(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૨૦ પૈસાના ગાબડા સાથે ૮૨.૬૫ના મથાળે બંધ રહ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૨.૩૭ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૨.૩૨ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૨.૬૫ અને ઉપરમાં ૮૨.૩૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૨૮ પૈસાના ઘટાડા સાથે ૮૨.૬૫ના મથાળે બંધ રહ્યો હતો.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધથી ૦.૪૩ ટકાના સુધારા સાથે ૧૦૪.૦૪ આસપાસ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૪૬ ટકા વધીને બેરલદીઠ ૭૭.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. આ ઉપરાંત આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૩૪૪.૨૯ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૭૧.૧૫ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૩૦૮૬.૯૬ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવતાં રૂપિયો વધુ દબાણ હેઠળ આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.