(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: દેશના મહાબંદર કંડલા ખાતે રશિયાથી કોલસો ભરીને આવેલા વિશાળકાય માલવાહક જહાજનું અચાનક એન્જિન ફેઈલ થવાથી બ્લેકઆઉટની વિકટ પરિસ્થિતિ ઊભી થતાં પોર્ટ પ્રશાસનમાં ભારે અફરાતફરીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
ઘટના અંગે કંડલા બંદરના ડેપ્યુટી ક્ધઝર્વર પ્રદીપ મોહંતીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત શુક્રવારની વહેલી સવારે રશિયાથી કોલસો લોડ કરીને અહીં આવેલું પનામા રેપ્લી પાયોનિયર નામનું વિશાળ માલવાહક જહાજ ચેનલમાં આવી કાર્ગો અનલોડ કરવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે કોઈ તકનીકી કારણોસર તેનું એન્જિન ઠપ્પ થઇ ગયું હતું. જહાજની મોટા ભાગની કામગીરી તેના એન્જિન પર જ નિર્ભર હોય છે એટલે આવા વિકટ સમયે તેમાં રહેલાં ડીઝલ જનરેટરને ચાલુ કરવામાં આવતાં થોડા સમય પૂરતી લાઇટિંગ, વાયરલેસ અને એર વેન્ટિલેશન જેવી ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખી શકાઈ હતી, પરંતુ જનરેટરે પણ કામ કરવું બંધ કરી દેતાં આ જહાજ પર સંપૂર્ણ બ્લેકઆઉટની પરિસ્થિતિ ઊભી થઇ હતી અને તેના કંટ્રોલ સેન્ટર પણ કામ કરતું બંધ થઇ જતાં આ જહાજ બેકાબૂ બની જળસમાધિ લઇ લે અથવા બંદરની ચેનલમાં ફસાઈ જાય તેવી પ્રબળ શક્યતા ઊભી થઇ
હતી.
મોહંતીએ ઉમેર્યું હતું કે, જવલ્લેજ બનતી આવી ઘટના અંગે સિગ્નલ સ્ટેશન પર જાણ થતાં ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે સંખ્યાબંધ ટગ બોટ સાથે બેકાબૂ બનેલા ૨૨૫ મીટરની લંબાઈ ધરાવતા આ ફુલ્લી લોડેડ જહાજને કવર કરી લીધું હતુ અને પાયલોટ ઓનબોર્ડ થઈ ગયા હતા.
ત્યારબાદ ટગ બોટ્સની મદદથી તેને ઓ.ટી.બી બહાર હેમખેમ લઇ જવામાં આવ્યું હતું.
ચેનલમાં ૧.પ કિલોમીટર સુધી અંદર આવેલાં અને ઠપ્પ પડી ગયેલા રેપ્લી પાયોનિયર જહાજને કારણે થોડા સમય પૂરતું કાર્ગો હેન્ડલિંગ વિલંબિત થયું હતું જેને ગણતરીના કલાકોમાં ફરી રાબેતા મુજબ પૂર્વવત કરી દેવામાં આવ્યું હતું. ઉ