ખૂબ દુઃખની વાત છે કે આજકાલ માતા-પિતા અને સ્કૂલોએ બાળકોને ગૂડ ટચ અને બેડ ટચ વિશે જણાવવું પડે છે, પરંતુ આ સમયની માગ છે અને તેથી સ્કૂલો પણ ઘણી જાગૃત થઈ છે અને બાળકો માટે અવેરનેસ પ્રોગ્રામ કરતી રહે છે. પોલીસ સ્ટાફ દ્વારા સ્કૂલમાં યોજાયેલા આવા જ એક કાર્યક્રમમાંથી શીખીને એક બાર વર્ષીય બાળકીએ જાતે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો અને પોતાની સાથે અડપલા કરનારા ૨૪ વર્ષીય વિકૃતને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો.
સુરતના પાંડેસર વિસ્તારમાં એક ૧૨ વર્ષની બાળકી પિતા સાથે રહે છે. માતાની તબિયત ખરાબ હોવાથી તે ગામડે ગઈ હતી. સાંજે તે ઘરમાં હતી ત્યારે તેણે એક પતંગ કપાઈને બાજુના ઘરમાં આવતા જોઈ હતી. ગુજરાતમાં ઉત્તરાયણ પહેલા જ પતંગ ચગાવવાનું શરૂ થઈ જતું હોવાથી પતંગ લૂંટવો બાળકો માટે ખૂબ રોમાંચવાળી રમત થઈ જતી હોય છે. ઘરની બહાર રમતા બાળકો સાથે તે પણ બાજુના ઘરની અગાસીમાં પતંગ લૂંટવા ગઈ હતી ત્યારે અહીં રહેતા ૨૪ વર્ષીય વિજય બંસલે તેની સાથેના છોકરાઓને ભગાડી મૂક્યા હતા અને બાળકીનો હાથ પકડી તેની સાથે અડપલા કરવાની કોશિશ કરી હતી. આ સાથે તેને દસ રૂપિયાની લાલચ પણ આપી હતી અને રોજ અગાસી પર આવીશ તો દસ રૂપિયા આપીશ તેમ કહ્યું હતું. જોકે, બાહોશ બાળકી તેને ધક્કો મારી ઘરે આવી ગઈ હતી અને પોતે જ ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો. બે પોલીસકર્મી આવ્યા હતા અને વિજયને તેના ઘરેથી જ ધરપકડ લઈ ગયા હતા. તે બાદ પોલીસે બાળકીના પિતાને પણ બોલાવ્યા હતા. આ વિસ્તારમાં ઘણા શ્રમજીવી રહે છે. છોકરીના પિતા પણ રોજમદાર તરીકે કામ કરે છે.
મોટે ભાગે આવી માનસિક વિકૃતિ ધરાવતા પુખ્ત કે વૃદ્ધ વયના સ્ત્રી કે પુરુષ બાળકોને ચોકલેટ, આઈસક્રીમ કે પૈસા-રમકડાની લાલચ આપી તેમને ફોસલાવતા હોય છે અને તેમની રાક્ષસી વૃતિને સંતોષતા હોય છે. વારંવાર બાળકોના આવા કિસ્સાઓ સામે અવેરનેસ પ્રોગ્રામ દ્વારા સમજદારી આપવામાં આવે તો થોડા ઘણે અંશે બાળકો વિરુદ્ધ થતાં અત્યાચારો પર નિયંત્રણ લાવી શકાય.