મધુ રાયની વાર્તા -મધુ રાય
જુઠ્ઠાઈ વાર્તાઓ જેમાં છે, તે વાર્તાસંગ્રહ કઉતુકની બીજી આવૃત્તિ હાલ જ પ્રકાશિત થઈ. તેના વિમોચન પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ ફુલ્લી સંસ્કૃતમાં જણાવ્યું કે હરિની જુઠ્ઠાઈ વાર્તા એમને શ્રેષ્ઠ લાગી છે. જહા સાહેબે દર વર્ષે અમને એક ભાણું જમાડવાનું વચન ગુજરાતીમાં પણ આપ્યું છે, ને વખતોવખત જમાડે પણ છે, પરંતુ આ વર્ષે બેત્રણ વાર યાદ દેવડાવ્યા છતાં અધ્યક્ષીય બહાનાં કાઢી એમણે ટાળ્યું છે અને અમને આજે સમજાય છે કે જુઠ્ઠાઈ એમને કેમ શ્રેષ્ઠ લાગેલ છે. હરિને સમજાયું કે પોતાનું આખું નામ હરિશ્ર્ચચન્દ્ર છે, ત્યારથી તેને સત્યનું ઘેલું લાગ્યું ને પછી ડગલે ને પગલે તેને અસત્યનો સામનો કરવો પડે છે ને ભગવાનને ગમ્મત પડે છે. વાર્તામાં સ્પષ્ટ કહેવાય છે કે સાહિત્ય સમસ્ત જુઠ્ઠાઈ છે, એટલે, સાહેબ, આ વારતા પણ સાહિત્ય છે ને આ વાર્તાપણ… એન્જોય!
એક આ પણ હરિની વાર્તા છે
હરિએ ઊંડો શ્ર્વાસ લીધો. હરિને લાગ્યું કે એના જીવનનો મોહ હરાઇ ગયા છે. તેને થયું હતું કે માણસો ખોટું શાથી બોલતા હશે? ખોટું બોલવું દુનિયાનું સેક્ધડ નેચર છે. મોડું કેમ થયું? જરા બાબાને શરદી થઈ હતી. કેમ દેખાયા નહીં તે દિવસે? અરે સાહેબ, ટ્રેન જ ચૂકી ગયો. વહાલી, તું રિયલી મારા લવમાં છે? હા ડાર્લિંગ, તું મને છોડી દેશે તો મારી દશા લંગડા ભિખારી જેવી થઇ જશે. સંસારમાં કોઇ સાચું બોલતું નથી એ સત્યની પ્રતીતિ થતાં હરિ જીવનનો મોહ હારી બેઠો હતો. હરિ હડપચીએ હાથ ટેકવી વિચારોમાં ગરકાવ થઇ ગયો હતો.
ખિસ્સાકોશ ભેટ મળે છે
હરિ સમજણો થયો ત્યારથી એને એક વસ્તુનો ખાસ શોખ હતો. એ વસ્તુનું નામ ‘સત્ય’. હરિએ જાણ્યું કે એનું નામ હરિશ્ર્ચન્દ્ર છે ત્યારથી કોઇ પૂછે કે ક્યાં જાય છે, તો એ જવાબ આપે, ક્યાં એટલે શું? જાય છે એટલે કોણ જાય છે? જવું તમે કોને કહો છો?
આવી બધી પઇડકી કરે એટલે સામેવાળો પોતે હાલતીનો થાય અને હરિને લાગે માઠું.
કોઇ પૂછે કે કાં, હરિયા, કેમ છો? તો હરિ કહેતો, શરીર અંગે પૂછો છો, માનસિક સ્વાસ્થ્ય વિશે જિજ્ઞાસા છે, કે આધ્યાત્મિક કુશળતાની પૃચ્છા છે?
એટલી વારમાં તો પૂછવાવાળો હડી કાઢીને ગયો હોય ભાગી. અને હરિને લાગે માઠું. સાચો જવાબ
નહોતો જોઇતો તો પૂછે છે શા માટે? વખત જતાં હરિએ જોયું કે પૂછવાવાળા ધરાર પૂછતા, અને હરિ પઇડકી કરે એટલે દાંત કાઢતા. હરિને તેથી પણ માઠું લાગે.
હાઇસ્કૂલમાં લંગડીમાં ફર્સ્ટ આવ્યા બદલ કસરતના સાહેબે એને ખિસ્સાકોશ ઇનામમાં આપેલો. એના અભ્યાસથી હરિનો ‘સત્ય’નો આગ્રહ ડબલ થયો. ‘સાચી’ ભાષા! ‘સાચી’ જોડણી! લિખિતંગમાં દીર્ઘ ઇ હોય તો ધ્યાન દોરે. શૈલેષ, સતિષ, અજીત, નવનિત. અમારા બૈરાંછોકરાં ભૂખે મરશે, એવું કોઇ બોલે તો અમારાં કહી અનુસ્વારનો ઉચ્ચાર કરવા સૂચવે. જાહેરાતનાં પાટિયાં, છાપાં અને
ટેક્સબુકોમાં જોડણીની ભૂલો શોધે. એટલે એના દોસ્તારો મશ્કરી કરતા.
હરિ મોટો થયો અને એની પઇડકીની ટેવ ઓછી થતી ગઇ. કેમ છો? સારું છે. ક્યાં જાઓ છો? બસ આ બાજુ જરા. અને એમ હરિને ‘સત્ય’નું ઘેલું ઓછું થયું.
હાથની મિલાવટ
પણ અંદર રહી રહીને થયા કરે, ‘સત્ય’ શું હશે? ‘સત્ય’ શું હશે? માણસો ખોટું કેમ બોલતા હશે? સામેવાળો ખોટું બોલે, આપણે ડોળ કરીએ કે સાચું બોલે છે. સામેવાળો જાણે કે આપણે ખોટેખોટે માથું હલાવીએ છીએ. આપણે બન્ને ખોટેખોટે હાથ મિલાવીએ. આપણા હાથમાં સામેવાળાનો હાથ ખોટો છે. ‘સત્ય’ શું હશે? ‘સત્ય’ શું હશે?
હું ખુરશીમાં છું.
હરિના એક દોસ્તાર વિનુભાઇ. વિનુભાઇને હસાવવાની ટેવ.
વિનુભાઇ, મજામાં છો?
ના, હું ખુરશી માં છું. હીહીહી. જોક કરીને ધક્કો મારે. હીહીહી. ડબલ મીનિંગ ટ્રબલ મીનિંગ નઇ હો! હીહીહી.
વિનુભાઇ સાથે હોટેલમાં જઇએ, અને વેઇટર પાણીના ગ્લાસ મૂકી જાય. જમતાં જમતાં આપણે પૂછીએ, વિનુભાઇ, આ ગ્લાસ તમારો છે?
ના, કમલા વિલાસ હોટેલનો છે! હીહીહી.
હાથ ધોતાં કોઇ પૂછે, અરે, સાબુબાબુ છે કે નહીં?
તો વિનુભાઇ કહે, સાબુ તો છે, બાબુ નથી. હીહીહી.
વિનુભાઇ, શું કરો છો! આજકાલ?
હું શ્ર્વાસ લઉં છું, હીહીહી.
જો કે, તોયે, ઘણું કરીને, નવ્વાણું ટકા
હરિને થયું, સામેવાળાએ ધરેલો હાથ સાચો નથી? હાથ સાચો છે; એની ભાવના સાચી નથી. ‘ભાવના’ એટલે? માણસો ‘જો કે,’ ‘તોયે,’ ‘ઘણું કરીને,’ ‘નવ્વાણું ટકા’ એવી શબ્દોની લંગડીઘોડી વિના બોલતા નથી. એક વાર કમર ઉપર ભેટ બાંધીને બધા તૈયાર થાય, કે કેવળ સત્ય બોલવું! તો? ‘સત્ય’ શું હશે? ‘સત્ય’ શું હશે?
બોમ્બેનો સીન
હરિના એક બીજા મિત્ર હતા, ઘનુભાઇ. ફિલ્મમાં સ્ક્રીન પર લખાણ આવે તે ઘનુભાઇ વાંચી બતાવે, સ્ટારિંગ અમિતાભ બચ્ચન. ઓહો ફાઇન! બહુ મજા આવશે. મ્યુઝિક રાહુલદેવ બર્મન. આ આર. ડી. બર્મન ઇ સચીનદેવ બર્મનનો સન, ખબર છે ને?
ચાલુ ફિલમે વાત કરે તે હરિને ઝેર જેવું લાગે. ઘનુભાઇ બોલી ઊઠે, ઓલો કાંતકને અમિતાભનો સૌતેલો ભાઇ નીકળશે, જોજો ને! કોઇ ડાયલોગ ન સમજાય તો પૂછે, સું કીધું? સું કીધું?
હરિ જવાબ ન આપે. ઘનુભાઇ ધક્કો મારે, સું કીધું?
હરિ ધીમેથી કહે, હમારા રિશ્તા ખૂન સે લિખ્ખા હૈ, રેશમા!
એટલુ સું?
ઇ આગળ ખબર પડસે.
ઓ, એટલે તનેયે ન સમજાણું? મને એમ કે મને જ ન સમજાણું… લે, આ તો બોમ્બેનો સીન આયવો. કાં? અને ઘનુભાઇ એકાએક ત્રાડ પાડે, જો, જો, ડુક્કરો! બોરીબંદર પાસે ક્યું તળાવ છે? બોગસ બોમ્બે બતાવે છે. ફિલ્મમાંથી ઝીણી ઝીણી જુઠ્ઠાઇયું ચીંધીને કાગારોળ કરે.
ચાનક
હરિના જીવનનો મોહ હરાઇ ગયો. એની ચાનક જતી રહી હતી. ખોટું બોલવાની રમત છે, આ સંસાર! હરિએ સખેદ માથું ધુણાવ્યું. જીવનમાં સાર શો? હરિ હડપચીએ હાથ ટેકવી બેઠો હતો. એને વહાણના વિચાર આવ્યા, અમેરિકન સંદેશનાં લીસાં, રંગીન ફોટોવાળા પાનાનું, છરાવાળું વહાણ.
સાચી ફીલિંગ તે સત્ય
ત્રીજા એક ફ્રેન્ડ હતા મનુભાઇ કહેતા. છાપામાં છપાય ઇ બધું સાચું નહીં હોં, યુ નો? આ ગોરબાચેવ અંદરથી સું છે, ખબર છે? અમેરિકાનો સ્પાઇ છે, સ્પાઇ.
કોઇ પૂછે, એમ કયા આધારે કહી શકો?
ગોરબાચેવનું કોમ્યુનિઝમ રીયલ કોમ્યુનિઝમ છે? આલબેનિયા જુઓ, આલ્બેનિયા! ચોખ્ખું પ્યોર કોમ્યુનિઝમ ! આ માણસ તો કેપિટલાલિઝમનો પિઠુ છે.
આલબેનિયા ક્યાં આવ્યું?
લ્યો, ઇયે ભાન ન હોય તો મારો ટાઇમ વેસ્ટ ન કરો! ઇન્ડિયાનો ટુ્ર પ્રોબ્લેમ ઇ છે કે રિયાલિટીની કોઇને પડી નથી! ફેક્ટ કોઇ ચેક કરતું નથી! ટ્રૂથની કોઇને પરવા નથી! કેમ હરિભાઇ?
સાચું.
હરિભાઇ, જાહેરખબરૂંયે બધીયું સાચી નથી હોતી, સમજ્યા? મનુભાઇ પાટિયાં પર, દીવાલ પર, ટોકિઝમાં, ચોપાનિયાંમાં કે છાપાંમાં, જાહેરખબર જુએ અને એમનો પિત્તો જાય. આ તેલથી વાળ ખરતા અટકતા નથી; આ દવાથી ઉધરસ દૂર થતી નથી; આ હિરોઇન આ સાબુ વાપરતી નથી. ખોટ્ટાબોલીના પેટના છે, રાંડનાઉં.
છરાવાળું વહાણ
હરિભાઇ વહાણ બનાવવા બેઠા. હરિભાઇ આમ વહાણ બનાવતા બેઠા હોય ને એમનું યુગવિમાન, નામે ‘સમ્રાટ જયસિંહ’ એ ઓબઝવ કરે. અમેરિકન સંદેશ કે સોવિયત દેશ મફત આવતાં તો હરિ એનું વહાણ બનાવતા. કોઇ ચશમાંવાળા ભાઇનો ફોટો અમુક રીતે કપાઇને ત્રાંસમાં વહાણની બહાર દેખાય અને બાકીનું વહાણ છપાઇથી ભરેલું હોય તે પણ એક જાતની ટોપ ડિઝાઇન બનતી.
હરિએ નોટબુકમાંથી કોરો કાગળ ફાડ્યો. ચાલો આજે વળી કાંઇ નવું જોવા મળશે. વહાણ બની ગયું; હરિભાઇએ એનાં પાંખિયાં ખેંચીને નીચેથી ત્રિકોણિયો છરો કાઢી જોયો. છરો જેવો કે નીચે આવ્યો કે –
હરગોવનદાસ ત્રિભોવનદાસ મચકણિયાએ જલારામ મુદ્રણાલયમાં છાપી, સંતોષી માતા પ્રકાશન, હવાઇ ચોક, જામનગર એ સ્થળેથી પ્રસિદ્ધ કર્યું.