વિચિત્ર અકસ્માતમાં ક્રેનચાલકની સાથે મોટરમેન ઇજાગ્રસ્ત
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં માની શકાય નહિ હોનારત શનિવારે નાયગાંવ રેલવે સ્ટેશને બની હતી. બ્લોક વખતે મોડી રાત્રે ક્રેન મારફત કામ ચાલી રહ્યું હતું ત્યારે કોઈએ ક્રેન ઉપર અચાનક પથ્થર ફેંકતા ડ્રાયવરને ઈજા પહોંચી હતી, પણ વાત ત્યાંથી અટકી નહોતી, કારણ કે એ જ વખતે પ્લેટફોર્મ પર ડાઉન લોકલ ટ્રેન આવતા ક્રેનચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને લોકલ ટ્રેન (મોટરમેનની કેબિન) સાથે ટકરાઈ હતી. જોકે ટ્રેનની સ્પીડ મર્યાદિત હોવા છતાં કેબિન સાથે ટકરાવવાને કારણે મોટરમેનને સામાન્ય વાગ્યું હતું, એમ સત્તાવાર જણાવાયું હતું.
આ મુદ્દે પશ્ચિમ રેલવેનાં અધિકારી કહ્યું હતું કે આ બનાવ શનિવારે નાયગાવ રેલવે સ્ટેશનનાં પ્લેટફોર્મ એક નંબર ખાતે રાતના એક વાગ્યાનાં સુમારે બન્યો હતો. અહીં બ્લોક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જોકે એ જ વખતે કોઈ અસામાજિક તત્ત્વ દ્વારા ક્રેન ઉપર પથ્થર ફેકવાને કારણે અકસ્માત સર્જાયો હતો. અલબત્ત, એક નંબરનાં પ્લેટફોર્મ નજીક રાતના ક્રેન મારફત સ્ટીલના પિલરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એકાએક પથ્થર ક્રેન ચાલકને વાગ્યો હતો અને એમાં ક્રેન ચાલકે સંતુલન ગુમાવ્યું હતું.
સૌથી કમનસીબ બાબત એ હતી કે એ જ સમયે ૧૨.૫૫ વાગ્યાની વિરાર લોકલ ટ્રેન પ્લેટફોર્મ પર એન્ટર થઈ હતી અને ક્રેન ટ્રેન સાથે ટકરાઈ હતી, જેમાં મોટરમેનને જરાક વાગ્યું હતું. સૌથી મોટી રાહતની વાત એ હતી કે ટ્રેન સ્લો હોવાને કારણે કોઈ પ્રવાસીને ઈજા પહોંચી નહોતી, જ્યારે પશ્ચિમ રેલવે પણ મોટી હોનારતમાંથી ઉગરી ગયું હતું. આ બનાવ પછી લોકલ ટ્રેનને વિરાર કાર શેડમાં લઈ જવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.