રીતે દીકરીના નાકની ડાબી બાજુમાં સોનાની વાળી કે ચૂની પહેરાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં કેટલીક જ્ઞાતિમાં કુળદેવીઓને પણ જમણી બાજુએ નથણી પહેરાવવામાં આવે છે અને બાળકી અને સ્ત્રીઓ પણ જમણી બાજુ નથણી પહેરે છે.
આધુનિક યુગની સ્ત્રીઓ નાસિકાની નીચેના ભાગમાં વચ્ચોવચ્ચ વાળી પહેરે છે.
આપણા પારંપરિક આભૂષણોને સ્વાસ્થ્યની સાચવણી સાથે ગાઢ સંબંધ છે. એ જ રીતે નથણી સ્ત્રીની સુંદરતામાં તો
વધારો કરે જ છે સાથે-સાથે ભારતની
પ્રાચીન આયુર્વેદ સંહિતામાં નાકમાં ચૂની પહેરવાના લાભનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે નાકમાં એક્યુપંક્ચરની જેમ છેદ કરીને પહેરવામાં આવતી નથણીથી ઘણી બીમારીમાં પણ ફાયદો થાય છે. તો આ લાભ વિશે જાણીએ…
મહિલાના નાકની ડાબી બાજુએ નોઝ રિંગ પહેરવાથી ફાયદાકારક નોસ્ટ્રલ હોર્મોન્સ જન્મે છે. કેટલાક હોર્મોન્સનું સંતુલન જળવાય છે અને ઘણી બીમારીમાં લાભ
થાય છે.
આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે સુવર્ણભસ્મ અને રજતભસ્મ અનેક બીમારીઓમાં દવાના સ્વરૂપે લાભદાયી છે. યુવતીઓ સોના અથવા ચાંદીથી બનેલી નથ પહેરે છે. આ ધાતુઓ સતત શરીર સાથે સંપર્કમાં રહે છે તેથી તેના ગુણ શરીરને પ્રાપ્ત થાય છે.
મહિલાના નાકની ડાબી બાજુએ આવેલી નસો સીધી ગર્ભાશય અને યોનિ સાથે જોડાયેલી હોય છે. ચેતા પ્રજનન અંગો સાથે આ નસો સંકળાયેલી હોય છે. મહિલાના નાકના ડાબા ભાગમાં નથણી પહેરવાથી પ્રસૂતિ વખતે સ્ત્રીને પ્રસવ પીડા ઓછી થાય છે.
આયુર્વેદ અનુસાર નાક વિંધાવીને તેમાં સોનાની નથ પહેરવાથી સ્ત્રીને માસિક સમયગાળામાં પણ પીડા ઓછી થાય છે.
સ્ત્રીની નોઝ રિંગ સ્ત્રી – પુરુષ સમાગમમાં પણ ફાયદાકારક હોવાની માન્યતા છે. સમાગમ વખતે શ્ર્વાસોચ્છવાસમાંથી CO2 માનવ શરીરમાંથી બહાર ફેંકાય છે.સોનાની નથણી આ કાર્બન ડાયોક્સાઈડમાં ઘટાડો કરે છે. સામાન્ય સ્થિતિમાં પણ શ્વાસમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઈડને નાકની નથ ઓછો કરે છે.
નોઝ રિંગ પહેરવાથી શ્ર્વાસ સબંધી અને શ્રવણ સંબંધી રોગો સામે લડવાની શક્તિ પણ મળે છે. કફ શરદી ઉધરસ વગેરે રોગોમાં પણ તેનાથી લાભ મળે છે.
નાકમાં ચૂની પહેરવાથી પેટમાં દર્દ, માથાના દુ:ખાવામાં રાહત મળવા સાથે નોઝ રિંગ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે.