Homeઈન્ટરવલભારતમાં ક્રાંતિ સર્જનારી વિરલ યાત્રા: દાંડીકૂચ

ભારતમાં ક્રાંતિ સર્જનારી વિરલ યાત્રા: દાંડીકૂચ

સરદાર પટેલનું માઇક્રો પ્લાનિંગ

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

દાંડીકૂચ ભલે ૧૯૩૦માં થઇ પણ તેના મૂળમાં રહેલી ઘટનાઓ બે ત્રણ વર્ષથી બનવા લાગી હતી. બારડોલીમાં અન્યાય સામે સરદારની અહિંસક લડતમાં મેળવેલી જીત થકી દેશના નાગરિકોનું મનોબળ વધવા લાગ્યું હતું. સમગ્ર ભારતના ખેડૂતોના સંમેલન યોજાવા લાગ્યાં, જે સંમેલનમાં સરદાર પટેલ હાજરી આપે ત્યાં લાખો લોકો તેમને સાંભળવા આવતા. દક્ષિણ ગુજરાતમાં સરદારે લોકોમાં ઉત્સાહ જળવાઈ રહે એ માટે મદ્યનિષેધ મંડળ સ્થાપ્યું હતું.
વર્ષ ૧૯૨૬માં ગૌહત્તીમાં કોંગ્રેસ અધિવેશન થયું, સાઇમન કમિશનને ભારતમાંથી જાકારો મળ્યો, લાલા લજપતરાયનું સાયમન ગો બેક આંદોલન દરમિયાન લાઠીચાર્જમાં નિધન થયું. કલકત્તા અને લાહોરમાં કોંગ્રેસ અધિવેશન થયા, અંગ્રેજ સરકાર વિરુદ્ધ ધારદાર ભાષણો થયાં. ભારતમાં વિકાસનાં કાર્યો અટકી ગયાં હતાં, લોકોનો આક્રોશ વધતો જતો હતો. નેતા અને પ્રજાનો એક જ ધ્યેય હતો, પૂર્ણ સ્વરાજ.
૧૪ ફેબ્રુઆરી, ૧૯૩૦ના દિવસે અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં મીઠાના સત્યાગ્રહ અંગે ઠરાવ પસાર થયો, સરદારના નેતૃત્વ હેઠળ બોરસદ અને બારડોલીના કાર્યકરો કોઈ પણ લડત માટે તૈયાર હતા. ગાંધીજીએ મીઠાની લડતમાં લોકો જોડાય એ માટે ખુલ્લો પત્ર લખ્યો, અમેરિકામાં પણ પડઘા પડ્યા અને સાંસદોએ પ્રેસિડેન્ટને ભારતની અહિંસક લડતમાં સહયોગ આપવા જણાવ્યું અને ગાંધીના સત્યાગ્રહને સમર્થન કર્યું.
ઇંગ્લેન્ડના મીડિયાએ સત્યાગ્રહને બળવો ગણ્યો, ગાંધીજીની ધરપકડ થવી જોઈએ એવો ઓપિનિયન આપ્યો. ખેડા જિલ્લાના આગેવાનો વિઠ્ઠલભાઈ, વલ્લભભાઈ, પૂ મોટા, ગોકલદાસ તલાટી, ફૂલચંદ શાહ, રવિશંકર મહારાજ નેતૃત્વ સંભાળવા તૈયાર હતા. ખેડા જિલ્લાના મહી નદી પરના ગામ સુધી યાત્રા યોજવી એવી ચર્ચા વચ્ચે બદલપુરના ઠાકોરે બદલપુર સુધી યાત્રા માટે સૂચન કર્યું, તો બારડોલી નવસારી તરફથી કલ્યાણજીભાઇએ ધરાસણા, દાંડી, ઉદવાડા, કરાડી, મહાદેવ દેસાઇનું દિહેણ જેવા નામોમાંથી ફાઇનલી દાંડી પસંદ થયું, દાંડીમાં પાણીની સમસ્યા દૂર કરવા આસપાસના લોકોએ ઉત્સાહ દાખવ્યો. દાંડી કોઇ નકશામાં પણ ન હતું, બ્રિટિશરોને શોધવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી.
