નવી દિલ્હી: પેટ્રોલિયમ, ફાર્મા, કેમિકલ અને મરિન સેક્ટરમાં નિકાસમાં જોવા મળેલા તંદુરસ્ત વધારાને કારણે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન દેશની નિકાસ છ ટકા વધીને વિક્રમજનક ૪૪૭ અબજ ડૉલર પર પહોંચી હોવાનું વાણિજ્ય અને ઉદ્યોગ ખાતાના પ્રધાન પીયૂષ ગોયલે ગુરુવારે કહ્યું હતું.
વર્ષ ૨૦૨૧-૨૨માં દેશની આયાતનો આંક ૬૧૩ અબજ ડૉલર રહ્યો હતો જેની સરખામણીએ વર્ષ ૨૦૨૨-૨૩માં દેશની આયાત ૧૬.૫ ટકા વધીને ૭૧૪ અબજ ડૉલર પર પહોંચી હતી, એમ તેમણે કહ્યું હતું. ગુડ્સ ઍન્ડ સર્વિસની સંયુક્ત નિકાસના આંકે નવી ઊંચાઈ આબી હતી અને તે વર્ષ ૨૦૨૧-૨૨ના ૬૭૬ અબજ ડૉલરથી ૧૪ ટકા વધીને ૭૭૦ અબજ ડૉલર પર પહોંચ્યો હતો.
ગોયલ ૧૧થી ૧૩ એપ્રિલ એમ ત્રણ દિવસની ફ્રાન્સ અને ઈટલીની મુલાકાતે ગયા હતા.
આ બંને દેશ સાથેનો વેપાર અને રોકાણ વધારવા આ મુલાકાત દરમિયાન તેમણે બંને દેશના ટોચના નેતાઓ અને કંપનીના ટોચના સીઈઓ સાથે શ્રેણીબદ્ધ બેઠક યોજી હતી.
વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતની સર્વિસ નિકાસ પણ ૨૭.૧૬ વધીને ૩૨૩ અબજ ડૉલર પર પહોંચી હતી.
વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતની સર્વિસ નિકાસ ૨૫૪ અબજ ડૉલર હતી.
આ બાબત ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત છાપ છોડી રહ્યું હોવાનાં સ્પષ્ટ સંકેત આપે છે, એમ તેમણે કહ્યું હતું.
ગુડ્સ ઍન્ડ સર્વિસની આયાત ૮૯૨ અબજ ડૉલરના આંકને સ્પર્શી હતી, જે બાબત દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં થયેલા વધારાનું પ્રતિબિંબ પાડે છે.
દેશની વધેલી આર્થિક પ્રવૃત્તિઓએ નિકાસને ટેકો આપ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
પત્રકારોને આપેલી મુલાકાતમાં ગોયલે કહ્યું હતું કે નિકાસમાં વૃદ્ધિ વર્તમાન ખાધને અંકુશમાં લેવામાં મદદરૂપ થશે. (એજન્સી)