ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
એક સમયે ભારતીય પરંપરામાં લગ્ન માટે પાત્રોની પસંદગી વડીલો કરતા ધીમે ધીમે બંને પાત્રોને જોવા મળવા અને પસંદ કરવાની છૂટ મળવા લાગી. કૌટુંબિક લગ્નપ્રસંગમાં ઘરના વડીલો પ્રસંગ પર સારા પાત્રની શોધ માટે નજર રાખતા. ધીમે ધીમે સંયુક્ત કુટુંબનું ગૌરવ લેતાં ભારતીય પરિવાર મોટેભાગે ન્યુક્લિયર બનતા ગયા. પરિવાર નાના બનતા સગાસંબંધીઓ તથા સમાજમાં સંપર્કો ઘટવા લાગ્યા
પરિવારના સંપર્કો ક્લોઝ ફ્રેન્ડ ગ્રુપ સુધી સીમિત થવા લાગ્યા, સિંગલ મધર કે સિંગલ ફાધર રોજગારી માટે જાય કે સમાજ સાથે સંબંધ બાંધે? લવમેરેજ, શહેરીકરણ, અભ્યાસ માટે દૂર જવું જેવાં કારણોસર વ્યક્તિ પોતાના સમાજથી દૂર થવા લાગી.
આ સમયે સમાજના મેળાવડામાં યોગ્ય પાત્રોની શોધ શરૂ થવા લાગી, પણ અગમ્ય કારણોસર સફળતાનું પ્રમાણ નોંધપાત્ર નથી.
એક કારણ એ પણ હોય કે પોતાના સમાજ કે કુટુંબ સાથે વ્યસ્તતા વચ્ચે તથા જૂના કોઈ વિવાદમાં ઉષ્માભર્યા સંબંધ રહ્યા નથી. ઘણાં બાળકો પોતાના સંબંધીઓને કઝિન તરીકે જાણતા હોય છે પણ એક્ચ્યુઅલ સંબંધ શું થાય એ જાણતા હોતા નથી
ભારતમાં સર્જાયેલા નવા યુગના સંજોગોમાં સૌથી વધુ ફાયદો થયો હોય તો મેટ્રિમોનિયલ કંપનીઓ કે સાઈટ્સને
ભારતમાં જીવનસાથી શોધવાની સમસ્યાઓ પર બેએક વર્ષ પહેલાં એક ઓટીટી પર ઇન્ડિયન મેચમેકિંગ આવી હતી, જેમાં આપણી વાસ્તવિકતા દર્શાવી હતી. બોલીવૂડની યુપી બિહાર પર બનતી હળવી ફિલ્મોએ આડકતરી રીતે મેટ્રિમોનિયલ સબ્જેક્ટ ટચ કર્યો છે.
મૂળ વાત, સંપર્કો ઘટતા યોગ્ય પાત્રોની શોધ માટે મેટ્રિમોનિયલ સાઇટ એકમાત્ર વિકલ્પ રહ્યો હોય એવું લાગે છે. કોરોના પહેલા ૨૦૧૯માં એક જાણીતી મેટ્રિમોનિયલ સાઇટમાં ત્રણ લાખ પ્રોફાઈલ હતી.
આપણે ત્યાં છોકરો છોકરી પચ્ચીસ વર્ષ પૂરા કરે એટલે પરિવાર તરફથી કે આસપાસની દુનિયામાંથી જાતજાતનું પ્રેશર આવતું હોય છે.
યુવાવર્ગને ચોઇસ મળે તે માટે મેટ્રિમોનિયલ સાઇટસમાં અસંખ્ય કેટેગરી હોય છે. ખાસ કેટેગરીમાં એલિટ મેટ્રોમોની હોય છે, સેલિબ્રિટી મેટ્રોમોની જેવી પ્રીમિયમ સેવાઓ પણ હોય છે. સ્પેશિયલ ઇન્કવાયરી માટે પચાસ હજાર જેવી ફી છે, બાકી પાંચ દશ હજાર રૂપિયા તો કોમન થવા લાગ્યા છે
આપણા ગુજરાતીઓ માટે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે ન્યૂઝીલેન્ડ સ્વર્ગ આ માટે ઘણી સાઇટ અલગથી કામ કરતી હોય છે.
સામાન્ય સંજોગોમાં વ્યક્તિ રજિસ્ટ્રેશન કરાવે છે, ત્યારે શું ધ્યાનમાં રાખી શકે? શોખ, અભ્યાસ, આવક, દેખાવ, સ્ટાઇલ, બંને પક્ષનાં માતા પિતાની પસંદગીઓ, ફોટાઓ, નોકરી, વ્યવસાય, જમીન જાગીર, ઘરમાં મોકળાશ, સંયુક્ત કે વિભક્ત પરિવાર, ઘરમાં ચલણ, અન્ય લોકોનો અભિપ્રાય, મંગળ અને જ્યોતિષ, ગામમાં છે કે શહેરમાં, કયા વિસ્તારમાં રહો છો, ઇન્ડિયન ડિવોર્સી અને એનઆરઆઇ ડિવોર્સી, ટેકનોસેવી છે કે કેમ, ફેશન, મોડર્ન ડ્રેસિંગ, છોકરાને બહેનો કે હયાત વડીલોની સંખ્યા, મિલકતો, પરિવારની સાઇઝ, અવરજવર. જેવા અસંખ્ય પરિબળો જોવામાં આવે છે.
ઘણીવાર તો આ બધાં પરિબળો માફક આવતા હોવા છતાં પૂર્વના અનુભવોને આધારે માતા પિતા નગણ્ય કારણોસર તૈયાર થતા નથી. મૂળ એક હકીકત પણ ખરી કે સમાજ સાથે સંવાદનો અભાવ થવા લાગ્યો છે.
એક વાત ચોક્કસ છે કે મેટ્રિમોનિયલ સાઇટસ, કંપનીઓ કે નિશ્ર્ચિત સમાજ માટે કામ કરતી સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે કામ કરતા લોકો જીવનસાથી શોધવામાં મદદ ના કરતાં હોત તો રુચિ મુજબ પાત્ર શોધવું મુશ્કેલ હોત. સામા પાત્રને એડજસ્ટ કરે એવા રોબોટ જલદી શોધાયા હોત, એ દિવસો પણ દૂર નથી.
ભારત એકલામાં લગ્નબજાર ૨૫૦ અબજ રૂપિયાનું છે, જેમાં ઓનલાઈન જન્માક્ષર જોવાથી માંડીને કેટરિંગ સુધીનું છે. માર્કેટ ગમે તેટલું વિશાળ હોય પણ કોરોનાયુગ પછીના સમયમાં મેટ્રિમોનિયલવાળાઓએ હાઇએસ્ટ બિઝનેસ કર્યો છે. હવે તો તેમની ગાડી ટ્રેક પર ચડી ગઇ છે
ભારતમાં મેટ્રિમોનિયલ સાઇટ્સ અને બિઝનેસ ત્રીસ ટકાના દરે વધી રહ્યો છે, જેમની પાસે સંપર્ક સૂત્રો સારા હોય એમણે આ વ્યવસાયમાં ઝંપલાવવું જોઈએ. શેરબજારના શોખીન જીવડાઓએ મેટ્રિમોનિયલ કંપનીઓમાં ઇન્વેસ્ટ કરાય.
કારણ સિમ્પલ છે, પહેલાં ફોટોગ્રાફી પાંચ દશ હજારમાં પૂરી થતી. આજકાલ દોઢ લાખથી શરૂ થાય છે ખાલી હનિમૂન જ શૂટ થતું નથી, કહેવાનો અર્થ એટલો જ કે લગ્ન કરવા માટે યોગ્ય પાત્ર શોધવા લોકો પાસે પૂરતા રૂપિયા છે.
જીવનસાથી શોધવા માટે ભારતમાં અલગ મેથડ હતી. ઘરના સભ્યો લગ્ન પ્રસંગોમાં સામા પક્ષે નજર રાખતા, પોતાનાં સગાઓમાં પણ એડજસ્ટ કરાવતા. આ ઉપરાંત ઘણા સમાજોમાં પંડિત કે આગેવાનો મારફતે જોડા ગોઠવાતા આસપાસ થતાં લવમેરેજ, ફિલ્મોની અસરો અને ગુજરાતમાં વિદેશ જવાના ક્રેઝમાં નવી પરંપરાઓ આવી.. પાત્રો માટે દેશોની પસંદગી સાથે એચઆર, સિટીઝન અને ગ્રીનકાર્ડ કેટેગરી ચાલે છે.
મેટ્રિમોનિયલ સિસ્ટમ આજકાલની નથી. વિશ્ર્વભરમાં લગ્ન અંગેની જાહેરાતો અને કંપનીઓનો ૪૦૦ વર્ષનો ઇતિહાસ છે.
યુકેની યુનિવર્સિટી ઓફ નોટિંગહામના ઈતિહાસના લેક્ચરર એચ.જી. કોક્સના “ધ સિક્રેટ હિસ્ટ્રી ઓફ ધ પર્સનલ કોલમ નામના પુસ્તક મુજબ, વર્ષ ૧૬૦૦ ના દાયકામાં પ્રથમ મેટ્રિમોનિયલ એજન્સીઓની શરૂઆત થઈ હતી.
આ યુગમાં પ્રિન્ટ જાહેરાતો દ્વારા ભણેલા પણ જેમની પાસે પરિવારની હૂંફ ન હોય તેવા માટે પત્નીઓ શોધવાની સુવિધા હતી.
આ રીતની થતી જાહેરાતનું મૂલ્ય નીચું આંકવામાં આવતું. ઇન શોર્ટ, જાહેરાત દ્વારા પાત્ર શોધવું પડે એ વ્યક્તિ માટે ખાસ માન રહેતું નહીં.
સો વર્ષ પછી, વર્ષ ૧૭૦૦ ના યુગમાં, આધુનિક અખબારની તેજી આવી અને ખાસ વૈવાહિક માર્કેટ સેવાઓ શરૂ કરવામાં આવી. ઔદ્યોગિક યુગમાં પ્રવેશી રહેલી દુનિયામાં પ્રોફેશનલ જાહેરાત કંપનીઓ દ્વારા અવિવાહિત પુરુષો અને સ્ત્રીઓ વતી જાહેરાતો આવતી હતી, જેઓ સારા જીવનસાથી શોધવા માટે ઉત્સુક હતા.
૧૮મી સદીની શરૂઆતથી ઓફિશિયલ મેટ્રિમોનિયલ એજન્સીઓ શરૂ થઈ અને સિસ્ટમેટિક બિઝનેસ થયો. ઇવન યુરોપમાં આ સમયમાં ગે પુરુષો માટે અને સ્ત્રીઓ માટે પ્રેમીઓની જાહેરાત પણ શરૂ થઈ હતી.. હવે તો લિવ ઇન માટે મેટ્રિમોનિયલ સેવાઓ ચાલતી હશે
પશ્ર્ચિમમાં વધુ પ્રમાણમાં સ્ત્રીઓ મેટ્રિમોનિયલ સેવાઓ લઇને પોતાની પસંદગીનું પાત્ર શોધે છે, ભારતમાં સ્ત્રીઓમાં ધીમે ધીમે જાગૃતિ આવી રહી છે.
મિન્સ લગ્ન હવે સ્વર્ગમાં નક્કી નથી થતા, ઓનલાઇન મેટ્રિમોનિયલ સેવાઓમાં નક્કી થાય છે
મેટ્રિમોનિયલ સિસ્ટમની એક આડઅસર છે, તમે સાવ અજાણ્યા પરિવાર સાથે જોડાવ છો એ પરિવાર સારું પણ હોય અને જો ના નીકળે તો તમારૂં નસીબ એની વે, શુભમ્ કરોતિ કલ્યાણમ્.
———-
ધ એન્ડ:
જિંદગીના આનંદને ભોગવવા માટે સુખને વહેંચવું પડે, સુખ માણવા માટે તમારી સાથે કોઈકનું હોવું જરૂરી છે.
-માર્ક ટ્વેઇન