સરદાર પટેલે યાત્રાનો ઉત્સાહ જગાવવા જાહેરસભાઓ સંબોધવાની શરૂ કરી. સાબરમતીના સંત સાથે જોડાવવાની હાકલ કરતાં સરદારે કહ્યું હતું કે મૃત્યુનો ડર લાગતો હોય તો ઘરે જ રહેજો. દાંડી યાત્રા પહેલાં ગાંધીજીએ દેશ વિદેશના છાપાઓને ઇન્ટરવ્યૂ આપીને યાત્રાને ભરપૂર પ્રસિદ્ધિ આપી હતી. યાત્રાના પ્રારંભમાં ૭૮ અને પછી બીજા બે જણ સાથે કુલ ૮૧ સત્યાગ્રહી જોડાયા.
બીજી માર્ચ, ૧૯૩૦ના દિવસે ગાંધીજીએ ઇરવિનને પત્ર લખ્યો, પણ અંગ્રેજ સરકાર ઓવર કોન્ફિડન્સમાં રહી. ગાંધીજીની ધરપકડ થવી જોઈએ, પણ વિઠ્ઠલભાઈ પટેલે ઇરવિનને શંકાસ્પદ રીતે સલાહ આપી કે આ ગરમીમાં એકસઠ વર્ષનો ડોસો યાત્રા કેવી રીતે કરવાનો છે? યાત્રા પૂરી નહીં થાય, હાલમાં એની ધરપકડ કરશો તો નાહકનું મોટું સ્વરૂપ થશે.
અહિંસા થકી આંદોલન કરવું એ ગંભીર સાહસ છે, આ વાતનો ઉલ્લેખ પણ ગાંધીજીએ ઇરવિનના પત્રમાં કર્યો હતો. આ પત્ર અંગ્રેજ રિજિનોલ્ડ મારફતે મોકલ્યો હતો, મૂળે યોજના મીરાબેન મારફતે મોકલવાની હતી, પણ મીરાબેનની ઇમેજ સવાયા ભારતીયની બની હતી.
દાંડીયાત્રાને સફળ બનાવવામાં સરદાર મહત્ત્વના હતા, સરદાર યાત્રાની પૂર્વતૈયારી માટે સાતમી માર્ચે આણંદ જિલ્લાના કંકાપુરા ગામે ઠાકોરો સમક્ષ સભા સંબોધવા જવાના હતા. માર્ગમાં રાસ ગામમાં ભોજનનો કાર્યક્રમ હતો, રાસના આગેવાન આશાભાઇ લલ્લુભાઇ પટેલની વિનંતીને માન આપી ગામના ભાગોળના વડ પાસે સભા કરી, મહિલાઓ આ આંદોલનમાં જોડાશે એવી ખાતરી મહિલાઓ પાસે લીધી… ત્યાંથી કંકાપુરા જવા નીકળતા હતા અને મેજિસ્ટ્રેટના હુકમથી પોલીસ અધિકારી બિલિમોરિયાએ સરદારની ધરપકડ કરી… રાસ ગામે નક્કી કર્યું કે સરદારની જવાબદારી આપણી અને ગામના ગોકળદાસ, ફૂલચંદભાઇ તથા રાવજીભાઇ સહિત આગેવાનો કંકાપુરા ગયા અને હજારોની સંખ્યામાં એકઠા થયેલા ક્ષત્રિયોની સભા સંબોધીને આંદોલન સાથે જોડ્યા.
સરદારને ત્રણ મહિનાની જેલ અને પાંચસો રુપિયા દંડ કરવામાં આવ્યો, અમદાવાદ લઇ જવામાં આવ્યા. સરદારે તેમના મિત્ર ડો. કાનૂંગાના ઘરે ભોજન લીધું અને આશ્રમમાં ગાંધીજી સાથે મુલાકાત કરી, તૈયારી વિશે માહિતી આપી. અમદાવાદમાં સરદારની ધરપકડની વાત ફેલાતા વિશાળ જનસભા થઈ, જેને ગાંધીજીએ સંબોધી… ગાંધીજીએ કહ્યું કે એમની ધરપકડ થાય તો પણ યાત્રા થવી જોઈએ. આઝાદી વિના પાછો નહીં આવું જેવી વાત સાથે સાબરમતી પર ગાંધીજીની કદાચ અંતિમ સભા હશે…
ગાંધીજીની ધરપકડ થશે, ગાંધી પાસે બે જણ બેસી રહ્યા હતા… પ્રભાશંકર પટ્ટણી અને અબ્બાસ તૈયબજી. યાત્રા માટે ગાંધીજીએ બે પોટલીઓ તૈયાર કરી હતી. એક યાત્રા માટે અને બીજી જેલનિવાસ માટે… જેલમાં જવાનું થાય તો માળા મૂકવી એ તેમની ખાસ સૂચના હતી. સમગ્ર યાત્રાના ફોટા ધ્યાનથી જોશો તો ગાંધીજીના ખભા પર બંને પોટલીઓ ભરાવેલી હતી.
૧૨માર્ચ, ૧૯૩૦ના દિવસે અમદાવાદમાં એલિસબ્રિજ પર માણસોનો સમુંદર હતો. બારમી માર્ચે સવારે ચાર વાગે પ્રાર્થના થઈ. ગાંધી નાનું વક્તવ્ય આપી સૂઇ ગયા અને બરાબર ૬.૨૦ કલાકે યાત્રાનો પ્રારંભ થયો. હજારો લોકો સાબરમતી આશ્રમ બહાર હતા, બાપુ સાથે ચાલ્યાં…
પહેલી રાત્રિ અસલાલીમાં, ત્યાંથી બારેજા થઈ અમદાવાદ વિસ્તાર છોડ્યો.
યાત્રાનું આયોજન અત્યંત પ્લાન સાથે હતું. સોળ કાર્યકર્તા આગળના ગામે હોય, બીજા સોળ જણ સાઇકલ પર તેમને યાત્રા આગમન અંગે સંદેશા આપે. ભોજનમાં ખીચડી, બાફેલું શાક, ભાખરી, છાશ કોઇપણ સ્થળે મીઠાઈ નહીં… ગમે ત્યાં હોય પણ સાડા સાત વાગે એટલે ભજનનો સમય નક્કી જ હતો.
નડિયાદમાં ગાંધીજીનો સંતરામ મંદિરમાં ઉતારો હતો, પાંચ હજાર મહિલાઓ નડિયાદની સભામાં હાજર હતી. આણંદમાં પચીસ હજાર લોકોની સભા થઈ, આણંદના નરસિંહભાઇ તથા ભાઇલાલભાઇ પટેલે સમગ્ર વ્યવસ્થા કરી હતી.
આણંદ સભાના અંતે નરસિંહભાઇને ગાંધીજી પૂછ્યું કે અમારી સાથે તમારી ધરપકડ થાય તો? નરસિંહભાઇ પટેલે ચરોતરની ખુમારી સાથે કહ્યું હતું કે વીલ પણ કરવું નહીં પડે, અમારી પુત્રવધૂ
પણ યાત્રા સાથે છે… મિન્સ આખું ફેમિલી અહીં છે તો જીવન જરૂરિયાત કોના માટે કરવાની?
દાંડીકૂચ આણંદથી નાપા થઈ બોરસદમાં દોઢ માઇલ લાંબું સ્વાગત થયું, બોરસદ સ્કૂલમાં ગાંધીજીનો ઉતારો હતો. અંગ્રેજોએ શાળાને ગ્રાન્ટ બંધ કરવાની ધમકી આપી તો શાળા સંચાલકોએ ગ્રાન્ટ પરત આપવાનો સામો ઠરાવ કરીને મોકલી દીધો.
