મુંબઈમાં ૧૦૭ ઠેકાણે ચાલી રહ્યા છે દવાખાના
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ચાલુ કરેલા ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના’ના લાભાર્થીની સંખ્યા છ લાખને પાર કરી ગઈ છે. પાલિકાની આ યોજનાને મુંબઈગરાએ બહુ સારો પ્રતિસાદ આપ્યો હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. મુંબઈમાં ૧૭ નવેમ્બર, ૨૦૨૨ના શિવસેના સુપ્રીમો બાળા ઠાકરેની પુણ્યતિથિ નિમિત્તે મુંબઈમાં ‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના’ આ યોજનાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુંબઈમાં હાલ ૧૦૭ ઠેકાણે આપલા દવાખાના ચાલી રહ્યા છે.
આ યોજના ચાલુ થઈ ત્યારે પ્રારંભમાં એક લાખની સંખ્યા ૩૦ નવેમ્બર, ૨૦૨૨ના પૂરી થઈ હતી. ત્યારબાદ સાત જાન્યુઆરી, ૨૦૨૩ના બે લાખ, ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ત્રણ લાખ, ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ ચાર લાખ, છ માર્ચ, ૨૦૨૩ના રોજ પાંચ લાખનો આંકડો પાર કર્યો હતો. તો પહેલી એપ્રિલ, ૨૦૨૩ના સાંજ સુધીમાં આ આંકડો છ લાખને પાર કરી ગયો હતો. ‘આપલા દવાખાના’ યોજના ચાલુ થઈ ત્યારથી પહેલી એપ્રિલ, ૨૦૨૩ સુધીમાં દવાખાનાના લાભાર્થીની સંખ્યા ૬,૦૨,૩૪૮ થઈ ગઈ છે, તેમાંથી દવાખાનામાં ૫,૭૯,૧૩૪ દર્દીઓને મફત આરોગ્ય સારવાર અને મફત દવાનો લાભ મળ્યો છે. તો પૉલિક્લિનિકમાં અને ડાયગ્નોસ્ટિક કેન્દ્રમાં ૨૩,૨૧૪ દર્દીઓને દાંતની સારવાર, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, જનરલ ફિઝિશિયન, ત્વાચારોગ જેવા નિષ્ણાતોની સુવિધાનો લાભ દર્દીઓને મળ્યો છે.
‘હિંદુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાના’ યોજના મારફત મફતમાં આરોગ્ય તપાસ, દવા સહિત લોહીની તપાસ જેવી સેવા મફતમાં ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. એ સિવાય એક્સ-રે, સોનોગ્રાફી જેવા ટેસ્ટ પણ પૅનલ પર રહેલા ડાયગ્નોસ્ટિક કેન્દ્ર દ્વારા પાલિકાના દરમાં સંબંધિત સેવા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ દવાખાનામાં અત્યાધુનિક ટૅક્નોલોજીના આધારે અને ટૅબ આધારિત પદ્ધતિએ સૉફટવેરની મદદથી દર્દીની માહિતી, બીમારીની નોંધ, દવાનો સ્ટોક અને વિતરણ તેમ જ સંદર્ભિત કરેલા નિદાનની સુવિધાની નોંધ કરવામાં આવે છે. તેથી આપલા દવાખાનાનું કામ વગર કોઈ કાગળ એટલે કે પેપરલેસ પદ્ધતિએ કરવામાં આવી રહ્યું છે.