નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
બાળપણમાં સાંભળેલી અનેક ખોફનાક ચિત્ર-વિચિત્ર વાર્તાઓ અને દંતકથાઓમાંની એક એ સમયે અમારા રૂવાંડા ખડાં કરી દેતી, ઠંડી હોય કે ગરમી પરસેવાના રેલા નીકળતા અને અમે એ જાનવરના નામ અને તેના કામની કલ્પના માત્રથી ધ્રૂજી જતા. બાળકોને ધંધાસગડ રાખવા માટેની માની મથામણોમાં ક્યારેક ખોફનાફ વાઘ, દીપડા અને સો માથાવાળા દૈત્યની વાર્તાઓ સિવાય એક ખોફનાક દૈત્ય જેવું પ્રાણી પણ અવારનવાર આવી જતું. માનું વર્ણન ચાલુ થાતું “અમાસની ઘોર અંધારી રાત્રે કાસમ બહારગામથી હાઈવેથી પોતાને ગામડે જવા ચાલતો નીકળ્યો. જલદી પહોંચવાની લહાયમાં કાસમે કબ્રસ્તાનમાંથી પસાર થતો ટૂંકો રસ્તો પકડ્યો. જેમ જેમ કબ્રસ્તાન નજીક આવતું ગયું તેમ તેમ કાસમનો ગભરાટ વધતો ગયો… એકાએક કબ્રસ્તાનની દીવાલ પાસેના ઘનઘોર વડલામાંથી ઘુવડ બોલ્યું અને એટલામાં સીમમાંથી થોડા શિયાળવા એક સાથે લાળી કરવા લાગ્યાં… કાસમ ધ્રૂજી ગયો અને નીચું માથું કરીને આગળ વધ્યો. એકાએક તેની સામે એક તાજી કબરની માટી હલવા માંડી અને એ જમીનમાંથી એક હાથ બહાર નીકળ્યો… કાસમ ઓય મા કરીને ત્યાં જ બેભાન… પછી કાસમને બીજે દાડે ખબર પડેલી કે તે રાત્રે કબ્રસ્તાનમાંથી મડદું બહાર નહોતું આવ્યું પણ ઘોરખોદીયાએ એ કબર ખોદીને મૃતદેહને બહાર કાઢેલો!
આજના આપણા નિનાદનો નાયક છે ઘોરખોદિયું. ઘોર એટલે કબર અને કબર ખોદીને મૃતદેહ ખાનાર પ્રાણી એટલે ઘોરખોદીયું. આ પ્રાણીનું અંગ્રેજી નામ છે ‘ઈન્ડિયન હની બેજર’. કોઈ પણ પ્રાણી કે પંખીના નામ સાથે હની એટલે કે મધ જોડાય એટલે સમજી લેવાનું કે તે પ્રાણી કે પંખીના ખોરાકમાં મુખ્ય પસંદગી મધની હશે. આપણા ઘોરખોદિયાના પ્રિય ખોરાકમાં પણ મધનો સમાવેશ થાય છે. પણ આપણે મધનું નામ આવે એટલે ‘રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી’ કાવ્ય જ યાદ આવે, કારણ કે પ્રાણીઓમાં મધ માત્ર રીંછ જ ખાય એવી માન્યતા છે.
હની બેજરને મધ પ્રિય ખરું, પરંતુ હકીકતે ભોજન બાબતે તે ખૂબ જ કુખ્યાત છે. વૈજ્ઞાનિકો કહે છે કે ઘોરખોદિયા તેની ઝપટે ચડે તે તમામ જીવનો શિકાર કરીને પોતાનું પેટ ભરે છે. તેના ખોરાકમાં જીવડાં, ઇંડા, છોડવા, મૂળિયાં, કંદમૂળ, સાપ-દેડકાં-કાચબા અને કોઈ પણ મૃતદેહ એમ સર્વાહારી છે. ઘોરખોદિયું હકીકતે કબરો ખોદીને મૃતદેહો ખાય છે કે નહીં તે વાતને બાજુ પર રાખીએ તો, એક હકીકત એવી પણ છે કે આ પ્રાણી જમીનમાં દર બનાવીને ઊંડી બખોલમાં રહે છે. ઘોરખોદિયા ખૂબ ચોખલિયા હોય છે અને પોતાની ગુફાને ખૂબ જ ચોખ્ખી રાખે છે. વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે ઘોરખોદિયા જે વિસ્તારમાં કુટુંબ કબીલા સાથે જાતે ખોદેલી ગુફાઓમાં રહેતા હોય છે ત્યાં બહારની તરફ એક સામૂહિક શૌચાલય જેવી જગ્યા નક્કી કરેલી હોય છે અને તેઓ શૌચક્રીયા માટે એ જગ્યાનો જ ઉપયોગ કરે છે. અમુક ગુફાઓમાં તો ઘાસની પથારી બનાવીને સૂતા નમૂનાઓ પણ રેકોર્ડ થયા છે.
ઘોરખોદિયાના દાંત અને તેના આગળના બે હાથના ખૂબ મોટા નખ તેમને ખૂબ ભયાનક બનાવે છે. તેમના નખ ગમે એટલી કઠણ જમીન ખોદવાની સુવિધા આપે છે અને મજબૂત દાંત તેમને સિંહ સામે લડી લેવાની શક્તિ અને હિંમત આપે છે. અરે યાર શું ગપગોળા છોડો છો… સિંહ સામે? કહેવાય છે કે ઘોરખોદિયુ ભલે શરમાળ પ્રાણી હોય, એકલું એકલું ફરતું હોય પણ જો તેનો શિકાર કરવા અથવા અન્ય કારણસર તેના પર હુમલો થાય તો તેણે સિંહને પણ બરોબર જવાબ આપીને પોતાનો બચાવ કર્યાના વીડિયો પણ રેકોર્ડ થયેલા છે. આફ્રિકાના ભયાનક રણ પ્રદેશમાં ખતરનાક સ્પીટીંગ કોબ્રાના શિકાર કરતા
પણ જોવા મળ્યા છે. કાચબાની ઢાલ પોતાના દાંતો વડે ફાડી નાખી શકે તેટલા મજબૂત દાંત ભગવાને તેને આપ્યા છે. તાકાત તો આપી પણ માનસિક હિંમત પણ આપી છે કુદરતે. સૌરાષ્ટ્રની કહેવત “કા બાધ, કાં તો બાધવા વાળો દે ને ઘોરખોદિયું સાર્થક કરે છે. તેના પર કોઈ હુમલો કરે તો પણ તે પાછુ પડ્યા વગર લડાઈ કરે છે અને ભૂખ લાગી હોય અને શિકાર પર હુમલો કરવાનો હોય તો પણ તે લડાઈ કરવામાં
પાછું પડતું નથી.
કુદરતે તેને એક અજીબ બચાવ પ્રયુક્તિ પણ આપી છે. તેને સ્મેલ બોમ્બ કહે છે. ઘોરખોદિયાભાઈ જો લડવાના મૂડમાં ન હોય અથવા એને એમ લાગે કે પોતે જીતી શકે એમ નથી અને નવ-દો-ગ્યારા કરવાનો ટેમ થઈ ગયો છે તો પોતાના શરીરમાંથી ભયાનક ગંધ છોડતું પ્રવાહી છાંટે છે અને એની આડમાં તે ગુપચુપ સરકી જાય છે. ગુજરાત અને ભારતમાં વસતા આ શિકારી જીવને પ્રકૃતિ પ્રેમીઓ ‘લેસર કાર્નિવોર’ એટલે કે ‘નાના માંસાહારી’ તરીકે માન આપે છે અને ગુજરાતમાં તેમના પર ખાસ સંશોધનો થયાં નથી. એ દિવસ અને રાત્રે એમ બન્ને સમયે પ્રવૃત્ત રહેતું હોવા છતાં શરમાળ જીવ હોવાને કારણે મોટે ભાગે તે રાત્રે જ વધુ સક્રિય રહેતું હોય છે. તેથી… તમારે જો મોડી રાત્રે કબ્રસ્તાનમાંથી પસાર થવાનું હોય અને કોઈ કબરમાંથી મડદું બેઠું થાય તો ડરના માર્યા ભાગતા પહેલા એક વાર વિચાર કરજો… શક્ય છે તમને આપણો આજનો હિરો જોવા મળી જાય…