મુંબઈ: મંત્રાલયમાં છઠ્ઠા માળેથી ઝંપલાવીને ૪૩ વર્ષના શખસે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ગુરુવારે બની હતી. શખસની ઓળખ બાપુ મોકાશી તરીકે થઇ હોઇ સુરક્ષા જાળીને કારણે તે બચી ગયો હતો.
બાપુ મોકાશી (૪૩)એ ગુરુવારે બપોરે ત્રણ વાગ્યે મંત્રાલયના છઠ્ઠા માળેથી ઝંપલાવ્યું હતું, પણ તે સુરક્ષા જાળી પર પડ્યો હતો. મંત્રાયલમાં અગાઉ પણ આવી ઘટના બની હોવાથી તેને રોકવા માટે સુરક્ષા જાળી લગાવવામાં આવી છે.
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો અને મોકાશીને ઉગારી લીધો હતો અને બાદમાં તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
મોકાશીને કોઇ ગંભીર ઇજા પહોંચી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. મરીન ડ્રાઇવ પોલીસ દ્વારા આ પ્રકરણે તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું અધિકારીએ કહ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મોકાશી બીડ જિલ્લાના આષ્ટી તાલુકાના પારગાવનો રહેવાસી છે. તેની પ્રેમિકા પર બળાત્કાર ગુજારાયો હોવાનું મોકાશીનું કહેવું છે.
આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા છતાં ન્યાય મળી રહ્યો ન હોવાનું તેણે જણાવ્યું
હતું.