ઑસ્કારમાં ભારતની ‘બલ્લે બલ્લે’
આરઆરઆરના ગીત ‘નાટુ નાટુ’ અને શોર્ટ ફિલ્મ એલિફન્ટ વ્હીસ્પર્સને ઑસ્કાર અવૉર્ડ્સ એનાયત
—
નવી દિલ્હી: ભારતની બે ફિલ્મોને ઑસ્કાર અવૉર્ડના રૂપમાં આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું. સોમવારે તેલુગુ તથા અન્ય ભાષાઓમાં રચાયેલી ફિલ્મ આરઆરઆરના ગીત ‘નાટુ નાટુ’ને સંગીતની ‘બેસ્ટ ઓરિજિનલ સૉન્ગ’ કેટેગરીમાં અને ‘એલિફન્ટ વ્હીસ્પર્સ’ને શોર્ટ ફિલ્મની કેટેગરીમાં એકેડેમી અવૉર્ડ એનાયત કરવામાં આવતાં ઑસ્કારના ઇતિહાસમાં ભારતે વધુ બે ચિત્રપટોનાં નામ નોંધાવ્યા હતા. આ સફળતાને બૉલિવૂડ સિવાયના સિનેમા અને નોન-ફીચર ફિલ્મના વધતા પ્રભાવનું પ્રતિક ગણવામાં આવે છે.
પહેલી વખત ભારતના બે પ્રોડક્શન્સને સિનેમાની દુનિયાનું સૌથી મોટું ઇનામ પ્રાપ્ત થયું છે. સોમવારે લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં ચાર મિનિટના તેલુગુ ટ્રૅક ‘નાટુ નાટુ’નો ડાન્સ રજૂ કરાયો તે પૂર્વે એ ગીતનો પરિચય અભિનેત્રી દીપીકા પદુકોણે આપ્યો હતો. એ વખતે ઉત્સાહથી ચીચીયારીઓ પાડીને આનંદ વ્યક્ત કર્યો હતો.
૯૫મા એકેડેમી અવૉર્ડ્સમાં એશિયન ફિલ્મોનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો હતો. ડૉક્યુમેન્ટરી ફીચર કેટેગરીમાં ભારતના શૌનક સેનના ક્લાઇમેટ ચેન્જના વિષય પરનું દસ્તાવેજી ચિત્રપટ રશિયાના અસંતુષ્ટ નેતા એલેક્સેઇ નવાલ્ની વિશેના કૅનેડાના દસ્તાવેજી ચિત્રપટ સામે સ્પર્ધામાં હારી ગયું હતું. તેલુગુમાં ‘નાટુ નાટુ’ અને હિન્દીમાં ‘નાચો નાચો’ નામે વિખ્યાત ગીત એસ.એસ. રાજામૌલીની ફિલ્મમાં છે. ગીતકાર ચંદ્રાબોસે લખેલું અને સંગીતકાર એમ.એમ. કીરવાનીએ તર્જબદ્ધ કરેલું આ ગીત ઑસ્કાર જીતનારું ચોથું બિનઅંગ્રેજી ગીત છે. વર્ષ ૨૦૦૯માં ફિલ્મ ‘સ્લમડૉગ મિલ્યનેર’નું ગીત ‘જય હો’ ઑસ્કાર જીતનારું પ્રથમ બિનઅંગ્રેજી ગીત બન્યું હતું. કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુણિત મોંગાની શોર્ટ ફિલ્મ ‘એલિફન્ટ વ્હીસ્પર્સ’ તામિળનાડુના અભયારણ્યમાં ત્યજી દેવાયેલા મદનીયા (હાથીના બચ્ચા)ના માણસો જોડે સ્નેહસંબંધની કથા છે. ડૉક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઑસ્કાર અવૉર્ડ જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ ‘એલિફન્ટ વ્હીસ્પર્સ’ છે.
બે ભારતીય ફિલ્મોને ઑસ્કાર અવૉર્ડ્સ પ્રાપ્ત થવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, કૉંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી, તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંર્દસેખર રાવ અને રજનીકાંત તથા શાહરુખ ખાન જેવા મહાનુભાવોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટ્સમાં ખુશી વ્યક્ત કરતાં સંબંધિતોને અભિનંદન આપ્યા હતાં. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ભારતની બે ફિલ્મોને આંતરરાષ્ટ્રીય સન્માન બદલ અભિનંદનના સંદેશાથી છલકાતી હતી. (એજન્સી)