આવી દુ:ખદ ઘટના કોઈપણ સાથે ન થાય એટલા માટે મારું કહેવું છે સ્કૂલવાળાને કે, શિયાળામાં બની શકે તો સ્કૂલનો ટાઈમ તમે મોડો રાખો. છોકરાઓને આટલી કડકડતી ઠંડીમાં આવવું પડે, ઇવન તમે સ્કૂલના જ સ્વેરટ પહેરીને આવે, તેવા નિયમો રાખો છો. અમુક છોકરાઓને વધારે ઠંડી લાગતી હોય તો વધારે રક્ષણની જરૂર પડે. જાડા જેકેટ પહેરીને આવે તો આવા દેવા જોઈએ. . એટલી મારી રીકવેસ્ટ છે. આજે મેં મારી ફૂલ જેવી દીકરીને ખોઈ નાખી છે. મારી દીકરીને કોઈ જાતનો રૂંવાડે પણ રોગ નહતો. આ બ્લડ જામી ગયું એના હૃદયમાં એને લીધે એની બધી નળીઓ બંધ થઈ ગઈ. એમાં મારી દીકરી 10 જ મિનિટમાં જતી રહી મને છોડીને…
આ શબ્દો છે રાજકોટમાં ઠંડીને લીધે મૃત્યુ પામેલી છોકરી રીયાની માતાના. શિયાળાની શરૂઆતમાં જ વાલીઓ સ્કૂલના સમયમાં ફેરફાર કરવાની અપીલ કરતા હોય છે. દિલ્હી-ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં આમ બનતું હોય છે, પરંતુ ગુજરાતમાં આમ બનતું નથી. વાસ્તવમાં જો શુદ્ધ હવા અને કુદરતી ઠંડી હોય તો મોટે ભાગે આવી સમસ્યા ન સર્જાઈ, પરંતુ અત્યંત પ્રદુષણને લીધે શિયાળામાં વધારે સમસ્યા સર્જાતી હોય છે અને તેથી ખાસ કરીને બાળકો અને વૃદ્ધો બીમાર પડતા હોય છે.
રાજકોટમાં બનેલી ઘટનામાં ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણમાં 8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ તાકીદે સ્કૂલવેનમાં દોશી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં સગીરાનું મોત નિપજ્યાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવની જાણ થતા માલવિયાનગર પોલીસે મૃતદેહને પી.એમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના ઢેબર રોડ પર ગોપાલનગરમાં શેરી નંબર 4 માં રહેતી અને ગોંડલ રોડ પર એ.વી.જસાણી સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી રીયા કિરણકુમાર સાગર (ઉ.વ.17)એ આજે સવારે 7.10 ની આસપાસ સ્કૂલવેનમાં બેસી પોતાની સ્કૂલે ગઈ હતી. 7.30 ની આસપાસ સ્કૂલે પહોંચીને પ્રાથનાખડમાં પ્રાથના કરી હતી. બાદમાં ધોરણ 8 માં ક્લાસમાં પ્રવેશ્યા બાદ રિયાને ધ્રુજારી ઉપાડ્યા બાદ બેભાન થઈ ઢળી પડતાં સ્કૂલ સંચાલકોએ 108 ને જાણ કરી હતી. આમ છતાં સમયસૂચકતા દાખવી સ્કૂલ સંચાલકોએ રીયાને બેશુદ્ધ હાલતમાં સ્કૂલવેનમાં બેસાડી તાકીદે દોશી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી જયાં ફરજ પરના તબીબે ઇસીજી રિપોર્ટ કર્યા બાદ રિયાને મૃત જાહેર કરી હતી.
મૃતક રીયા બે બહેનમાં મોટી હતી. નાની બહેનનું નામ નિરાલી છે. તેના પિતા સોનીકામ કરે છે. સોની પરિવાર અગાઉ 10 વર્ષથી યુગાન્ડાના કંપાલામાં રહેતા હતા. કોરના કાળમાં કોરોના કેસો વધી જતાં તે રાજકોટ સ્થાયી થયા હતા.