બોરસદથી યાત્રા રાસમાં પહોંચી.ત્યાં અમદાવાદના શેઠ રણછોડલાલ પરિવાર પણ મળવા આવ્યું, રાસમાં પાંચસો જણા એ ખાદી પહેરવાની પ્રતિજ્ઞા લીધી. કંકાપુરા થઈ ગાંધીજી ભરૂચ જિલ્લામાં પ્રવેશ્યા…
ગાંધીજી ચરોતરમાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશ્યા, મહી નદીમાં બે કિમી કાદવમાં ચાલીને યાત્રા કરવી પડી હતી. છોટુભાઈ પુરાણી, શિવશંકર ભટ્ટ, ચંદ્રશંકર ભટ્ટ, દિનકરરાવ દેસાઈ, ભાલચંદ્ર જોશી સહિત અનેક યુવાઓ સ્વાગત માટે તૈયાર હતા. ગજેરા ગામમાં અશ્પૃશ્યતાનિવારણ પર ભાર મૂકવામાં આવ્યો.
જંબુસરમાં આખા દેશના નેતાઓ આવ્યા હતા, મારા દાદા ભાલચંદ્ર જોશી સોળ વર્ષના ઉત્સાહી કાર્યકર… તે જ્યારે ૧૯૩૦ની યાત્રા યાદ કરતાં ત્યારે ગળગળા થઈ જતા, આઝાદી માટે તે ભારત છોડો આંદોલન, ૧૯૪૨માં જેલમાં પણ ગયા હતા… જંબુસરમાં શેઠ લાલજી રામજીની જિનમાં અધિવેશન અને સભા થઈ હતી. આમોદના ત્રિભોવનભાઇએ મુખીપદે રાજીનામું આપ્યું હતું. અંકલેશ્ર્વરમાં એક યાત્રાળુએ આઇસક્રીમ ખાતા ગાંધીજીને અત્યંત દુ:ખ થયું હતું… ઉપવાસ કર્યો.
ભરૂચ જિલ્લાના છેવાડાના રાયમા ગામમાં રેંટિયા મૂકી દેવામાં આવ્યા, ગામના ચંદુભાઈ અત્યંત ઉત્સાહી ગાંધીવાદી.
૨૮ માર્ચ, ૧૯૩૦ના દિવસે કીમ નદી પર વાંસનો કામચલાઉ પુલ પરથી નદી પસાર કરી, સરદાર પટેલના પ્રિય સુરત જિલ્લામાં અત્યંત ઉત્સાહ હતો.
મીઠુબહેન પીટીટે પુલ પર બાપુનું સ્વાગત કર્યું. એકસઠ વર્ષની વયે હિમાલય જઇ મોક્ષમાર્ગ તરફ જવા કરતાં આ યાત્રા વધુ ફળદાયી નીવડશે, સુરત જિલ્લામાં ઇશ્ર્વર દર્શન થશે, જેવી વાત બાપુએ તેમના વક્તવ્યમાં કરી હતી.
સુરત વિસ્તારમાં ભવ્ય સ્વાગતથી વ્યથિત ગાંધીજી ખજૂર, બકરીનું દૂધ, સૂકી દ્રાક્ષ અને લીંબુ પાણી પર રહેવાનું નક્કી કર્યું. પોતાના સાથીઓને કડક ભાષામાં જાહેર વર્તન માટે સતત ટકોરતા અને કહેતા કે માથા પર બત્તી મૂકીને માણસો દોડાવવા કરતાં નેતાઓ માથે બત્તી મૂકીને મારી સાથે ચાલો, માત્ર ફાણસથી ચાલે તો બત્તી જરૂરી નથી… સગવડો બંધ કરો અને ગરીબ માણસનું શોષણ રોકવા પર પ્રવચનો આપ્યાં…
પહેલી એપ્રિલના રોજ યાત્રા સુરત શહેરમાં પહોંચી, વરાછા રોડ પર શેઠ નાથુભાઇ રણછોડદાસ અને ડાહ્યાભાઈ હરગોવિંદદાસના ઘરમાં ઉતારો હતો.
