(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) ખાતે એક માનસિક અસ્થિર યુવાને ટ્રેનના કોચ પર ચઢીને ઈલેક્ટ્રિક પોલ પર ચઢી ગયો હતો અને તેને નીચે ઉતારવાના ચક્કર રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી. રેલવેના ઈલેક્ટ્રિક પોલ પર ચઢી ગયા પછી તેને ઉતારવા માટે રેલવે પોલીસની સાથે અધિકારીઓને પણ જોરદાર જહેમત કરવાની ફરજ પડી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ અંગે રેલવે પોલીસે કહ્યું હતું કે શનિવારે રાતના સાડાનવ વાગ્યાના સુમારે પ્લેટફોર્મ નંબર નવ ખાતે આ બનાવ બન્યો હતો. નવ નંબરના પ્લેટફોર્મ પરથી ગડગ એક્સપ્રેસ ઊભી રહી હતી ત્યારે ટ્રેનના કોચ પર ચઢીને પોલ પર પહોંચ્યો હતો. પચીસ હજાર વોલ્ટની વીજળી પસાર થતી હોવાને કારણે સુરક્ષાના કારણસર લોકોના જીવ પડીકે બંધાયા હતા. લોકોને તેને ઉતારવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાસ્થળે પોલીસ અને રેલવેના કર્મચારીઓ આવીને તેને સૌથી પહેલા નીચે ઉતારવાની પ્રક્રિયા હાથ ધરી હતી. સૌથી પહેલા વીજ પ્રવાહને બંધ કરવામાં આવ્યો હતો તથા એ યુવાનને તાત્કાલિક ઉપરથી નીચે ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસના જવાનોએ લગભગ પોણો કલાક સુધી તેને સમજાવ્યા પછી તેને નીચે ઉતારવામાં પોલીસ સફળ રહી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. રેલવે પોલીસે તેને કસ્ટડીમાં લઈને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. રેલવે સ્ટેશનના પરિસરોમાં ભિખારી અને ગર્દૂલાઓનો ધીમે ધીમે અડ્ડો બની રહ્યા છે, જ્યાં ત્યાં તેમની હેરફેર જોવા મળતી હોય છે, જ્યારે ગંદકી પણ કરતા હોય છે, તેનાથી પ્રવાસીઓને પણ અવરજવર કરવામાં મુશ્કેલી પડે છે, તેથી સ્ટેશનના પરિસરમાંથી તેને હાંકી કાઢવાની જરુર છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું.