સમૂહમાં લીધેલી તસવીરમાં વ્યક્તિ વધારે સ્માર્ટ દેખાતી હોય છે
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
માનવીય સંબંધોની કેમેસ્ટ્રી પર દુનિયાભરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવામાં આવે છે. એક પ્રયોગમાં આશ્ર્ચર્યજનક રીતે જોવા મળ્યું કે, ગર્ભાશયનું કેન્સરને અંતિમ સ્ટેજ પર પહોંચવાનો સમય થવા છતાં મહિલાઓને પ્રમાણમાં સ્વસ્થ હતી. આ અંગે અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે આ મહિલાઓ સામાજિક જીવનમાં સક્રિય હતી, શક્ય છે કે સંબંધોની દુનિયા એને જિંદગી જીવવાની જીજીવિષા વધારતી હોય.
માની લો કે, માણસ એકલો જ રહેતો હોત તો તે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહ્યો ન હોત. બ્લડપ્રેશર જેવી કાયમી બિમારીને કાબુમાં રાખવા સંબંધો હોવા જરૂરી છે. માણસની એકલતા અને બ્લડપ્રેશર વચ્ચે સીધો સંબંધ છે, મિત્રો સાથે ખડખડાટ હાસ્ય વચ્ચે સ્ટ્રેસ મુક્ત રહી શકાય.
જ્યારે આપણે એકલા ફોટો પડાવીએ છીએ અથવા સમૂહમાં ફોટો પડાવીએ છીએ ત્યારે સમૂહમાં વ્યક્તિ વધુ સ્માર્ટ દેખાય છે. શક્ય છે કે સમૂહમાં બીજાઓ કરતાં વધુ સારા દેખાવાની અજ્ઞાત મનની હરિફાઈ હોઇ શકે.
સોશિયલ મીડિયાના આગમન પછી સંબંધોની કેમેસ્ટ્રીમાં ઘણો ફર્ક આવ્યો છે. કેટલેક અંશે વર્ચ્યુઅલ સંબંધોમાં એકલતા દૂર થઈ છે, સામા પક્ષે ગાઢ સંબંધની સંભાવના ધરાવતું એકાઉન્ટ જ ફેક નીકળે તો ડિપ્રેશન લાવે. આ કારણે હવે મનોવિજ્ઞાન એવી સલાહ આપે છે કે વર્ચ્યુઅલ સંબંધો કરતાં જીવંત સંબંધ પર વધુ ભરોસો કરવો જોઈએ.
આજથી પંદર વર્ષ પહેલા સામાન્ય માણસના જીવનમાં ટૅકનોલૉજીનું આગમન થયું ત્યારે ટીવી પર બૅંકોની જાહેરાત આવતી હતી કે બેંકમાં આવવાની જરૂર નથી, બધા જ કામ ઓનલાઈન કરો. બે-ત્રણ વર્ષમાં ભૂલ સમજાઈ કે ભારતમાં બેંકો સાથે લોકોનો ભાવનાત્મક સંબંધ છે. બૅંકોની જાહેરાતમાં ફેરફાર થયો અને સંબંધોની લાલ જાજમ પાથરવામાં આવી.
સંબંધો છે, તો માણસજાતનું અસ્તિત્વ છે. સંબંધો સારા હોવા, ખરાબ હોવા, નવા હોવા, જૂના હોવા, ફરીથી મજબૂત કરવા, મજબૂત સંબંધને જાળવવા કોશિષ કરવી, મજબૂત સંબંધોને થોડા નબળા પાડવા, નબળા સંબંધને મજબૂત કરવા. માણસની એક જ સમયગાળામાં કેટલા સંબંધો જાળવવાની ક્ષમતા હોય એના પર પણ સંશોધન થયા છે. સામાન્ય માણસ ગુણવત્તાસભર દોઢસો કરતાં વધારે સંબંધ જાળવી શક્તો નથી.
સંબંધોના લેશન શીખવા માટે મહાભારત બેસ્ટ છે. સોશિયલ મીડિયાના યુગમાં સામાન્ય બાબતે પેઢીઓના સંબંધો બગડતા તો જોયાં છે, પણ મહાભારત તો સંબંધોની વ્યાખ્યામાં અદ્ભુત છે. મહાભારતના કેન્દ્રમાં તો પાંડવ કૌરવ યુદ્ધ છે, આ યુદ્ધે કદાચ બે પરિવારના આજીવન સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું જોઈએ. મહાભારતના યુદ્ધના સોળમાં વર્ષે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીએ વનમાં જવાનું વિચાર્યું. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જંગલમાં કેવી રીતે એકલા રહી શકે? કોઈ તો સાથે જોઈએ, જે તેમની સેવા ચાકરી કરે. ધૃતરાષ્ટ્ર સાથે અંગત સચિવ તરીકે આજીવન રહેલો સંજય હતો, સેવા કરવા માટે માતા કુંતી તૈયાર ગઇ હતી. કુંતીએ પણ રાજપાટ, સુખ બધું છોડીને ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની સેવા કરવા જંગલમાં તો ગઇ. જંગલમાં આગ લાગી તો નદી પાર કરીને બચવાની સંભાવના હોવા છતાં તેમની સાથે જ અગ્નિપ્રવેશ પણ કર્યો. જે વ્યક્તિના મમત્વને કારણે મહાભારતનું યુદ્ધ થયું, અનેકવાર કુંતીપુત્રોને મારી નાખવાના પ્રયાસ થયા, જાહેરમાં દ્રોપદી વસ્રાહરણ જેવી ઘટના બની. પાંચ પૌત્ર અને અભિમન્યુ સહિત અનેક પરિવારજનો જે યુદ્ધમાં માર્યા ગયાં. સામા પક્ષે ભીમ તેમજ અર્જુન દ્વારા ઘાતકી હિંસા થઈ છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રના રાજમાં ઘાતકી ઘટના બનવા છતાં તેની સેવા કરતાં કરતાં પ્રાણ ન્યોછાવર કરવો એ સંબંધની કોઇ પણ વ્યાખ્યા કરતાં ઉપર છે.
