બાળકચોર સમજી ગામવાસીઓએ બે સાધુને ઘેરી લીધા: સતર્ક નાગરિકને કારણે પોલીસે તેમને બચાવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દહાણુ નજીક બાળકો ચોરનારી ટોળકી સમજીને ગામવાસીઓએ બેરહેમીથી ફટકારી બે સાધુ સહિત ત્રણ જણને મોતને ઘાટ ઉતાર્યાની ત્રણ વર્ષ અગાઉ બનેલી ઘટનાનું પુનરાવર્તન પાલઘર પોલીસના ‘જનસંવાદ અભિયાન’ને કારણે ટળ્યું હતું. ભિક્ષા માગવા વાણગાંવના એક ગામમાં ગયેલા ગુજરાતના ભિલાડ ખાતે રહેતા બે સાધુને બાળકો ચોરનારા સમજી ગામવાસીઓએ ઘેરી લીધા હતા. આક્રમક થયેલું લોકોનું ટોળું કોઈ અનર્થ કરે તે પહેલાં સતર્ક નાગરિકે પોલીસને જાણ કરી અને બન્ને સાધુના જીવ બચી ગયા હતા.
પાલઘરના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એસપી) બાળાસાહેબ પાટીલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પહોંચેલી વાણગાંવ પોલીસ બન્ને સાધુને સહીસલામત પોલીસ સ્ટેશને લઈ આવી હતી. નાથજોગી સમાજના બન્ને સાધુ વિવિધ ગામોમાં ફરી ભિક્ષા માગતા હોવાની ખાતરી થઈ હતી. હાલમાં તે ગુજરાતના ભિલાડમાં રહેતા હોવાથી ટ્રેનમાં તેમને ભિલાડ મોકલી દેવાયા હતા.
પોલીસના જણાવ્યા મુજબ મૂળ યવતમાળના આર્ણી તાલુકામાં આવેલા નાથનગર (ભંડારી)ના વતની બાપુનાથ શેગર (૪૪) અને પ્રેમનાથ શેગર (૪૦) રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ ભિક્ષા માગવા વાણગાંવના ચંદ્રનગર ગામમાં ગયા હતા. જોકે સાધુઓ બાળકો ચોરનારી ટોળકી સાથે સંકળાયેલા હોવાની ગેરસમજ ગામવાસીઓને થઈ હતી. બાળકો ચોરવા આવ્યા હોવાની વાત વાયુવેગે ફેલાતાં જોતજોતાંમાં આખું ગામ ભેગું થઈ ગયું હતું અને સાધુઓને ઘેરી લીધા હતા.
ગામવાસીઓનો આક્રોશ જોઈ સતર્ક નાગરિક હરેશ્ર્વર ઘુટેએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ વાણગાંવ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઉશ્કેરાયેલા લોકોને સમજાવ્યા પછી સાધુઓને વાહનમાં પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા હતા. સતર્ક નાગરિક અને પોલીસની સમયસૂચકતાને કારણે પાલઘર જિલ્લામાં ફરી સાધુઓના મોબ લિન્ચિંગની ઘટનાનું પુનરાવર્તન રોકી શકાયું હતું, એમ એસપી પાટીલે જણાવ્યું હતું.
પોલીસે નાગરિકોને અપીલ કરી હતી કે બાળકો ચોરનારી કોઈ ટોળકી સક્રિય નથી. ગેરસમજને કારણે આવી અફવા ફેલાય છે. નાગરિકોએ આવી અફવાઓ પર વિશ્ર્વાસ રાખવો નહીં. આવી કોઈ પણ ઘટના નજરે પડે અથવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તેની મારઝૂડ કરવાને બદલે તેની માહિતી તાત્કાલિક સ્થાનિક પોલીસ અથવા પોલીસ ક્ધટ્રોલ રૂમને આપવી.
———–
‘એક ગાંવ, એક પોલીસ’ને કારણે અનર્થ ટળ્યો
પાલઘર જિલ્લામાં છેલ્લા છ મહિનાથી પોલીસ દ્વારા જનસંવાદ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ અલગ અલગ ઝુંબેશ ચલાવીને નાગરિકો સાથે સંપર્ક સાધી તેમની સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આવી જ એક પહેલ ‘એક ગાંવ, એક પોલીસ’ શરૂ કરવામાં આવી છે, જેમાં દરેક ગામ માટે એક પોલીસ કર્મચારીની નિયુક્તિ કરવામાં આવી છે. આ પોલીસ કર્મચારી રોજ ગામવાસી સાથે સંપર્કમાં રહે છે અને જરૂરી માહિતી મેળવે છે. ચંદ્રનગર ગામ માટે કોન્સ્ટેબલ સુનીલ ભોયેની નિયુક્તિ કરાઈ છે. ભોયેના પ્રયત્નોને કારણે જ ગામના સતર્ક નાગરિકે સમયસર પોલીસને સાધુઓ સંબંધિત માહિતી આપી હતી, જેને પગલે મોટો અનર્થ થતો ટાળી શકાયો હતો.
————
શું થયું હતું ત્રણ વર્ષ પહેલાં?
કોરોના મહામારીએ દેશમાં કાળોકેર મચાવ્યો હતો ત્યારે ૧૬ એપ્રિલ, ૨૦૨૦ની રાતે પાલઘર જિલ્લાના જ દહાણુ નજીક ગડચિંચલે ગામમાં બે સાધુ સહિત ત્રણ જણને બેરહેમીથી મારપીટ કરી મોતને ઘાટ ઉતારવાની ભયંકર ઘટના બની હતી. જૂના અખાડાના સાધુઓ ચિકને મહારાજ કલ્પવૃક્ષગિરિ (૭૦), સુશીલગિરિ મહારાજ (૩૫) ડ્રાઈવર નીલેશ તેલગડે (૩૦) સાથે કારમાં સુરત તરફ જઈ રહ્યા હતા. તેમની કાર રાતે ૧૦ વાગ્યે ગડચિંચલે ગામમાં પહોંચી ત્યારે ગામવાસીઓએ તેમને રોક્યા હતા. બાળકો ચોરનારી ટોળકી સમજી ત્રણેય પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સાધુઓને બચાવવાનો પ્રયાસ કરનારી પોલીસ ટીમ પર પણ હુમલો કરાયો હતો, જેમાં વરિષ્ઠ અધિકારી સહિત ચાર પોલીસ ઘવાયા હતા. ત્રણ નિર્દોષ વ્યક્તિની નિર્દયતાથી હત્યાને પગલે તે સમયે આ મામલો ખાસ્સો ચગ્યો હતો. બાદમાં પોલીસે આ કેસમાં દોઢસોથી વધુ લોકોની ધરપકડ કરી હતી.