ઓયોના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું ગુરુગ્રામમાં હાઈ રાઈઝ બિલ્ડિંગ પરથી પડી જતા મૃત્યુ થયું છે. રિપોર્ટ્સ મુજબ રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલ બિલ્ડિંગના 20મા ફ્લોર પરથી નીચે પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગુરુગ્રામ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રમેશ અગ્રવાલ પોતાની પત્ની સાથે અહીં રહેતા હતા.
રિતેશ અગ્રવાલ દ્વારા પણ આ મામલે એક સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં તેમના પિતાનું નિધન થઈ ગયું હોવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટમાં રિતેશે જણાવ્યું છે કે હું અને મારો પરિવાર ભારે હૃદય સાથે જણાવવા માંગીએ છીએ કે અમારા માર્ગદર્શક અને અમારી શક્તિ, મારા પિતા રમેશ અગ્રવાલનું 10મી માર્ચના નિધન થયું છે. તેમણે પોતાનું આખું જીવન વધુ સારી રીતે જીવ્યા હતા અને તેમણે મને પણ ઘણી પ્રેરણા આપી છે. તેમના નિધનથી અમારા પરિવારને મોટી ખોટ પડી છે. આગળ રિતેશ અગ્રવાલે એવું પણ જણાવ્યું છે કે મારા પિતાની કરુણા અને હૂંફએ અમને સૌથી મુશ્કેલ સમયમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. તેમના શબ્દો હંમેશા જ જીવનમાં આગળ વધવાનું બળ આપશે.
આ ઘટના પર ગુરુગ્રામના ડીસીપી ઈસ્ટ વીરેન્દ્ર વિજે પોતાના નિવેદનમાં કહ્યું છે કે રમેશ અગ્રવાલ (ઓયો ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા)નું 20મા માળેથી પડી જવાથી મોત થયું છે. સીઆરપીસીની કલમ 174 હેઠળ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
તાજેતરમાં જ રિતેશ અગ્રવાલે ફોર્મેશન વેન્ચર્સના ડિરેક્ટર ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા છે. રિતેશ અગ્રવાલના લગ્નમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, સોફ્ટબેંકના ચેરમેન માસાયોશી સોન અને પેટીએમના સીઈઓ વિજય શેખર શર્મા સહિત ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.