ગાંધીજીને સાંભળવા એ જમાનામાં ડક્કાના ઓવારા પર એક લાખ લોકો એકઠા થયા હતા, સુરતમાં ખાદી ખૂટી પડી હતી. કોઈ ઘર એવું ન હતું જ્યાં મહેમાન ન હોય. અંધકવિ હંસરાજ ફિડલે ગીત ગાયું, સુરત શહેરના અસંખ્ય મંડળો, નાગરિકોએ દાનનો ધોધ વહાવી દીધો હતો.
સુરતમાં વરાછા રોડથી બીજા છેડા સુધી શહેરને દિવસ રાત શણગારવામાં આવ્યું, ડિંડોલી તરફ આગળ વધ્યા ત્યારે ગાંધીની સાથે ત્રણ ચાર હજાર લોકો ચાલતા હતા.
યાત્રા વાંઝ થઈ ગાયકવાડી ગામ ધામણ યાત્રા પહોંચી, ધામણ ગામ સયાજીરાવ અને સરદાર પટેલને ખૂબ પ્રિય રહ્યું છે. ધામણ કબીરપંથી હોવા સાથે શ્રીમદ રાજચંદ્રના અનુનાયીઓનું ગામ… ગામના ધીરજભાઇ ગોરધનભાઈ, ગોકળભાઇ માસ્તર, હરિભાઈ પટેલ જેવા યુવાનોએ યાત્રા માટે ખૂબ મહેનત કરી હતી.
ધામણથી નવસારી પહોંચ્યા, નવસારીના દુધિયા તળાવમાં સભા. ગામના ચાંદોદિકર, વામનરાવ, ગુલાબભાઇ ઝવેરી જેવા આગેવાનો સાથે પચ્ચીસ હજાર લોકો સભામાં હાજર હતા. વિજલપોર થઈ પાંચમી એપ્રિલ ગાંધીજી દાંડી પહોંચ્યા. દાંડીમાં સિરાજુદ્દીન શેઠના બંગલામાં ઉતારો, ગાંધીજીએ મજાકમાં કહેલું કે આ બંગલો હાથથી જશે… ૧૯૬૧માં રાષ્ટ્રીય સ્મારક બનાવવા નેહરુને અર્પણ કરવામાં આવ્યો, મોદીસાહેબે ભવ્ય સ્મારક બનાવ્યું છે.
દાંડીમાં કાયદાનો ભંગ કરતી વેળા ભારતભરમાં ઠેર ઠેર થયેલા સત્યાગ્રહમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી.
દાંડી ખાતે રાત્રે દોઢ વાગે બે બસ લઇને પોલીસ આવી. ગાંધીજીને ધરપકડની વાત કરી. ગાંધી સમક્ષ અંગ્રેજ મેજિસ્ટ્રેટ હતો, ગાંધીજીએ તેમને પૂછ્યું કે તમે મોહનદાસ કરમચંદ ગાંધીની જ ધરપકડ કરવા માગો છો ને? પેલાએ હા પાડતા ગાંધીજીએ દાતણ કરવાની પરવાનગી માગી.
ગાંધીજીએ શાંતિથી દાતણ કર્યું, પોતાનું પોટલું તૈયાર કર્યા પછી મેજિસ્ટ્રેટને કહ્યું કે કયા કાયદા હેઠળ ધરપકડ કરો છો?
અંગ્રેજ અમલદારે ધ્રૂજતા હાથે સમન્સ વાંચી સંભળાવ્યું.
