પ્રાસંગિક -ગીતા માણેક
તાજેતરમાં અમેરિકાથી આવી રહેલી એક ફ્લાઈટમાં ઍર હૉસ્ટેસે એક પ્રવાસીને બાથરૂમમાં ઇ-સિગારેટ પીતા પકડયો અને તેની ઇ-સિગારેટ જપ્ત કરી તો તે આક્રમક થઈ ગયો હતો. ઇ-સિગારેટનું વ્યસન અનેક ભારતીયોને ખાસ કરીને યુવાનો અને બાળકોને પોતાના ભરડામાં લઈ રહ્યું છે અને મુંબઈગરાઓ પણ એનાથી બાકાત નથી.
ઇ-સિગારેટ એટલે કે ઇલેક્ટ્રોનિક સિગારેટ સામાન્ય સિગારેટથી અલગ પ્રકારની હોય છે. એ એક પ્રકારનું ઇનહેલર છે જેમાં કેમિકલ અને નિકોટિન હોય છે. બેટરીની ઊર્જા આ નિકોટિન ધુમાડામાં પરિવર્તિત થાય છે. જેને પીવાથી સિગારેટ પીવા જેવો જ અહેસાસ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઇ-સિગારેટ એક એવું ડિવાઈસ અથવા સાધન છે જે બેટરીથી ચાલે છે. આમાં ભરવામાં આવતું પ્રવાહી નિકોટિન તથા અન્ય કેમિકલમાંથી બને છે. આ ઇ-સિગારેટ પીનાર જ્યારે કશ લગાવે છે ત્યારે એમાંનું હિટિંગ ડિવાઇસ એને ધુમાડામાં બદલે છે.
ઇ-સિગારેટને ઇ-સિગ્સ, વેપ્સ, ઇ-હુક્કા, વેપ પેન્સ, ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ જેવા જુદા જુદા નામે પણ ઓળખાય છે. ઇ-સિગારેટ દેખાવમાં પેન, યુએસબી ફ્લેશ ડ્રાઈવ આકારમાં ઉપલબ્ધ છે.
ઇ-સિગારેટનો ઉપયોગ સ્કૂલ-કૉલેજમાં જતા કિશોરવયના વિદ્યાર્થીઓ અને યુવાનોમાં બહુ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે.
આમ તો સપ્ટેમ્બર, ૨૦૧૯માં ભારત સરકારે ઇ-સિગારેટ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. આપણા દેશમાં ઇ-સિગારેટ પીવી એ અપરાધ ગણાય છે. પહેલી વાર પકડાય તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ અને એક વર્ષની જેલ પણ થઈ શકે છે. એકથી વધુ વખત પકડાય તો ૩ વર્ષની જેલ અને પાંચ લાખ સુધીના દંડની જોગવાઈ છે.
જો કે અન્ય અનેક કાયદાઓની માફક આ પ્રતિબંધને પણ ઘોળીને પી જવામાં આવ્યો છે. આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં એન્ટિ નાર્કોટિક સેલે મુંબઈમાં ૧૨ વ્યક્તિઓ સામે કેસ નોંધ્યા હતા. જેમાં મુંબઈના કેમ્પ્સ કોર્નર વિસ્તારમાં આવેલો મૂછડ પાનવાળો એટલે કે શિવકુમાર તિવારી પણ સામેલ હતો. તે ઇ-સિગારેટ વેચતા પકડાયો હતો. તેની પાસે ઇ-સિગારેટનો જથ્થો પ્રાપ્ત થયો હતો.
ઇ-સિગારેટ પીનારાઓમાં એવી માન્યતા છે કે સામાન્ય સિગારેટ જેટલી એ હાનિકારક નથી અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ પ્રમાણમાં સલામત છે. જો કે આ તદ્દન ખોટી માન્યતા છે. આ જ કારણ છે કે સ્કૂલમાં જતા બાળકો અને યુવાનો એનો બેફામપણે ઉપયોગ કરી રહ્યા છે. ઇ-સિગારેટની લોકપ્રિયતાનું મોટું કારણ એ છે કે એ વિવિધ ફ્લેવર્સમાં ઉપલબ્ધ છે.
ઇ-સિગારેટમાં ૭,૭૦૦ ફ્લેવર્સ અને ૪૬૦ બ્રાન્ડ્સ છે. આમ તો ઇ-સિગારેટ પીવી, વેચવી, સંગ્રહ કરવો કે એની જાહેરખબર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઇ-સિગારેટનું નિર્માણ ભારતમાં નથી થતું પણ એ ગેરકાયદે રીતે મોટાપાયે ઇમ્પોર્ટ થાય છે અને સોશિયલ મીડિયા પર અને ઇન્ટરનેટ પર એનો ભરપૂર પ્રચાર તેમજ જાહેરખબર થઈ રહી છે.
સ્કૂલ કાઉન્સિલર્સ
જણાવી રહ્યા છે કે સ્કૂલના વધુને વધુ બાળકો ઇ-સિગારેટના વ્યસની થઈ રહ્યા છે. દક્ષિણ મુંબઈની સ્કૂલના એક કાઉન્સેલરે કહ્યું કે આઠમા ધોરણની એક વિદ્યાર્થિની ઇ-સિગારેટ પીતા પકડાઈ હતી ત્યારે તેણે કહ્યું હતું કે તેણે પોતાના ભાઈ અને તેના મિત્રોને ‘વેપ’ એટલે કે ઇ-સિગારેટ પીતા જોયા હતા અને પછી ચોરીને તેણે એ ઇ-સિગારેટ ટ્રાય કરી હતી. પછીથી તેને ઇ-સિગારેટની લત લાગી ગઈ હતી. ઇ-સિગારેટ વિશે માહિતી આપતા તેણે કાઉન્સેલરને કહ્યું હતું કે એક પેન જેવી હોય છે અને એને ચાર્જ કરી શકાય છે. તે છોકરી જે ઇ-સિગારેટ પીતી હતી એ સ્ટ્રોબેરી ફ્લેવરની હોવાને કારણે એનો સ્વાદ પણ તેને બહુ પસંદ આવતો હતો.
ઇ-સિગારેટની માફક જ ઇ-હુક્કા પણ કિશોર અને યુવાનવયના છોકરા-છોકરીઓમાં ખૂબ મોટા પાયે પીવામાં આવી રહ્યા છે. ૧૩ વર્ષની ઉંમરની એક છોકરી ઇ-હુક્કા પીતી પકડાઈ હતી. ઇ-હુક્કા પણ દેખાવમાં પેન જેવા જ હોય છે. એટલે ઘરમાં મા-બાપ કે સ્કૂલમાં શિક્ષકોને પણ ખ્યાલ નથી આવતો.
મુંબઈની એક શાળાના પ્રિન્સિપાલ કહે છે કે આજકાલ મા-બાપ પણ બેધડક ઇ-સિગારેટ પીવા માંડ્યા છે જેની અસર બાળકો પર પડે છે અને તેઓ પણ ઇ-સિગારેટ ટ્રાય કરે છે અને પછી એના વ્યસની થઈ જાય છે.
ઇ-સિગારેટ બજારમાં ૫૦૦થી ૨,૫૦૦ની કિંમતે વેચાય છે. ઘણી વાર ત્રણ-ચાર વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ ભેગા મળીને ઇ-સિગારેટ ખરીદે છે અને ફૂંકે છે.
સલામ બોમ્બે ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાનોમાં વ્યસન અંગે એક સર્વેક્ષણ કરવામાં આવ્યું એમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ સર્વેક્ષણ અનુસાર દર બીજો છોકરો અને સાતમાંની એક છોકરી ઇ-સિગારેટ પીવે છે.
અન્ય એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે સ્કૂલના ૨૪માંના ૧૮ વિદ્યાર્થી ઇ-સિગારેટ અને તમાકુનો પ્રયોગ કરી રહ્યા છે. આમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ ૧૩-૧૪ વર્ષની ઉંમરની હોય છે.
સાદી સિગારેટ કરતાં વધુ ઇ-સિગારેટ વધારે પસંદ કરવામાં આવી રહી છે, કારણ કે પેન કે પેનડ્રાઈવ આકારની હોવાને કારણે એ ઉપયોગમાં સરળ પડે છે. એને સળગાવવા માટે માચીસ કે લાઈટરની જરૂર પડતી નથી. એના આકારને કારણે એને છુપાવવી પણ સહેલી પડે છે. ઉપરાંત એ સ્ટ્રોબેરી, ચોકલેટ, જામફળ, મઘઈ પાન, વરિયાળી જેવી સ્વાદિષ્ટ ફ્લેવર્સમાં પણ ઉપલબ્ધ હોય છે.
ઇ-સિગારેટ ફક્ત ધનાઢય કે ઉચ્ચ મધ્યમ વર્ગમાં જ પ્રચલિત છે એવું માની લેવાની જરૂર નથી. ધારાવીની એક સ્કૂલના પ્રિન્સિપાલ કહે છે કે હમણાં અમે તપાસ કરી તો બાળકોના દફતરમાંથી અમને ઘણી ઇ-સિગારેટ મળી આવી હતી. જ્યારે તે વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી તો તેમણે કહ્યું હતું કે સ્થાનિક પાનની દુકાનોમાં ૧૦૦ થી ૩૦૦ રૂપિયા સુધીમાં ઈ-સિગારેટમાં પ્રવાહી ભરી આપવામાં આવે છે.
ડૉક્ટરો કહે છે કે સાદી સિગારેટ કરતાં ઇ-સિગારેટ ઓછી જોખમકારક છે એવું તૂત ચલાવવામાં આવ્યું છે જેને સ્કૂલના બાળકો અને યુવાનો સહેલાઈથી માની લે છે, પરંતુ હકીકત એ છે કે ઇ-સિગારેટમાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક અને જેનું વ્યસન થઈ જાય એવું નિકોટિન તેમજ અન્ય કેમિકલ સામેલ હોય છે. આ બધું કેન્સર પેદા કરે છે, હૃદય, મગજ અને કિડનીને સખત નુકસાન પહોંચાડે છે.
ડૉક્ટરો ઠોકી વગાડીને કહે છે કે ઇ-સિગારેટ જોખમકારક નથી એ ભ્રમણાને ભાંગવી બહુ જ આવશ્યક છે. ઇ-સિગારેટમાં ૧૦ મિ.ગ્રા. નિકોટિન હોય છે. કોઈપણ આરોગ્ય સંસ્થા એ ઓછી હાનિકારક છે એવું માનતી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર જોરશોરથી ફેલાવવામાં આવી રહેલા જૂઠ્ઠાણાને બાળકો અને યુવાનો સાચું માની રહ્યા છે. આ ઇ-સિગારેટ પ્રતિબંધિત હોવા છતાં મોટાપાયે આયાત થઈ રહી છે અને આપણા બાળકો તેમજ યુવાનોના આરોગ્યને નુકસાન પહોંચાડી રહી છે.