નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે સહકારી મંડળીઓ માટે રાષ્ટ્રીય સહકારી ડેટાબેઝ બનાવવામાં આવી રહ્યો છે.
આ પગલું સહકારી મંડળીઓ પર પ્રસ્તાવિત રાષ્ટ્રીય નીતિના વધુ સારી રીતે અમલીકરણમાં મદદ કરશે.
સીતારમણે તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે પશુપાલન, ડેરી અને મત્સ્યઉદ્યોગ પર ધ્યાન કેન્દ્રિત કરીને ના.વ.૨૦૨૪ માટે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધીને વીસ લાખ કરોડ રૂપિયા થયો છે.
વધુમાં, સરકાર ખેડૂતોને મદદ કરવા માટે મોટા પાયે વિકેન્દ્રિત સંગ્રહ ક્ષમતા સ્થાપવાની યોજના બનાવી રહી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં, સરકારે ઓર્ગેનિક ઉત્પાદનો, બીજ અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે ત્રણ નવી સહકારી મંડળીઓની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો હતો.
કેબિનેટે નેશનલ એક્સપોર્ટ સોસાયટી, નેશનલ કો-ઓપરેટિવ સોસાયટી ફોર ઓર્ગેનિક પ્રોડક્ટ્સ અને નેશનલ લેવલ મલ્ટિ-સ્ટેટ સીડ કો-ઓપરેટિવ સોસાયટીની સ્થાપનાને મંજૂરી આપી હતી.
એનસીયુઆઇ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા ડેટા મુજબ દેશમાં લગભગ ૮.૬ લાખ સહકારી સંસ્થાઓ છે, જેમાંથી સક્રિય પ્રાથમિક કૃષિ સહકારી લગભગ ૬૩૦૦૦ છે. (એજન્સી)