સમન્સ વાંચન પછી ગાંધીજીએ કહ્યું કે એકાદ ભજન ગાઇ લઇએ? એકતારા સાથે તેમના સાથીએ વૈષ્ણવજન ગાયું. શાંતિપૂર્વક ગાંધીજીએ ધરપકડ વહોરી, નવસારીથી બે માઇલ દૂર રાખેલા રેલવે સલૂનમાં ગાંધીજીને લઇ જવામાં આવ્યા…
ગાંધી બાદ આંદોલનનું નેતૃત્વ કસ્તુરબા અને અબ્બાસ તૈયબજીએ સંભાળ્યું…૬ એપ્રિલ, ૧૯૩૦ ના દિવસે ચપટી મીઠું લઇ મીઠા પર લાગતા વેરાને સ્વયંભૂ ખતમ કર્યો.
દેશને પૂર્ણ સ્વતંત્રતા અપાવવામાં પહેલો પાયો ખોદાયો. જે મીઠું ગાંધીજીએ ઉપાડ્યું હતું તે મીઠાની ત્રણ વાર હરાજી થઈ હતી. સિંધથી બંગાળ સુધી આંદોલન ફેલાયું અને પહેલી વાર મહિલાઓ લડત માટે બહાર આવી.
બોરસદમાં હજારો મહિલા રેલી પર અત્યાચાર થયો. મુંબઈમાં લાખો લોકો એકઠા થયા. અંગ્રેજ સરકાર અત્યાચાર કરે અને પ્રજા અહિંસક સામનો કરે. વિશ્ર્વમાં આ પ્રકારની વિરલ ઘટના હતી, જેમા ક્રાંતિ માટે યાત્રા હતી પણ હથિયાર જ ન હોય. વોટ્સએપ યુનિવર્સિટીથી બહાર નીકળીને સમય મળે ત્યારે દાંડી યાત્રાના સાથીઓનું લિસ્ટ પણ શોધીને વાંચજો. દાંડીકૂચનું વર્ણન છે, તેના મેનેજમેન્ટ અંગે પણ અસંખ્ય પુસ્તકો લખાયાં છે. આ માહિતી ઘણાં પુસ્તકોમાંથી લીધી છે. પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઇના સૂચન મુજબ તેમના કાર્યકાળ દરમિયાન કલ્યાણજી મહેતા અને ઇશ્ર્વરલાલ દેસાઇએ દાંડીકૂચ નામનું સુંદર પુસ્તક લખ્યું છે, જેનો મુખ્ય રેફરન્સ તરીકે ઉપયોગ કર્યો છે…
સરદાર એવું માનતા કે દાંડીયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે એ સ્થળો ભવિષ્યમાં તિર્થ બનશે. આજે અસંખ્ય વિદેશી યુવાનો અમદાવાદથી સાઇકલ લઇને યાત્રા માર્ગ પર આવે છે… અમેરિકાના સ્વાતંત્ર્ય જંગ, કાળાધોળાના ભેદ નાબૂદ કરવા માટે થયેલી માર્ચ અને દાંડીયાત્રાને વિશ્ર્વની ત્રણ વિરલ કૂચ માનવામાં આવે છે, જેણે માનવજાતને નવજીવન આપ્યું છે.
જો જીવનમાં પ્રકૃતિ તથા ગાંધી સરદારના પ્રેમ માટે સમય ફાળવી શકો તો દાંડીયાત્રાના ગામોમાં નવી જનરેશન સાથે જજો, ત્યાં એકાદુ વડ,પીપળા કે લીમડા સાથે વાતો કરશો તો હૈયે પ્રસન્નતા અનુભવાશે…
ધ એન્ડ : દલીલમાં ક્યારેય જીતી ન શકાય એવી પૂરોસરીઓની સલાહને કારણે માઉન્ટબેટન ગાંધીજીને મળવા સોમવાર જ રાખતા, એ દિવસે ગાંધી મૌન રાખતા, ગાંધી નાની ચિઠ્ઠીમાં લખીને જવાબ આપતા, એ ચિઠ્ઠીઓ માઉન્ટબેટને કાયમી સાચવી રાખવી હતી.

લેખક : દેવલ શાસ્ત્રી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -