કાનપુરઃ વેકેશનના સમયગાળામાં મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં ધસારો વધી જાય છે, તેથી સાફસફાઈમાં બેદરકારી દાખવવામાં આવતી હોય છે, પરંતુ તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં ગોમતી એક્સપ્રેસમાં સાંસદને મચ્છર કરડતા આખી ટ્રેનમાં ધમાલ મચી ગઈ હતી.
ગોમતી એક્સપ્રેસમાં સાંસદને મચ્છર કરડવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યાર બાદ ટ્રેનને રોકીને સફાઈ કરવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. આ બનાવ મુદ્દે જાણવા મળ્યું હતું કે ઉત્તર પ્રદેશના ઇટાહના સાંસદ રાજવીર સિંહ લખનઉના ચારબાગ રેલવે સ્ટેશનથી દિલ્હી જવા નીકળેલી ગોમતી એક્સપ્રેસ (12419) ટ્રેનમાં (એચવન કોચમાં) શનિવારે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે આ બનાવ બન્યો હતો. ગોમતી એક્સપ્રેસમાં મુસાફરી દરમિયાન તેમને મચ્છર કરડ્યો હતો. પછી શું? તેમની સાથે અન્ય એક સાંસદ પણ મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે આ મુદ્દે તેમણે ટવિટર પર ફરિયાદ નોંધાવી અને સમગ્ર વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો.
ટ્રેનને રોક્યા બાદ આખા કોચમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બોગીની સફાઈ પૂરી થયા બાદ જ ટ્રેનને ત્યાંથી આગળ રવાના કરવામાં આવી હતી. વાસ્તવમાં, સાંસદ સાથે મુસાફરી કરી રહેલા માન સિંહે ટ્વિટર પર ટ્રેનમાં મચ્છર કરડવાની ફરિયાદ કરતા લખ્યું હતું કે સાંસદ રાજવીર સિંહ ટ્રેનના પહેલા એસી કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેનના બાથરૂમમાં ગંદકી છે અને મચ્છરો કરડે છે, જેના કારણે સાંસદ માટે બેસવું પણ મુશ્કેલ બન્યું છે.
આ ટ્વીટ પછી અધિકારીઓ હરકતમાં આવી ગયા હતા અને ટ્રેનને ઉન્નાવ ખાતે રોકી દેવામાં આવી. આ પછી આખો કોચ સાફ કરવામાં આવ્યો હતો. મચ્છરોને દૂર કરવા માટે આખા કોચમાં છંટકાવ કરવામાં આવ્યો હતો. આ પછી ટ્રેનને ઉન્નાવ રેલવે સ્ટેશનથી દિલ્હી રવાના કરવામાં આવી હતી.
રેલવેના આ પગલાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. આ મુદ્દે પ્રવાસીઓ કહે છે કે સામાન્ય માણસ મુસાફરી દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે, પરંતુ તેનો ઉકેલ ભાગ્યે જ થાય છે. તે ફરિયાદ કરતો રહે છે. પરંતુ જ્યારે કોઈ નેતાજીને કોઈ સમસ્યા હોય ત્યારે વહીવટીતંત્ર તરત જ હરકતમાં આવે એ નવાઈની વાત છે. ટ્રેનમાં સામાન્ય જનતાની માફક કાઉન્સેલર, વિધાનસભ્યો, સાસંદોએ પણ મુસાફરી કરે તો વાસ્તવિકતાની જાણ થાય અને લોકોની સમસ્યાની પણ જાણકારી મળે.