Homeવેપાર વાણિજ્યવિદેશી હૂંડિયામણની અનામતમાં ૧૨.૮ અબજ ડૉલરનો ઉછાળો

વિદેશી હૂંડિયામણની અનામતમાં ૧૨.૮ અબજ ડૉલરનો ઉછાળો

(વાણિજય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત તા. ૧૭ માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહે દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૧૨.૭૯૮ અબજ ડૉલર વધીને ૫૭૨.૮૦૧ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું આજે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ સાપ્તાહિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે અનામત ૨.૩૯ અબજ ડૉલરના ઘટાડા સાથે ત્રણ મહિનાની નીચી ૫૬૦.૦૦૩ અબજ ડૉલરની સપાટીએ પહોંચી હતી.
જોકે, આ પૂર્વે ઑક્ટોબર, ૨૦૨૧માં દેશની વિદેશી હૂંડિયામણની અનામત ૬૪૫ અબજ ડૉલરની વિક્રમ અથવા તો ઐતિહાસિક ઊંચી સપાટીએ રહી હતી, પરંતુ વૈશ્ર્વિક પરિબળોને કારણે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં થઈ રહેલા ઘસારાને ખાળવા માટે રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા દ્વારા હાજર બજારમાં ડૉલરમાં વેચવાલી રહેતાં અનામતમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો.
દરમિયાન સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણની અનામતમાં મોટો હિસ્સો ધરાવતી વિદેશી ચલણી અસ્ક્યામતો ૧૦.૪૮૫ અબજ ડૉલર વધીને ૫૦૫.૩૪૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ડૉલર ઉપરાંત યુરો, પાઉન્ડ અને યૅન જેવાં ચલણો સામે રૂપિયામાં થયેલી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
વધુમાં સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામત ૨.૧૮૭ અબજ ડૉલર વધીને ૪૪.૧૦૯ અબજ ડૉલરની સપાટીએ, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ ૯.૮ કરોડ ડૉલર વધીને ૧૮.૨૧૯ અબજ ડૉલરના સ્તરે અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથેની અનામત ૨.૯ કરોડ ડૉલર વધીને ૫.૧૨૫ અબજ ડૉલરના સ્તરે રહી હોવાનું રિઝર્વ બૅન્કે યાદીમાં ઉમેર્યું હતું. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -