Homeઆમચી મુંબઈઅધિકારીની ખુરશી પર બેસીને પોલીસના લોગો સાથેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર...

અધિકારીની ખુરશી પર બેસીને પોલીસના લોગો સાથેનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર શૅર કરનારો ઝબ્બે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પોલીસ સ્ટેશનમાં અધિકારીની ખુરશી પર બેસીને પોલીસના લોગો સાથેનો વીડિયો ઉતાર્યા બાદ સોશિયલ મીડિયા પર શૅર કરનારા શખસની માનપાડા પોલીસે ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ સુરેન્દ્ર પાંડુરંગ પાટીલ ઉર્ફે ચૌધરી તરીકે થઇ હોઇ તેણે ભિવંડીના અંજુરફાટા ખાતે મિત્રના ઘરે યોજાયેલી પાર્ટીમાં પિસ્તોલ હાથમાં લઇને તેને ફેરવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારીની ખુરશી પર બેસીને પોલીસના લોગો સાથેનો વીડિયો ઉતાર્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર શૅર કર્યો હતો. એ જ પ્રમાણે પિસ્તોલ હાથમાં લઇને તેને ફેરવતો વીડિયો પણ તેણે શૅર કર્યો હતો. દરમિયાન મોમિન શેખ નામના શખસે આ બંને વીડિયો જોયા હતા અને તેણે વીડિયો પોલીસ કમિશનરના ટ્વિટર હેન્લડ પર મોકલ્યા હતા.
વીડિયોમાં નજરે પડતી વ્યક્તિની પોલીસે શોધ ચલાવી હતી, જેમાં એ વ્યક્તિની ઓળખ સુરેન્દ્ર પાંડુરંગ પાટીલ તરીકે થઇ હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ડોંબિવલીમાં રહેતો સુરેન્દ્ર પાટીલ માનપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદી હોઇ આ ગુનામાં આરોપીની ધરપકડ કરીને પોલીસે રૂ. ૨૦ લાખ જપ્ત કર્યા હતા. આ રૂપિયા સુરેન્દ્રના હોવાથી તે તેને પાછા આપવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. આથી સુરેન્દ્ર ૨૫ ઓક્ટોબરે માનપાડા પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો. એ સમયે પોલીસ અધિકારી રકમ લેવા માટે બીજી રૂમમાં ગયો ત્યારે સુરેન્દ્ર પાટીલે અધિકારીની ખુરશી પર બેસીને પોલીસ લોગો સાથેનો પોતાનો વીડિયો ઉતાર્યો હતો અને બાદમાં શૅર કર્યો હતો.
આ માહિતી મળ્યા બાદ સુરેન્દ્ર પાટીલ વિરુદ્ધ માનપાડા પોલીસ સ્ટેશનમાં ગુો દાખલ કરવામાં આવ્યો હતો અને બાદમાં તેની ધરપકડ કરાઇ હતી. આરોપી પાસેથી લાઇસન્સવાળી પિસ્તોલ અને પાંચ કારતૂસ પણ જપ્ત કરાઇ હતી. પોલીસના જણાવ્યા અનુસાર સુરેન્દ્રની કારમાંથી કુકરી પણ મળી આવી હતી. સુરેન્દ્ર પાટીલ વિરુદ્ધ માનપાડા, કોલસેવાડી અને મહાત્મા ફૂલે ચોક પોલીસ સ્ટેશનમાં સાત ગુના નોંધાયેલા છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -