સરકારી અધિકારીઓના ઘણાને કડવા અનુભવો થતા હોય છે. ખાસ કરીને સામાન્યવર્ગ સરકારી ખાતામાં નાનું અમથું કામ લઈને જાય ત્યારે તરછોડવાના, પૈસા માગવાના ને હડધૂત કરવાના બનાવો છાશવારે બને છે, પણ અમુક સરકારી અધિકારીઓ આ કડવા લીંમડામાં મીઠી ડાળ જેવા હોય છે. બે સરકારી કર્મચારીનો કડવો અને મીઠો અનુભવ ગુજરાતના રાજપીપળાની એક આદિવાસી યુવતીને થયો છે.
વાત એમ બની કે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામમાં શાળાએથી ઘરે આવતી એક વિદ્યાર્થિનીને એસટી બસે ઠોકર મારી દીધી. રાજપીપળા ડેપો પાસે મલ્લિકા વસાવા નામની આ બાળકીના પગ પર બસનું પૈડું ફરી વળ્યું ને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ. બસનો કે એસટીનો પણ એક પણ કર્મચારી તેની મદદે આવ્યો નહીં. તેની સાથે આવતી છોકરીએ તેને હોસ્પિટલ પહોંચાડી અને તેના પરિવારને જાણ કરી. પરિવાર ખૂબ જ ગરીબ હોવાથી તેના ઓપરેશન અને અન્ય ખર્ચ માટે આર્થિક મદદની જરૂર હતી. ગામના કોઈ શિક્ષિત માણસે તેને મદદ કરી અને મદદ માટે અપીલ કરવા ફેસબુક પર પોસ્ટ પણ મૂકી. આ પોસ્ટ તેનાથી 500 કિમી દૂર ગીર સોમનાથમાં ફરજ બજાવતા ડીએસપી મનોહરસિંહ જાડેજાએ પણ વાંચી. જાડેજા આ જિલ્લામાં ફરજ બજાવી ચૂક્યા છે, આથી તેમણે પોસ્ટ કરનારનો નંબર મેળવી તેમની સાથે વાત કરી અને છોકરીના પરિવારને રૂપિયા ભરેલું કવર મોકલી દીધું.
જાડેજા આ છોકરી કે પરિવારને જાણતા નથી અને તેનાથી ઘણે દૂર ફરજ બજાવી રહ્યા છે, પણ જેમના હૃદયમાં અનુકંપા હોય અને બીજાની પીડા જોઈને જે પોતે દુઃખી થતા હોય તે જોજનો દૂરથી પણ મદદનો હાથ લંબાવે જ્યારે જેમના હૃદયમાં અન્યોની તકલીફો માટે કોઈ સંવેદના ન હોય તેવા લોકો સામે હોય તો પણ ડગલું ભરી સહારો બનતા નથી.