આપણા વડીલો રાત્રે ભોજન કરીને ઓટલા પર બેસતાં. આજુબાજુ મોટેભાગે સંબંધીઓ અથવા પેઢીઓથી સાથે રહેનારા હતાં. એકબીજા સાથે કેટલાય મતભેદ હોવા છતાં ભેગા બેસીને એકબીજાના પ્રસંગ કાઢી આપતાં. વડીલો ખૂલ્લા મનથી પોતાની વાતો કરતાં. સમસ્યાઓ જણાવતા અને હલ પણ પૂછતાં. પડોશીના સંબંધીના સાળાની દિકરીના લગ્નની તૈયારી આખી ઓટલા પરિષદ કરતી. એકબીજા સાથે ઊભા રહેવાની પરંપરા હતી. જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી માણસ એકલો રહેવા લાગ્યો. છ ઇંચના મોબાઈલમાં ઓટલો શોધવા નીકળ્યો છે. સોશિયલ મીડિયામાં પળેપળ બદલાતા સંબંધમાં માણસ નામનું તત્ત્વ ગાયબ થઈ ગયું છે.
વર્ચ્યુઅલ દુનિયામાં સંબંધોની વ્યાખ્યા બદલાવા લાગી છે. ઓમ શાંતિ કે RIP લખીને મૃત્યુના પરિવારને સાંત્વના આપવામાં આવે છે, તો સામા પક્ષે કેટલા લોકો મળવા આવ્યા તે કરતાં કેટલા લોકોએ ઓમ શાંતિ લખ્યું એ અગત્યનું બનતું જાય છે. સોશિયલ મીડિયાના નવા યુગનું પરિવર્તન છે. જીવનમાં ક્યારેય મળ્યા નથી કે મળીશું પણ નહીં એવા લોકો સાંત્વના આપે કે શુભેચ્છાઓ વ્યક્ત કરે તો તેનો ખુશી ખુશી સ્વીકાર પણ થવા લાગ્યો છે. બદલાતા સંબંધોની વ્યાખ્યામાં આપણે સેટ થવાનું છે. મહાભારતના સંબંધો માત્ર પુસ્તકમાં સમાઇ ગયા છે અને ઓમ શાંતિ એ નવા સમયનું સમીકરણ છે.
ગાંધીયુગ, મહાભારત યુગ અને વડીલોનો ઓટલા યુગની સૌથી વિશેષતા એ હતી કે બધું ટ્રાન્સફરન્ટ એટલે કે પારદર્શક હતું. ગાંધીને જિન્ના સાથે કઇ બાબતમાં વાંધો હતો કે સરદારને સુભાષચંદ્ર બોઝ સાથે કેમ વિવાદ હતો આ અભ્યાસ કરવા માટે ડોક્યુમેન્ટ મળી જશે. કશું પણ ખાનગી નથી. મહાભારતકાર કે રામાયણ લખનારાએ કોઈ વાત છુપાવી નથી. ખાનગી વાતો ગાંધી પાસે ન હતી, જે છે તે લખેલું છે. સોશિયલ મીડિયામાં આ પેટર્ન જ બદલાતી જાય છે. વ્યક્તિ પોતાનામાં વધુ ડૂબતો જાય છે. કોર્પોરેટ દુનિયામાં કે જાહેરજીવનમાં પારદર્શક રહેવાની વાત કરનારાઓનું સૌથી વધુ કોમ્યુનિકેશન સ્વયં સાથે જ થતું હોય છે.
સોશિયલ કોમ્યુનિકેશન બંધ થતાં માણસને બધી વાતો પોતાના મન સાથે જ કરવી પડે છે. આપણા વિચારો વ્યક્ત કરવા પ્રયત્ન કરીએ અને તે વાંચીને કોઇને ખોટું લાગે તો ખરાબ દેખાય. સરવાળે માણસ સોશિયલ મીડિયામાં સુગર કોટેડ લખવા લાગ્યો.
સોશિયલ મીડિયાને કારણે તેમજ બદલાતા જમાનામાં માણસ ખૂલવાને બદલે સ્વયં સાથે જ કોમ્યુનિકેટ કરતો થયો છે, જેનું સૌથી વિપરીત પરિણામ એ છે કે નાનો ઠપકો પણ સહન કરી શક્તો નથી. નોકરીમાં ઇગો હર્ટ થવા લાગ્યો છે. નોકરિયાત કે ધંધાદારી હવે મહાભારત જેવી પરિસ્થિતિ તો ક્યારેય સહી જ શકે નહીં. કર્મચારીને મન દઇને કામ કરવાની સલાહ આપો તેને પણ ખોટું લાગી જાય છે. માણસનો ઇગો વધતો નથી પણ સહનશક્તિ તો ઘટતી જ જાય છે. આ ઘટતી સહનશક્તિ સામે સંબંધ જાળવવા જવાબદારી બમણી થવા લાગી છે, જેને પરિણામે સંબંધ ભારરૂપ અથવા ત્રાસરૂપ બને છે. ભાર વિનાના સંબંધો ભૂતકાળ બનતાં જાય છે અને સંબંધો વિનાનો ભાર વર્તમાન થઈ ગયો છે…. ઉ