Homeધર્મતેજજીવન સમયની સાથે ચાલતી યાત્રા: થોડો થોડો ભાર હળવો કરતા રહીએ

જીવન સમયની સાથે ચાલતી યાત્રા: થોડો થોડો ભાર હળવો કરતા રહીએ

સૌથી મહત્ત્વની બાબત સ્વાસ્થ્ય, પરિવાર અને સંબંધો

જિનદર્શન -મહેન્દ્ર પુનાતર

નવા વર્ષની ઉજવણી પૂરી થઈ ગઈ. હવે ઈચ્છાઓ, અપેક્ષાઓ, નિરાશાઓ અને વ્યથાને ખંખેરીને નવી આશા, ઉમંગો, અરમાનો, દૃઢ સંક્લ્પ અને વિશ્ર્વાસ સાથે નવા વર્ષના નવા સમયમાં પ્રયાણ કરીએ. જીવન એક યાત્રા છે. થોડો થોડો ભાર હળવો કરતાં જઈશું તો આનંદ અને ખુશી સાથે આગળ વધી શકીશું.
હાલનાં સમયમાં તનાવ, સહનશક્તિનો અભાવ, ચિંતા અને ભય વધી રહ્યો છે. સૌ કોઈ પોતાના કહેવાતા સુખની શોધમાં છે. કોઈને ઈચ્છિત સુખ પ્રાપ્ત થતું નથી. સુખના એક પગથિયે ચડીને ત્યાં સુખ બીજા પગથિયે ચડીને બેસી જાય છે. સુખ અને દુ:ખ એક વૃક્ષના બે હિસ્સા છે. જીવન વૃક્ષને બચાવવું હશે તો બંને હિસ્સાને સાચવવા અને સ્વીકારવા પડશે.
ભૂત અને ભવિષ્ય કરતા વર્તમાન સમય આપણે માટે ખૂબ મહત્ત્વનો છે. દરેક દિવસ આનંદ અને ખુશીમાં જવો જોઈએ. આનંદ અને ખુશી માત્ર પાર્ટીઓ, મનોરંજન કે હરવા-ફરવામાં અને જલસા કરવામાં નહીં પરંતુ આપણે જે પણ કામ કરીએ તેમાંથી પણ આનંદ મેળવતા શીખવું જોઈએ. માત્ર આપણા સુખમાં નહીં બીજાના સુખમાં પણ આનંદની અનુભૂતિ થવી જોઈએ. બીજાને સહાય અને મદદ કરવામાં આનંદ અને ખુશીનો જે અહેસાસ થશે તે અનોખો હશે.
આપણે રોજિંદા પ્રવૃત્તિમાં જે કંઈ કરીએ તેમાં સભાનતા સાથે રસપૂર્વક ઓતપ્રોત થઈ જઈએ તો તેનો કશો ભાર લાગશે નહીં અને કામ પણ સારું થશે. આરામ, નિંદ્રા, ભોજન, વાંચન, મનોરંજન કે પ્રભુભક્તિ આ તમામમાં મન કેન્દ્રિત થાય તો આ કાર્ય સારું થઈ શકશે અને સંતોષનો અનુભવ થશે.
વહેવારમાં બીજા હિસાબો સાથે જીવનનો હિસાબ કાઢીને નિરીક્ષણ કરતાં રહીએ અને ભૂલો અને ક્ષતિઓને સુધારતા રહીએ અને વિચારીએ કે આજે મારાથી વેપાર, ધંધામાં કુટુંબ પરિવારમાં કે સામાજિક સંબંધોમાં
કાંઈ ખોટું તો થયું નથી ને ? કાંઈ ઊણપ રહી ગઈ હોય તો તેને સુધારવા પ્રયાસો કરીએ. કોઈનું ભૂલથી ખરાબ થઈ ગયું હોય, મન દુભાયુ હોય કે ગેરસમજ થઈ હોય તો તુરત તેનું નિરાકરણ કરીને માફી માંગી લેવામાં ડહાપણ છે. નહીંતર પૂર્વગ્રહ અને ગેરસમજનો સિલસિલો ચાલુ રહેશે અને પરેશાની વધશે. ઘાવ વકરે એ પહેલાં તેનો ઈલાજ થઈ જવો જોઈએ. મનનાં ઘાવ જલ્દીથી રૂઝાતા નથી.
સમય પાણીના રેલાની જેમ ઝડપથી પસાર થતો રહે છે આજે જે સમય છે તે આવતીકાલે રહેવાનો નથી તેથી તેનો સદુપયોગ કરવો હિતાવહ છે. વેપાર વ્યવસાય, કુટુંબ પરિવાર કે સંબંધોમાં આપણે જે કાંઈ પણ કરીએ તેનું ભવિષ્યમાં શું પરિણામ આવશે, આ બધી વસ્તુઓ મારી અને મારા પરિવારની સુખાકારી સાથે સંકળાયેલી છે કે કેમ તેનો પણ અંદાજ કાઢતાં રહેવું જોઈએ.
સૌથી મહત્વની બાબત સ્વાસ્થ્ય, પરિવાર અને સંબંધો છે. ધન, કીર્તિ, શાન શોહરત આ બધું આપણા કાર્ય અને પુરુષાર્થની આડ પેદાશ છે. તેની પાછળ પડવાની જરૂર નથી. સફળ થઈશું તો આ બધું એની મેળે આવી જશે. આરોગ્ય, પરિવાર અને સંબંધો તૂટશે તો તેને જોડવાનું મુશ્કેલ છે. શરીર સારું હશે તો બધું ગમશે. ખાવા, પીવા, હરવા-ફરવા અને જીવનની બધી પ્રવૃત્તિમાં આનંદ અનુભવી શકાશે સ્વાસ્થ્ય સારું નહીં હોય, હાથ પગ ચાલતાં નહીં હોય અને દવા પર જીવવું પડશે તો ધન, સંપત્તિ, સાધનો, સગવડતાઓ કશું કામ લાગશે નહીં.
આવું જ પરિવારનું છે. પરિવાર મોટી તાકાત છે. જીવન એકબીજાના સહકાર પર ચાલે છે. પરિવારથી દૂર થઈ જઈશું તો ફેંકાઈ જઈશું. પાછલી ઉંમરે આ બધાનો અહેસાસ થશે. આપણે ભલે જુદાં રહેતા હોઈએ પણ પરિવાર સાથે જોડાયેલા રહીશું તો આનંદ અને ખુશી મળશે. દુ:ખ અને આફતના સમયમાં પારકા નહીં પોતાના જ કામ લાગે છે.
જીવનની કેટલીક બાબતો આપણા અંકુશ બહાર હોય છે. સમય અને પરિસ્થિતિ અનુસાર કેટલીક ઘટનાઓ બનતી હોય છે. કેટલીક વખત આપણને લાગે છે કે આપણી કાંઈ ભૂલ નથી કાઈ વાંક નથી અને આમ કેમ બન્યું, આપણે કેમ સહન કરવું પડ્યું? જીવનમાં જે કાંઈ બને છે અને પરિણમે છે તે ભૂતકાળની કોઈને કોઈ ભૂલ અને ક્ષતિઓનું સંયોજન હોય છે જે આપણને દેખાતું નથી. આ દુનિયામાં કારણ વગર કશું બનતું નથી. સારું કરતા રહીશું તો સારા પરિણામો મળતા રહેશે. દરેક ક્ષતિ અને ભૂલ આપણને નવો બોધપાઠ આપતી હોય છે. તેમાંથી શીખતા રહેવું જોઈએ. જીવન મોટી પ્રયોગશાળા છે. જીવનનું જ્ઞાન અદ્ભુત છે.
વર્તમાનમાં જીવવું, આજને માણવી તેનો અર્થ એ છે કે જે સમયે જે કામ કરતા હોઈએ ત્યાં દિલથી અને મનથી તેમાં તરબોળ થઈ જવું. તેનું સારું પરિણામ અનુભવી શકાશે. સુખ અને દુ:ખ આપણને વિભાજિત કરી નાખે છે. સુખ હોય ત્યારે પણ અંદરખાને એક યા બીજા કારણોસર દુખનો અનુભવ થતો હોય છે. સતત સુખમાં અને સતત દુ:ખમાં રહી શકાતું નથી. ગમે તેવું દુ:ખ હોય સમય જતાં ભુલાઈ જતું હોય છે. પરિસ્થિતિ અને સમય મુજબ બધું બદલાયા કરે છે. આમાં આપણે ફીટ થતા રહેવું જોઈએ. એક ચોકઠામાં પુરાઈ રહીશું તો દુનિયા સાથે કદમ નહીં મિલાવી શકીએ. હર પળે દુનિયા બદલતી રહે છે. આજે જે છે તેના કરતાં આવતીકાલે કંઈક નવું હશે અને કાંઈક જૂનું ખતમ થયું હશે. કોઈપણ પ્રવૃત્તિ મનથી અને રસપૂર્વક થાય ત્યારે તેનો આનંદ અનોખો હોય છે. નહિતર જે કંઈ પણ કરશું તે બોજો બની જશે.
નાની નાની વાતોમાં પરેશાન થવાનું છોડી દઈએ. કોઈ વસ્તુ જલદીથી ન મળી કે ખોવાઈ ગઈ, બીજાને સોંપેલું કામ ન થયું, ઘરમાં કામ કરવાવાળી બાઈ આવી નહીં, ડ્રાઇવર મોડો આવ્યો કે ટ્રાફિકમાં ફસાઈ ગયા તો ખોટી ચિંતા કરવાની જરૂર નથી. તેનાથી આસમાન તૂટી પડવાનું નથી. જેના કારણે કોઈ મોટું નુકસાન કે દુ:ખ આવી પડવાનું નથી તે અંગે પરેશાન થવાનો કોઈ અર્થ નથી. આમાં પણ કેટલાક લોકો પરેશાન થતાં
હોય છે.
જે કરીએ તે દિલ દઈને કરીએ અને તેમાં ધ્યાન કેન્દ્રિત કરીએ. કેટલાક માણસો જમતા હોય, ટીવી જોતા હોય, કે ફરવા ગયા હોય, પાર્ટીમાં કે મોજમજા કરવા ગયા હોય ત્યાં પણ તે બહુ ગંભીર મુખ ધારણ કરીને બેઠા હોય છે. તેમના મનમાં વિચારોના તરંગો ચાલ્યા કરતા હોય છે. તેઓ એક કામ કરતા હોય છે અને મન બીજા કામમાં હોય છે. તેઓ કશાનો આનંદ માણી શકતા નથી. કોઈ પણ કાર્યમાં જ્યારે તમે મનથી સામેલ નહીં થઈ શકો ત્યાં સુધી તેનો રસ માણી નહીં શકો. આપણે દુ:ખ અને વિષાદમાં હોઇએ ત્યારે ભોજન ગમે એટલું સારું હોય પણ મોઢે લાગતું નથી. તેમાં કોઈ સ્વાદ આવતો નથી.
ઓફિસ અને ઘર બંને મુકામો જુદા છે. ઓફિસનો ભાર ઘરમાં લાવો નહીં અને ઘરની ચિંતા ઓફિસમાં સાથે લઈ જાવ નહીં. કામ પર હો ત્યારે ઘરની ખોટી ચિંતા કરો નહીં અને ઘરમાં હો ત્યારે ઓફિસ અને કામને ભૂલી જાવ અને પરિવાર અને બાળકો સાથે આનંદ માણો. દરેક જગ્યાએ ચિંતાઓના પોટલાઓ માથા પર લઈને ફરવાની જરૂર નથી. ચિંતા કરવાથી પ્રશ્ર્નો ઉકલી જતા નથી
મોટાભાગના લોકો હાથે કરીને કારણ વગર હતાશા, બેચેની અને વ્યથા અનુભવતા હોય છે. કેટલાક માણસોનો સ્વભાવ જ એવો બની ગયો હોય છે. તેમને વાત વાતમાં પણ ખોટું લાગી જાય, ઓછપ અનુભવાય, કોઈ વાતમાં સારું લાગે નહીં. તેવો સુખમાં પણ દુ:ખને શોધી કાઢે છે.
મોટા સુખની લાયમાં નાના નાના સુખોને જતા કરવા એ ખોટનો ધંધો છે. દરેક પરિસ્થિતિમાં પ્રસન્નતાનો અનુભવ કરીએ અને જે કાંઈ પ્રભુની કૃપાથી મળ્યું છે તે કોઈપણ જાતના દંભ વગર માણીએ તો જીવન જીવવા લેવું લાગશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -