મુંબઇ પોલીસે એક હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપી પાડ્યું છે. આ બનાવમાં છાપામારી બાદ પોલીસે એક ભોજપુરી અભિનેત્રીની ધરપકડ કરી છે. બીજી બાજુ આવા કાળા ધંધામાં જબરદસ્તી ઘકેલવામાં આવેલી 3 મોડેલ્સને પોલીસે રેસ્ક્યૂ કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ભોજપુરી અભિનેત્રીની ઓળખ સુમન કુમારી તરીકે થઇ છે અને તે આ આખા સેક્સ રેકેટમાં દલાલ તરીકે કામ કરતી હતી.
મુંબઇ પોલીસની સોશિયલ સર્વિસ બ્રાન્ચે આ કિસ્સામાં રેડ કરી હતી. પોલીસના ખબરીએ સૂચના આપી હતી કે આરે કોલોની વિસ્તારમાં આવેલ રોયલ પામ હોટેલમાં સેક્સ રેટેક ચાલે છે. પોલીસે એક ડમી કસ્મટર ઊભો કરી સુમન કુમારી પાસે મોકલ્યો હતો. સુમન કુમારીએ એ ડમી કસ્ટમર સાથે ડીલ કરી. જેમાં તેણે કહ્યું તેની મોડેલ્સ 50 થી 80 હજાર રુપિયા ચાર્જ કરે છે.
ડીલ ફિક્સ થયા બાદ સુમન કુમારીએ ડમી કસ્ટમર બનીને આવનાર પોલીસ કર્મચારીને આરે કોલોનીમાં આવેલ પામ હોટલમાં મોકલ્યો. હોટલના એક રુમમાં બધી મોડેલ્સ હાજર હતી. દરમિયાન પોલીસે આ જ જગ્યાએ સુમન કુમારીને પૈસા લેતાં રંગે હાથ ઝડપી પાડી હતી. અને હોટેલમાંથી ત્રણ મોડેલ્સને રેસ્ક્યુ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરવામાં આવેલ ત્રણે મોડેલ્સ ફિલ્મોમાં કારકીર્દી બનાવવા માટે દેશના અલગ અલગ શહેરોમાંથી આવી હતી. તે કપરાં સમયથી ગુજરી રહી હતી. તેમને પોતાની લાઇફસ્ટાઇલ મેન્ટેન કરવા માટે પૈસાની જરુર હતી. આ વાતનો ફાયદો ઉઠાવી સુમન કુમારીએ આ મોડેલ્સને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી હતી. સુમન કુમારીએ આ મહિલાઓને ફિલ્મમાં કામ અપાવવાનો વાયદો કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે સુમન કુમારી ઘણી ફિલ્મોમાં દેખાઇ છે. તેણે લૈલા મજનુ અને બાપ નંબરી બેટા દસ નંબરી જેવી ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. સુમન એક્ટ્રેસ હોવાની સાથે સાથે સિંગર પણ છે. તેણે હિન્દી, પંજાબી અને ભોજપુરી સહિત અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે.