Homeઈન્ટરવલજર્મનીની રાજકુમારીએ સાહિત્ય થકી રશિયાને મહાસત્તા બનાવ્યું

જર્મનીની રાજકુમારીએ સાહિત્ય થકી રશિયાને મહાસત્તા બનાવ્યું

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

અંધકારયુગ પછી સમજ કેળવાતા યુરોપના દેશોનો સિતારો ચમકવા લાગ્યો, આ સમયે યુરોપનાં સામ્રાજ્યોના ઇતિહાસમાં રશિયા સાઇડ પર રહી ગયું હતું. રશિયાને યુરોપના રાજનૈતિક કેન્દ્રમાં આવવું હતું, એ માટે લોહી રેડવા પણ તૈયાર હતું.
રશિયાનો ઇતિહાસ જોઇએ તો નવમી સદીમાં સ્લેવ રાજાઓ હતાં, જેમણે રશિયાને ખ્રિસ્તી બનાવ્યું. તેરમી સદીમાં મોગોલો આવ્યા, તેમના અંત સાથે રોરિક વંશ આવ્યો. સત્તરમી સદીના પ્રારંભમાં રોમેનોફ નામના લીડર થકી રોમેનોફ વંશ શરૂ થયો.
સત્તરમી સદીના અંત ભાગમાં પીટર રાજા બન્યો, તેણે અનુભવ્યું કે યુરોપમાં રશિયાનો કોઈ ભાવ પૂછતું નથી. રશિયા તો યુરોપની દુનિયામાં જુનવાણી ગણાય છે, ચારે તરફ શક્તિશાળી રાજ્ય વિકાસ પામે છે. પીટરનું સ્વપ્ન હતું કે રશિયા પણ યુરોપ જેવું આધુનિક મહાસત્તા બને અને યુરોપના દેશો રાજકીય ગણતરીમાં રશિયાનું ખાસ મહત્ત્વ રાખે.
કિંગ પીટરે યુરોપને સમજવા માટે પ્રવાસો શરૂ કર્યા, યુરોપના દેશોની જેમ આધુનિક સૈન્ય બનાવ્યું. આરોગ્ય, વિજ્ઞાન અને જનસુવિધાના વિકાસ માટે યુરોપના તજજ્ઞોની મદદ લેવાની શરૂ કરી. સારા પગારે તજજ્ઞોને રશિયામાં આમંત્રિત કર્યા અને નવા માર્ગો, હૉસ્પિટલ અને પ્રભાવી શિક્ષણ પ્રથા શરૂ કરી. મહિલાઓ માટે આધુનિક સુધારા કર્યા, સ્વાભાવિક છે કે વર્ષોથી જુનવાણી વિચારો ધરાવતા ધર્મગુરુઓને પસંદ ન પડ્યું.
ખ્રિસ્તી ધર્મગુરુઓથી કંટાળીને ગ્રેટ કિંગ પીટરે રશિયાની રાજધાની મોસ્કોથી નવા બનાવેલા શહેર પીટ્સબર્ગ ટ્રાન્સફર કરી…
રશિયન રાજા પીટરે સમુદ્ર વેપારમાં વર્ચસ્વ જમાવવા તુર્કી સાથે લડાઈ કરી અને કાળા સમુદ્ર પર અધિકાર મેળવ્યો, સ્વીડન પાસેથી ઇસ્થોનિયા અને લિનોવિયા જેવા રાજ્ય જીતી લીધા… પરિણામ એ આવ્યું કે યુરોપના એકબીજા સાથે લડતાં રાજ્યોના રાજકારણમાં રશિયા મહત્ત્વની સત્તા બન્યું.
રોમેનોફ વંશના પીટરના વારસદારો નબળા નીવડ્યા, પણ એ વંશમાં અઢારમી સદીના મધ્યમાં એક રાણી આવી. બ્રિલિયન્ટ અને મહત્ત્વકાંક્ષી ધ ગ્રેટ ક્વીન કેથેરિન બીજી મૂળે જર્મન હતી અને રશિયાના ઇતિહાસમાં નામ અમર કરી દીધું.
ક્વીન કેથેરિનનું નામ માત્ર શાસનકર્તામાં જ નહીં પણ રશિયન નામાંકિત સાહિત્યકાર તરીકે પણ અમરત્વ પામી, તેણે યુરોપના સાહિત્યકારોનો રશિયાને મહાન બનાવવા જીવંત સંપર્ક રાખ્યો.
એક સમયે રશિયાનો સર્વાંગી વિકાસ કરવા પ્રયત્ન કર્યો, છતાં સફળતા ઓછી મળી. ક્વીન કેથેરિનને લાગ્યું કે રશિયાના વિકાસમાં પોલેન્ડ બહુ નડે છે, તેણે યુરોપના અલગ અલગ દેશો સાથે સૈન્ય સમાધાન કરીને પોલેન્ડને દુનિયાના નકશામાંથી ગાયબ કરી દીધું. મોટાભાગના પોલેન્ડના વિસ્તાર રશિયામાં સમાવી દીધા. તુર્કીનો ત્રાસ લાગતા તુર્કીને રાજનૈતિક હાર આપીને ક્રિમિયાને રશિયામાં સમાવ્યું.
યુરોપનાં સામ્રાજ્યો ધીમે ધીમે રશિયાનો પ્રભાવનો સમજ્યા, રશિયાએ લડાઇઓમાં પોતાનાં હિતોને ધ્યાનમાં રાખીને નામના વધારી. એક સમયે યુરોપમાં પછાત અને ગણતરી વિનાનું રશિયા યુરોપની રાજનીતિમાં સો વર્ષમાં કેન્દ્રમાં આવી ગયું.
યુરોપના દેશોમાં રશિયા આધુનિક દેશ છે એવું સાબિત કરવા ક્વીન કેથેરિને પ્રાથમિક શાળાઓ, એકેડમીઓ, લાઇબ્રેરી તથા અનેક સંસ્થાઓ શરૂ કરી. ક્વીન કેથેરિન તે સમયના ફિલોસોફર વોલ્તર સાથે સંપર્કમાં રહેતી, તેનું સાહિત્ય રશિયામાં લાવી.
રશિયાના વિદ્વાનો અને વૈજ્ઞાનિકોને યુરોપના દેશોમાં અભ્યાસ કરવા મોકલ્યા, જેનું પરિણામ એ આવ્યું કે યુરોપના વૈજ્ઞાનિકો, આર્કિટેક, કલાકારો, સાહિત્યકારોને રશિયા તરફ આકર્ષણ થયું. રાણીએ ઇમ્પિરિયલ એકેડમી ઓફ ફાઇન આર્ટસની સ્થાપના કરી, એક સમયે રશિયાની સ્ટેટ લાઇબ્રેરીમાં આડત્રીસ હજાર કરતાં વધારે પુસ્તકોનો સંગ્રહ થયો. યુરોપમાં પુસ્તકોની સૌથી વધુ કિંમત અને સન્માન રશિયા આપતું થયું, સ્વાભાવિક છે કે રશિયા બુદ્ધિશાળી વર્ગની નજરમાં રહેવા લાગ્યું.
આખા યુરોપમાં રશિયા સાહિત્ય અને કલાનું ચર્ચાસ્પદ કેન્દ્ર બન્યું. ક્વીન કેથેરિનનો અભ્યાસ એટલા માટે કરવો જોઈએ કે માત્ર લડાઇઓ લડવાથી જ કેન્દ્ર બની શકાય એ માન્યતા તેણે સાહિત્ય અને કળાની મદદથી ખોટી પાડી.
જ્યારે ક્વીન કેથેરિન સત્તા પર આવી ત્યારે રશિયા બરફનું રણ ગણાતું હતું, યુરોપના શક્તિશાળી અને બુદ્ધિશાળી વર્ગ રશિયાને અવગણતા હતા, એ રશિયા સમગ્ર યુરોપ માટે સાહિત્ય, વિજ્ઞાન, શિક્ષણ અને આર્ટસ માટે આશ્રયદાતા બન્યું.
રશિયન ઇતિહાસમાં સૌથી લાંબા સમય માટે શાસન કરનારા શાસક ક્વીન કેથેરિનની વાત શું કામ કરીએ છીએ? આ જગતમાં કશું અશક્ય નથી, રશિયાનું એ સમયનું હરીફ એવું જર્મનીનું શક્તિશાળી રાજ્ય પ્રશિયા હતું.
પ્રશિયામાં અસંખ્ય નાના ઉમરાવો હતાં, કેથેરિન એવા એક ગરીબ ઉમરાવની મોટી પુત્રી. મૂળ નામ સોફી તથા વર્ષ ૧૭૨૯માં જન્મી. એક રાજકુમારીને છાજે એ રીતે તેણે અભ્યાસ કર્યો. વર્ષ ૧૭૪૪માં પંદર વર્ષની ઉંમરે તેને અગાઉ આપણે વાત કરી એ પીટર ધ ગ્રેટના મૃત્યુ પછી તેની પુત્રી એલિઝાબેથ ગાદી પર આવી. તેણે સોફીને રશિયા આવવા માટે આમંત્રણ આપ્યું.
નિ:સંતાન એલિઝાબેથ પોતાના ભત્રીજા અને ભવિષ્યનો રાજા પીટર ત્રીજા માટે ક્ધયાની શોધમાં હતા, સોફીમાં રાજ્ય સંભાળી શકે એવી લાયકાત લાગી અને વર્ષ ૧૯૪૫માં બંનેનાં ઘડિયા લગ્ન લેવાયાં. પીટર સાથે લગ્ન થતાં સોફીનું નામ કેથેરિન અથવા કેટલાક ઉચ્ચારણ મુજબ કેથેરાઇન થયું.
જો કે એવું માનવામાં આવે છે કે પીટરનો સ્વભાવ વિચિત્ર હતો અને ઘણીવાર બાળક જેવી હરકતો કરતો. નવા વારસદારની અપેક્ષા સાથે શરૂ થયેલું મહત્ત્વકાંક્ષી કેથેરિન અને પીટરના લગ્નજીવનમાં ખાસ દમ ન હતો. પહેલાં આઠ વર્ષ તો સંતાન જ ન થયું. જ્યારે સંતાન થયું ત્યારે કેથેરિન દ્વારા જાણી જોઇને એવું જાહેર કરવામાં આવ્યું કે આ સંતાનનો પિતા પીટર નથી પણ રશિયન લશ્કરી અધિકારી સાલ્ટીકોવ છે. એવું માનવામાં આવે છે કે પીટરમાં પૌરુષત્વ ન હતું અને આ કારણે રાણી એલિઝાબેથે પૌત્ર માટે કેથેરિનને આ સંબંધ બાંધવાની છૂટ આપી હતી. રશિયન ઇતિહાસકારો માને છે કે આ બાળક પીટરનું જ હતું પણ તેને પરેશાન કરવા તેની પત્ની કેથેરિન જાણી જોઇને આવી અફવા ફેલાવી હતી. રાજનીતિ ક્યારેય સરળ હોતી નથી, જાતજાતના દાવપેચ રહેલા હોય છે.
એલિઝાબેથના નિધન પછી કિંગ બનેલા પીટરને પ્રશિયા અને રશિયા વચ્ચે યુદ્ધ પસંદ ન હતું, આ કારણે રશિયાના કેટલાક વર્ગથી અલગ પડી ગયો. કેથેરિને રશિયન ભાષા શીખવા સાથે રાજનીતિનો ઊંડો અભ્યાસ કર્યો અને પોતાના જ પતિ પીટરના વિરોધીઓ એવા કેથેરિનના પ્રેમી ગ્રેગરીના ભાઇ એલેક્સીની મદદથી પીટરની હત્યા કરાવી હોવાની કથાઓ પ્રચલિત થઈ હતી. જો કે હત્યાનો પુરાવો મળ્યો ન હતો પણ કેથેરિને ગાદી પર બેસવાની જે રીતે તૈયારી કરવા માંડી હતી એ જોતાં કિંગ પીટરનું મૃત્યુ શંકાસ્પદ કહી શકાય. સત્તાની ગાદીઓ લોહિયાળ હોય એવું માનવું ખોટું નથી.
કેથેરિને ગાદી સુધી પહોંચવા અસંખ્ય લફરાં કર્યા હોવાનું માનવામાં આવે છે. કેથેરિનનો એક ગુણ હતો કે જે પુરુષ સંબંધ પૂરો કરવા ઇચ્છે એને માનભેર સત્તા અને સંપત્તિ સાથે મુક્તિ આપતી હતી. આ કારણે કેથેરિન સામે બળવા થયા ત્યારે તેના સાથીઓએ ભરપૂર મદદ કરી હતી.
નવેમ્બર, ૧૭૯૬માં સાઇઠ વર્ષની વયે નિધન પામેલા ગ્રેટ રશિયન ક્વીનના મૃત્યુની પણ અસંખ્ય કથાઓ પ્રચલિત થઈ હતી. એક કથા મુજબ રાણીને પ્રાણીઓ સાથે સેક્સનો શોખ હતો અને ઘોડા સાથે આ રમત કરતાં મૃત્યુ પામી હતી. એક કથા મુજબ વૈભવી બાથરૂમમાં મૃત્યુ પામી હતી પણ રશિયાના ઇતિહાસ મુજબ રાણીને સ્ટ્રોક આવ્યો હતો અને બે દિવસની બીમારીને અંતે પથારીમાં જ મૃત્યુ પામી હતી. રશિયાની મહાન ક્વીનના જીવન પર આધારિત કેથેરિન ધ ગ્રેટ નાટક પણ બન્યું હતું.
પ્રશિયાની ગરીબ રાજકુમારી પોતાના દમ પર રશિયાને મહાસત્તા બનાવે એ ફક્ત શ્રેષ્ઠ આત્મવિશ્ર્વાસ થકી જ શક્ય બને.
કેથેરિન માનતી કે બહુ દુ:ખી થવું નહીં અને સુખની અપેક્ષાઓ સાથે કોઈ કામ કરવા નહીં. જુલમી લોકોને દુનિયા ભૂલવા માગતી હોય છે, અમર થવા ખૂબ પ્રેમાળ બનો. ધ ગ્રેટ ક્વીન કેથેરિનની કહાનીમાં અસંખ્ય બોધ અને ટ્વિસ્ટ રહેલા છે. મેં કથા લખી, રાજનીતિ અને અર્થઘટન તમારું હોમવર્ક છે…ઉ
ધ એન્ડ:
બાળકો શું વિચારતાં હોય છે એ જાણી શકાતું નથી. બાળકોને તેમના શિક્ષકો દ્વારા કડક શિસ્ત શીખવવામાં આવતી હોય ત્યારે તો ખાસ બાળકોના મનના ભાવ સમજવા મુશ્કેલ છે. શિક્ષકો દ્વારા બાળકોને કડક શિસ્તમાં રાખવા જરૂરી નથી કે જેમાં તે તેમની મૌલિકતા ગુમાવી દે. શિક્ષકોએ વાતચીતના માધ્યમથી બાળકના મનને એવું જીતવું જોઈએ કે તે તેમની ભૂલોને નિખાલસતાથી કહી શકે…
કેથેરિન, ધ ગ્રેટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -