Homeધર્મતેજસંત ચરિત્ર આલેખનની સુવિશાળ પરંપરા

સંત ચરિત્ર આલેખનની સુવિશાળ પરંપરા

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

આપણે ત્યાં અત્યંત જૂના સમયથી સંત-ભક્તોના ચરિત્રોનું આલેખન કરવાની પરંપરા ચાલી આવી છે. આમ તો આપણા ધર્મગ્રંથો-વિવિધ પુરાણોમાં પણ ધ્રુવ, પ્રહલાદ, હરિશ્ર્ચન્દ્ર, શિબિરાજા, બલિરાજા, નારદ જેવાં અનેક ચરિત્રો લખાયાં છે, પણ ભારતના વિધવિધ પ્રદેશોની જુદી જુદી ભાષ્ાાઓમાં પણ એ પૌરાણિક સંત-ભક્તોના ચરિત્રોની સાથોસાથ મધ્યકાળના સંતો અને ભક્તોનાં ચરિત્રો ‘ભક્તમાળ’ રૂપે વર્ણવાતાં રહ્યાં છે.
જેમાં નાભાજીકૃત ‘ભક્તમાળ’ ઉપરાંત નાથ સિદ્ધોમાંના ગોરક્ષ્ાનાથ, મત્સ્યેન્દ્રનાથ, ગોપીચંદ, ભર્તૃહરિની ચરિત્રકથાઓ મૌખિક કંઠસ્થ પરંપરામાં-ગદ્ય અને પદ્યમાં સાંપડે છે. તો મહાનુભાવ અને વારકરી સંપ્રદાયના સંતો, ચક્રધરસ્વામી, ગોવિંદ પંત, સંત જ્ઞાનેશ્ર્વર, નામદેવ, એકનાથ, તુકારામ તથા અનેક લોક્સંતોના ચરિત્રો મળે છે. મરાઠીમાં આદ્ય સંત ચરિત્ર-મહાનુભાવ સંપ્રદાયના મ્હાઈભટૃ કૃત ‘લીલા ચરિત્ર’ છે.
જૈન ધર્મમાં ‘ત્રિષ્ાષ્ટિશલાકા પુરુષ્ા’ આચાર્ય હેમચન્દ્રાચાર્યજી દ્વારા ચોવીસ જૈન તીર્થંકરો સહિત ૬૩ મહાપુરુષ્ાોની કથાઓ મળે, તો પારસી ‘ઝંદ અવેસ્તા’ના યસ્તોમાં ‘ફર્વર્દોંન’ નામે યસ્તમાં ૩૩૬ મહાત્માઓનાં ચરિત્રો. જેમાં ર૭ તો નારીરત્નોની કથાઓ છે. મુસ્લિમોમાં ‘તજકરતુલ ઓલિયા’ ફારસી ગ્રંથના લેખક મૌલાના શેખ ફરીદ્દુન અત્તારે ત્રણ અરબી ગ્રંથોનો સાર લઈ ૯૬ જેટલા તપસ્વી મુસ્લિમ સંતોના ચરિત્રો આપ્યાં છે. જેનો બંગાળી ભાષ્ાામાં ‘તાપસમાલા’ નામે ૬ ભાગમાં અનુવાદ થયેલો, એ બંગાળી પુસ્તક પરથી ‘મુસ્લિમ મહાત્માઓ’ નામે ગુજરાતી અનુવાદ સસ્તું સાહિત્ય અમદાવાદ તરફથી અને ‘સસ્તા સાહિત્ય મંડલ ન્યૂ દિલ્હી’ તરફથી ‘ંસૂફી સંતો’ નામે હિન્દીમાં તથા ઉર્દૂમાં ‘અનવરૂલ અતક્યિા’ નામે અનુવાદ થયો છે.
સોળમી સદીના ઉત્તરાર્ધમાં ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્ય રૂપ ગોસ્વામી કૃત ‘લઘુભાગવતામૃત’ના ઉત્તર ખંડને ‘ભક્તામૃત’નામે ઓળખાવ્યો છે. એ જ અરસામાં ચૈતન્ય મહાપ્રભુના સમકાલીન દેવકીનંદનદાસે ‘વૈષ્ણવ વંદના’માં વિશેષ્ા ચૈતન્યના ભક્તો સાથે કુલ ર૦ર ભક્તોની ઐતિહાસિક યાદી આપી છે.
‘પરિચયી સાહિત્ય’ કે ‘પરચરી સાહિત્ય’ નામે એક પ્રકાર અસ્તિત્વમાં આવ્યા પછી -અનંતદાસ, સુથરાદાસ, રઘુનાથદાસ વગેરે સર્જકો દ્વારા રચાયેલ વિવિધ પરચરીઓ પ્રાપ્ત થાય છે, જેમાં નાભાજીના ગુરુભાઈ વિનોદીસ્વામીના શિષ્ય અનંતદાસ કૃત ૧૧ જેટલી પરચરીઓમાં ‘પીપા પરચરી’ની રચનાસાલ વિ.સં.૧૬૪પ આપી છે જે નાભાજીથી નજીકની છે. અનંતદાસકૃત પરચરીઓ-૧, ત્રિલોચન પરચરી-ર,નામદેવ પરચરી,૩,કબીર પરચરી- ૪, પીપા પરચરી, પ-રેદાસ પરચરી- ૬,રાંકા-બાંકા પરચરી-૭,ધના પરચરી- ૮, સેઉ-સમન પરચરી- ૯,અંગદ પરચરી-૧૦, ફરીદ પરચરી, અને ૧૧- શબરી પરચરી જેવી રચનાઓ મળે છે.
નાભાજીએ વિ.સં. ૧૬૪૯માં વૃંદાવનમાં ભક્તોનો મેળો અથવા સંતસંમેલનનું આયોજન કરેલું. એ મેળામાં ગોસ્વામી તુલસીદાસજી પણ હાજર હોવાનું કહેવાય છે. એ પછી વિ.સં.૧૬પરમાં મથુરામાં કાજી હરદાસના ભંડારામાં નાભાજીને ‘ગોસ્વામી’ની પદવી પ્રાપ્ત થયેલી. તે પહેલાં જ ‘ભક્તમાળ’ રચનાનો પ્રારંભ થઈ ગયેલો. નાભાજીના કહેવાથી એમના શિષ્ય પ્રિયાદાસજીએ ‘ભક્તમાળ’ની ટીકા ‘ભક્તિરસબોધિની’ છપ્પય છંદમાં લખેલી. વિ.સં.૧૭૬૯ ફાગણ વદી ૭ના રોજ પૂર્ણ કરી. પ્રાચ્ય વિદ્યા મંદિર.મહારાજા સયાજીરાવ વિશ્ર્વવિદ્યાલય,વડોદરા દ્વારા શ્રી સયાજી સાહિત્યમાળાના પુષ્પ તરીકે પ્રકાશિત ‘નાભાજીકૃત ભક્તમાળના ઐતિહાસિક ભક્તો – એક અધ્યયન ભાગ-૧,ર ’ જામનગરના અભ્યાસી શ્રી મૂળશંકર હીરજી કેવલિયા દ્વારા લખાયાં છે.
વૈષ્ણવ સંપ્રદાયમાં મળતી ચોરાશી વૈષ્ણવની વારતા, પ્રણામી સંપ્રદાયમાં જુદાજુદા સર્જકો દ્વારા લખાયેલ ‘વિતક રચનાઓ’ ઉપરાંત લગભગ ભારતની તમામ ભાષ્ાાઓમાં જુદા જુદા સર્જકો દ્વારા વિવિધ પ્રકારની ‘ભક્તમાળ’નું સર્જન થયા ર્ક્યું છે. તો ગુજરાતના રવિ-ભાણ સંપ્રદાયના વિવિધ કવિઓ દ્વારા પણ ‘પરચરી’ પ્રકારની રચનાઓ લખાતી રહી છે. ભોજાભગત કૃત ‘નાની ભક્તમાળ’ જાણીતી રચના છે.
છેલ્લા પાંચસો વર્ષ્ાથી ભારતના સંત-ભક્તોનાં ચરિત્રો અનેક રીતે ગદ્ય તથા પદ્યમાં કાવ્ય, આખ્યાન, નાટક, વાર્તા કે કથા, નૃત્ય નાટિકા, ફિલ્મ઼… એમ વિધવિધ સ્વરૂપો અને પ્રકારોમાં વિવિધ ભાષ્ાાઓમાં રચાતાં આવ્યાં છે. અને એના પર સંકલન, સંપાદન, જીવન, ક્વન, દર્શન, સંશોધન, સંમાર્જન, વિવેચન, અર્થઘટન, કલાપક્ષ્ા, ભાવપક્ષ્ા…એમ અનેકવિધ ક્ષ્ોત્રોમાં- અનેકવિધ દ્રષ્ટિકોણથી- અનેકવિધ કક્ષ્ાાના વિદ્વાનો-અભ્યાસીઓ-સર્જકો-સાધકો દ્વારા ઘણું બધું લખાતું-ગવાતુું-પ્રકાશિત થતું રહ્યું છે. અર્વાચીન સમયના સાહિત્ય સંશોધન, અધ્યયન, વિવેચનના પ્રવાહોમાં હેજિયોગ્રાફીકલ લિટરેચર તરીકે આવાં સંતચરિત્રોને ઓળખવામાં આવે છે. કે જેમાં સંત-ભક્તોની કંઠોપકંઠ દંતકથાઓ તથા ચમત્કારમય ઈતિહાસોનું આલેખન થયું હોય. ઘણીવાર એકના એક પરચાઓ-ચમત્કારો-પ્રસંગો સ્થાનિક સંત-ભક્તો, ભારતીય સંત-ભક્તો અને વિદેશના અન્ય ધર્મ-પંથોના સંત-ભક્તો સાથે જોડાયેલા સાંભળવા કે વાંચવા મળે. ત્યારે સંશોધક મનમાં મુંઝાય કે આવી એક જ સરખી ઘટનાઓ-પરચા-ચમત્કારો અનેક સંતોના જીવનમાં કેમ બની શકે ? પણ આ લોકવિદ્યાનો ઈલાકો છે. લોકો તો પૂજ્યભાવે દરેક સંત-ભક્તને દિવ્ય અવતારી માનીને એની વંદના કરતા હોય છે. લોકમાનસમાં એ સંતચરિત્રોની જીવંત પરંપરા વહેતી આવેલી હોય છે. એવું જ સંત-ભક્તોની વાણી અંગે પણ બનતું રહ્યું છે. લોકભજનિકોના કંઠે અઢળક એવી રચનાઓ કંઠસ્થ પરંપરાથી સચવાઈ રહી છે કે જે આજે પણ
પ્રકાશિત થયેલાં સંશોધન-સંપાદનોમાં જોવા મળતી નથી.
નરસિંહ મહેતાના નામાચરણ સાથે લોકભજનિકોના કંઠે ગવાતી નીચેની ભજન રચના શિવલાલ જેસલપુરા સંપાદિત ‘નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ’માં નથી. રમણ સોની સંપાદિત ‘નરસિંહ કાવ્યચયન’માં પણ નથી. જવાહર બક્ષ્ાીના ‘નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિક્તા’માં નથી. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ’ (ઈ.સ.૧૯૧૩)માં પણ આ રચના નથી જોવા મળી.
જા જા નીંદરા ! હું તને વારું, તું છો નાર ધુતારી રે ..
-જા જા નીંદરા ! હું તને વારું …૦
નીંદરા કહે હું નહી રે ધુતારી, હું છું શંકર નારી રે,
પશુ પંખીને સુખડાં આપું, દુ:ખડા મેલું વિસારી રે..
-જા જા નીંદરા ! હું તને વારું …૦
એક સમે રામ વનમાં પધાર્યા, લખમણને નીંદરા આવી રે,
સતી સીતાને કલંક લગાવ્યું , ભાયુમાં ભ્રાંતું પડાવી રે..
-જા જા નીંદરા ! હું તને વારું …૦
જોગી લુંટયા, ભોગી લુંટયા, લુંટયા નેજા ધારી રે ,
એકલ શૃંગીને વનમાં લુંટયા,નગરના લુંટયા નરનારી રે..
-જા જા નીંદરા ! હું તને વારું …૦
પહેલા પહોરે રોગી જાગે, બીજા પહોરે ભોગી રે ,
ત્રીજા પહોરે તસ્કર જાગે, ચોથા પહોરે જોગી રેેે..
-જા જા નીંદરા ! હું તને વારું …૦
બાર બાર વરસ લખમણે ત્યાગી, કુંભકરણે લાડ લડાવ્યાં રે ,
ભલે મળ્યાં મેતા નરસૈંના સ્વામી, આશ પુરો મોરારી રેેે..
-જા જા નીંદરા ! હું તને વારું …૦

૦૦૦૦૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -