ભારતીય રેલવેમાં હાઈ સ્પીડ ડીઝલ(HSD)ની ખરીદીમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિજિલન્સ ડીપાર્ટમેન્ટની ટીમ દ્વારા તપાસમાં બહાર આવ્યું છે કે ભારતીય રેલ્વે દ્વારા રાષ્ટ્રીય તેલ કંપનીઓ પાસેથી હાઇ સ્પીડ ડીઝલની ખરીદીમાં ગેરરીતિ કરવામાં આવી છે.
સુત્રોના દ્વારા મળેલા એક અહેવાલ મુજબ નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે દ્વારા હાઈ-સ્પીડ ડીઝલની ખરીદીના ઓડિટમાં જાણવા મળ્યું છે કે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને જાન્યુઆરી-સપ્ટેમ્બર 2022 દરમિયાન રૂ.243 કરોડ રૂપિયા વધારાના ચૂકવાયા હતા.
તપાસકર્તાઓએ રેલ્વે બોર્ડને અનિયમિતતાની જાણ કરી છે અને નોર્થ ઈસ્ટ ફ્રન્ટીયર રેલવેના મુખ્ય નાણાકીય સલાહકારને ઓઈલ કંપનીને કરવામાં આવેલી વધારાની ચૂકવણીની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યો. આ ઉપરાંત દરેક ઝોનને તેમના તરફથી કોઈ વધારાની ચુકવણી કરવામાં આવી છે કે કેમ તે તપાસવા માટે આદેશ આપ્યા છે. વિજિલન્સ વિભાગને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ ટાળવા માટે સિસ્ટમ સ્થાપિત કરવા સલાહ આપી છે.
હવે ભારતીય રેલવેના 16 ઝોનમાં રાષ્ટ્રીય તેલ કંપનીઓને કરવામાં આવેલી ચુકવણીઓ તપાસ હેઠળ આવી છે. રલવે વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે ઓઇલ કંપનીઓને કરવામાં આવેલી ચૂકવણીની તપાસ કરવા માટે આંતરિક ઓડિટ કરીશું. અમને અન્ય ઝોનમાં કૌભાંડની જાણ છે. રેલ્વે ભારે માત્રામાં HSD ખરીદી કરે છે અને જેમાં નાનો ફેરફાર પણ કરોડો રૂપિયાનો થઇ શકે છે,”
વધારાની ચૂકવણીની વિગતો સાથે વિજિલન્સ વિભાગે રેલ્વે બોર્ડને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે ઓઇલ કંપનીઓ દ્વારા મુકવામાં આવેલા ઇન્વૉઇસને જોતાં વસૂલવામાં આવેલા રેટ HSDની MRP કરતાં આશરે 25-40% વધુ હોવાનું જણાયું હતું. જેના કારણે રેલવેને ફયુલના ખર્ચામાં અસાધારણ વધારો થયો છે.
વિજિલન્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એલર્ટ પર કાર્યવાહી કરતા, નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના અધિકારીઓએ ઓઈલ કંપનીઓને કરવામાં આવેલી વધારાની ચૂકવણીની રકમ વસૂલ કરવા અને પછીના બિલોમાં બાકીની રકમને સમાયોજિત કરવા પગલાં લીધાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેલ કંપનીઓ સાથે રેલવે બોર્ડના રેટ કોન્ટ્રાક્ટની કલમ 12(a)નું ઉલ્લંઘન કરીને વધારાની ચુકવણી કરવામાં આવી હતી.