સંબંધોને પેલે પાર -જાનકી કળથિયા
તમારી લાઈફમાં એવી કોઈ વ્યક્તિ ખરી જે સેન્ટર ઓફ એટ્રેક્શન હોય? એવી અતિ મહત્ત્વની વ્યક્તિ જે તમને જકડી રાખતી હોય? જેની આસપાસ તમારું જીવન વણાયેલું હોય જાણે કે મોતીની માળામાં પરોવાયેલો પાતળો દોરો…! જેના આવવાથી સઘળું મઘમઘતું લાગે અને એના જવાથી ઉજ્જડ રણ જેવો અહેસાસ થાય…
આપણા બધાની લાઈફમાં આવું વ્યક્તિત્વ ચોક્કસ હશે જે આપણા કાળજાનો મહત્ત્વનો કટકો હોય. જેનો અવાજ સાંભળવાથી હૃદયને હાશકારો થાય. જેના નામ માત્રથી દોઢ કિલોમીટર લાંબી સ્માઈલ આવી જાય. જેનું નામ મોબાઈલની ડિસ્પ્લે પર દેખાય ને શરીરે શેરડા પડે. એ નામનું નોટિફિકેશન આવે તો ગજબની અનુભૂતિ થાય. એના માત્ર ‘કેમ છો’ કહેવાથી અડધી સમસ્યા દૂર થતી હોય એવું લાગે… એ છે તો બધું જ છે ને એ નથી તો જાણે શૂન્યાવકાશ… એના થકી દરેક દિવસ જાણે ઉત્સવ અને એની ગેરહાજરીમાં ઉત્સવ પણ આનંદહીન… એના મલકાવા ને આપણા ખડખડાટ થવા વચ્ચે સીધો સંબંધ છે. એના રિસાવા ને આપણા રડમસ થવા વચ્ચેય સીધો સંબંધ છે. એનું મૌન ને આપણો ઉદ્વેગ બેય સગા ભાઈ સમાન છે.
આપણા જીવનનો એવો હિસ્સો કે જેની સમક્ષ જતી વખતે કેવા લાગીએ છીએ કે શું કરીએ છીએ એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. ત્યાં જઈને માત્ર ‘ખાલી’ થવાય છે. કોઈ ગુનો કર્યો હોય તોય ત્યાં જઈને ઈઝીલી ક્ધફેન્સ કરી શકાય છે. કોઈનાથી હદ બહાર ત્રાસી ગયા હોય તો ત્યાં જઈને ગાળો પણ બોલી શકાય છે. એ ખૂણે હૃદય ટેકવીને, ડૂસકાં ભરીને, એને બાથમાં લઈને રડી પણ શકાય છે. આવી વ્યક્તિનું ઈમ્પોર્ટન્સ કિંમતમાં નહિ પણ મૂલ્યમાં મપાય છે. કારણ કે આ સંબંધ મૂલ્યવાન છે. અહીં પોતાનું નહીં પણ ‘પોતાનાઓનું’ પહેલા વિચારાય છે. પોતે તાવમાં કણસતી હોય ને ગમતા પાત્રના એક ઉધરસના ઠહકલાંથી નાસીપાસ થાય છે. એક એવો અનોખો સંબંધ જ્યાં ‘હું’ નહિ પણ માત્ર ‘તું જ’ નો વિચાર થાય છે. એક એવું ઠેકાણું જ્યાં કોઈ ઠાઠ નથી છતાં આપણને ઠારે છે. એક એવું કોપભવન જ્યાં ગુસ્સા સાથે ગાળોય વરસે એ પણ કોઈકના લીધે… જ્યાં કાંટાળાનું કવરેજ ક્યારેય ન મળતું હોય ને હળવાશ સાથેનો હાશકારો ઓલવેઝ અવેલેબલની પોઝિશનમાં હોય.
એક કપલ વચ્ચે મિસ અંડરસ્ટેન્ડિંગ થાય છે. છોકરાંનો બર્થડે હતો ને એની પાર્ટનર ગિફ્ટ લાવી એ છોકરાને ન ગમ્યું. એના લીધે તેણીને ખરું ખોટું સંભળાવી દીધું. વાત બ્રેકઅપ સુધી પહોંચી ગઈ. છોકરી ખૂબ રડી. હવે જ્યારે સાચી વાતની ખબર પડી ત્યારે છોકરીને પોતાના પ્રેમ પર ગર્વ થયો. એનો પાર્ટનર ગિફ્ટ લાવવાની એટલે ના પાડતો કારણ કે છોકરીની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. અને ખોટો ખર્ચ કરાવવા માગતો નહોતો. અહીં ચિંતા છે જે ‘પોતાનું’ છે એની. અહીં કાળજી છે જે ‘મારા’ છે એની. અહીં શ્ર્વાસ સાથે સ્નેહનો ધબકાર છે ને બે હૃદયનો હૂંફાળો હાંફ છે જે સાથે લેવા ઈચ્છે છે. આવા સંબંધો વ્યક્તિની સાથોસાથ જન્મતા હોય છે પણ મૃત્યુ નથી પામતાં. આજીવન અમર થઈને જીવાતા હોય છે વ્યક્તિના પોતાના બ્રહ્માંડની ભ્રમણકક્ષામાં. જે પોતાના સરાઉન્ડિંગમાં બંનેને જકડીને રાખે છે. આવી વ્યક્તિ જો આપણી આસપાસ હોય ક્યારેક એ વ્યક્તિને જઈને કહી દેવાય કે, ‘તું મારા માટે સૌથી વધુ વ્હાલી છો. જાણે કે ઈશ્ર્વરની સમકક્ષ…!’ એ છે તો જિંદગીની મજા છે. એ છે તો તકલીફોનો ટાવર દૂર દૂર સુધીય દેખાતો નથી. પછી એ વ્યક્તિના એક્સપ્રેશન જોઈ લેજો. કારણ કે દરેકના નસીબમાં આવું સાંનિધ્ય નથી હોતું. વ્યક્તિ એક એવા સોફ્ટ કોર્નરની શોધમાં આજીવન ગોથા ખાય છે જે એને માત્ર સમજે જ નહીં પણ ટપારે, જે એને વખાણે જ નહીં પણ જરૂર જણાય ત્યાં અવખોડે. આ શોધ કોઈકને મળીને પૂરી થતી હોય એવું લાગે. જેને મળીને એમ થાય કે, ‘બસ આ જ છે મારી શોધ જે હું સપનાની દુનિયામાં તલાશું છું.’ આપણી કલ્પના હકીકતમાં પરિણમતી હોય એવું લાગે. પણ ઘણીવાર આપણાં સપનાઓનો ધી એન્ડ થઈ જતા વાર નથી લાગતી. કેટલીક વાર કલ્પનાની દુનિયામાંથી વાસ્તવિકતાની દુનિયામાં ગડથોલિયું ખવાઈ જાય છે. પછી શરૂઆત થાય છે એ સંબંધને કોસવાની. અહીં પણ સામ્યતા છે. પહેલા પ્રેમ અને કાળજી નામના તંતુએ સંબંધને જકડી રાખ્યો હતો ને હવે દુ:ખ અને પીડા સાથેના અફસોસે… પણ જકડાયેલા તો છીએ જ.
એટલે જ આ પ્રકારનો સંબંધ પ્રેમની સાથે પેઇન લઈને પણ આવે છે. કારણ કે અહીં વલોપાત હોય છે. જો ધાર્યા મુજબ ઠરીઠામ ન થઈ શક્યું તો દિલ અને દિમાગ એક ઘા ને બે કટકા સાથે તૂટે છે. ફર્ક એટલો છે કે તૂટવાનો અવાજ માત્ર જે તે વ્યક્તિ સિવાય કોઈ સાંભળી શકતું નથી. એટલે જ અહીં બેય પક્ષે સમાન ભાવો પ્રગટે એ જરૂરી છે. આપણા માટે સામો પક્ષ અતિ મહત્ત્વનો હોય પણ સામેવાળા પક્ષ માટે આપણે એટલા જ મહત્ત્વના છીએ એ જરૂરી નથી. અહીં શરૂ થાય છે પેલો પેઇનવાળો સંબંધ છે પહેલાં અતિશય સુખ આપતો એવું લાગતું, પરંતુ હવે એ જ સંબંધ અને એ જ વ્યક્તિએ પીડાનું પોટલું ખોલ્યું હોય એવું લાગવા માંડે.
આ પરિસ્થિતિ ન ઉદ્દભવે એ માટે સમયાંતરે આપણે જ્યાં જકડાયેલા છીએ ત્યાં શબ્દો અને વર્તન થકી આપણી લાગણીઓ વહેવડાવતાં રહેવું જરૂરી છે. જે પાત્ર આપણી ટોપ મોસ્ટ પ્રાયોરિટીમાં છે એને સાઈડમાં લઈ જઈને હળવેકથી ટાપલી મારીને, મીઠી ધમકી સાથે કહી દેવાનું કે, ‘મારી દુનિયાનું કેન્દ્રબિંદુ તું જ છે ને આજીવન તું રહીશ. એ દુનિયામાંથી છુમંતર થવાની કોશિશ કરીશ તો આવી બન્યું સમજજે.’ પછી એ ફેસ પર શરમ અને ગર્વના શેરડા જે પડશે એ જોવાની અનહદ મજા આવશે. જો કોઈ વ્યક્તિ આપણને આવું કહી જાય તો સમજવું કે વી આર લકીએસ્ટ. આપણે જેના કેન્દ્રબિંદુ છીએ એની માવજત કરતાં વહેલી તકે શીખી લેવું પડશે. નાજુક, નમણો અને કોમળ સંબંધ લજામણી છોડની માફક હોય છે. આટલી કાળજી, આટલી લાગણી જતાવનાર વ્યક્તિને ખોવાથી માત્ર એને જ ફર્ક પડશે એવું નથી. પણ આવી વ્યક્તિને ગુમાવ્યા બાદ આપણી જિંદગીમાં એનું કેટલું અને કેવું મહત્ત્વ હતું એ સમજાશે. અને એટલે જ આપણામાં જકડાઈને રહેનાર, આપણી સામે અભિવ્યક્ત થતી વખતે સહેજે પણ ન વિચારનાર, આપણા દિલની આરપાર ઊતરી જનાર, આપણું વન એન્ડ ઓન્લી સેન્ટર ઓફ અવર લાઈફને હૃદયના પટારે પૂરીને, હૈયે મઢીને રાખી દેવું જોઈએ. એના થકી હોઠના બે છેડા મલકાય છે ને હાસ્યની છોળો રેલાય છે. એના વગરની એકલતા જે તે વ્યક્તિને કોરીને ખાય છે.
———-
કલાઇમેકસ:
તારું નામ લેતા જ હૃદય ધબકારો ચૂકી જાય છે…
ખબર નહીં, રૂબરૂ મળીશ તો શું થશે???