સુખનો પાસવર્ડ -આશુ પટેલ
એક ઉત્સાહી યુવાન લેખક બનવા ઈચ્છે છે તે એક પરિચિત વ્યક્તિની ભલામણથી મને મળવા આવ્યો. તેણે આવતાવેંત બોલવાનું શરૂ કરી દીધું. તેણે કહ્યું કે આમ તો મને જુદા જુદા પ્રકારના લેખનના બંધારણ વિશે ખબર છે, પરંતુ તમે કંઈક એવી વાત શીખવો કે જેનાથી હું પુષ્કળ લખી શકું અને સારું લખી શકું. તેણે કહ્યું કે મેં ફલાણા અને ઢીંકણા લેખકને વાંચ્યા છે, પરંતુ તેમના લેખનમાં મને કચાશ જણાય છે. તેણે પશ્ર્ચિમના દેશોના અમુક લેખકોના નામો સાથે કેટલાક નામાંકિત ભારતીય લેખકોના નામોનો ઉલ્લેખ કરીને કહ્યું કે ફલાણા લેખકમાં આ કચાશ છે અને ઢીંકણા લેખકમાં ફલાણી કચાશ છે. તેમને એ સમયમાં ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા અને એવું બધું હતું નહીં એટલે તેમનું લેખન ચાલી ગયું, પરંતુ આજના સમયમાં એ લેખકો ન ચાલે ! આવા લેખકો કોઈ મોટી ધાડ નથી મારી ગયા, પરંતુ તેમને સ્પર્ધાનો સામનો ન કરવો પડ્યો એટલે તેઓ ચાલી ગયા! આજના સમયમાં લેખનક્ષેત્રે ખૂબ સ્પર્ધા આવી ગઈ છે, રોજ હજારો નવાં પુસ્તકો આવતાં હોય છે અને કેટલાય લેખકો એમેઝોન પર પોતાનું લેખન મૂકતા હોય છે, ઘણી સેલ્ફ પબ્લિશિંગ વેબસાઇટ્સ પણ છે એમાં પણ લેખકોનો રાફડો ફાટ્યો છે, પરંતુ મારે બીજા બધાથી કશું અલગ લખવું છે એટલે મારે તમારી સલાહ જોઈએ છે. તે યુવાન અસ્ખલિત રીતે સતત ક્યાંય સુધી બોલતો રહ્યો. પછી મેં તેને કહ્યું કે તું આટલું બધું જાણે છે એટલે તને કોઈ સલાહની જરૂર હોય એવું મને લાગતું નથી. તું તારી રીતે લેખનક્ષેત્રે આગળ વધ. મારી શુભેચ્છાઓ તારી સાથે છે. તે થોડો નારાજ થઈ ગયો. તેણે કહ્યું કે તમે નવોદિત હતા ત્યારે તમને પણ કોઈએ સલાહ આપી જ હશે તો તો તમારે પણ અત્યારે અમારા જેવા નવોદિતોને પ્રોત્સાહન આપવું જોઈએ એના બદલે તમે ઠંડું પાણી રેડો છો! આ યોગ્ય ન કહેવાય.
તે યુવાનની વાત સાંભળીને મને સોક્રેટિસના જીવનનો એક કિસ્સો યાદ આવી ગયો. એક વાર એક યુવાન સોક્રેટિસને મળવા ગયો. તે સારો વક્તા બનવા ઇચ્છતો હતો. તેણે સોક્રેટિસને કહ્યું કે, ‘હું તમારી પાસે શીખવા આવ્યો છું.’
સોક્રેટિસે કહ્યું, ’શું શીખવું છે તારે?’
યુવાને કહ્યું, ‘મને ભાષણ આપવાની કળા શીખવાડો.’
સોક્રેટિસે કહ્યું, ‘સારું, પણ એ પહેલાં તું મને કહે કે તને
શું આવડે છે?’
યુવાને સોક્રેટિસને કહ્યું, ’મને બીજું બધું આવડે છે.’ તેણે સોક્રેટિસને ગણાવવા માંડ્યું કે તેને શું શું આવડે છે. તે ઘણી વાર સુધી બોલતો રહ્યો. પોતાની વાત પૂરી કર્યા પછી તેણે સોક્રેટિસને કહ્યું, ’મને માત્ર ભાષણ કરતા આવડતું નથી એ મને શીખવાડી દો. એ માટે હું પૈસા ચૂકવવા તૈયાર છું.’
સોક્રેટિસે કહ્યું, ‘હું તને ભાષણ આપતાં ચોક્કસ શીખવી દઈશ, પણ હું તારી પાસે બમણી રકમ લઈશ.’
યુવાને કહ્યું, ‘કેમ બમણી રકમ?’
સોક્રેટિસે કહ્યું, ‘હકીકતમાં તને ભાષા વિશે મારે કંઈ શીખવવું જ પડે એમ નથી. તું સરસ રીતે બોલી શકે છે અને તારું જુદા જુદા વિષય પર ઘણું જ્ઞાન પણ દેખાઈ આવે છે.’
‘તો પછી તમે બમણી રકમ શા માટે માગો છો?’ યુવાને પૂછ્યું.
‘કારણ કે મારે તને કઈ જગ્યાએ શું બોલવું અને કેમ બોલવું એ શીખવવું પડશે, ’ સોક્રેટિસે કહ્યું.
‘તો તો તમારે ઓછી રકમ માગવી જોઈએ,’ યુવાને કહ્યું.
સોક્રેટિસ હસી પડ્યા તેમણે કહ્યું, ’બમણી રકમ એટલા માટે કહું છું કે મારે તને શાંત રહેવાની કળા શીખવવી પડશે! ઘણા બધા તારી જેમ સારી રીતે બોલી શકે અને ભાષણ આપી શકે, પરંતુ જરૂર પડે ત્યાં શાંત રહી શકે એવી કળા શીખવી જરૂરી છે. તું મારી પાસે ભાષણ આપતા શીખવા આવ્યો છે અને મને લાંબુ ભાષણ આપી દીધું! એ વિવેકભાન શીખવાનું તારા માટે જરૂરી છે!’
***
માણસમાં વિવેકભાન હોવું જોઈએ. વિવેકભાન ન હોય ને ઉપરથી પોતે બધું જાણે છે એવું માનનારાઓ માટે કશું પણ શીખવાનું અઘરું સાબિત થતું હોય છે.