( અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગર: પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં હોળી-ધૂળેટી પર્વ નિમિત્તે ભવ્ય રંગોત્સવનું આયોજન કરાયું હતું.
મંદિરના પરિસરમાં સંતો અને ૫૦ હજારથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા હતાં. દાદાને હોળીના દિવસે વિશેષ શણગાર કરવામાં આવેલ. જે બાદ ૧૦ પ્રકારના ૨૫ હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા હતાં.
આ ઓર્ગેનિક રંગ ખાસ ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતાં. બાદમાં ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવશે. એટલું જ નહીં રંગોની સાથે ૧ હજાર કિલો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી તેમજ આ રંગોત્સવના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો મંદિર પરિસરમાં ૭૦થી ૮૦ ફૂટ ઊંચા કલરના ૨૫૦ બ્લાસ્ટ કરાયા હતા. આ ઉપરાંત ૧૦૦ ફૂટ ઊંચા ૧૨૦ કંકુના બ્લાસ્ટ પણ કરાયા હતા. આ સાથે જ ૬૦ ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી હતી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી.