મુંબઈ: એમએમઆરડીએએ મેટ્રો સ્ટેશનને રેલવે સ્ટેશન સાથે જોડવા માટે ફૂટઓવર બ્રિજને ઊભો કરવાનો નિર્ણય લીધો છે. ૬૩૫ મીટર લાંબા અને ૪ મીટર પહોળા એફઓબીના નિર્માણ માટે અંદાજે રૂ. ૫૭.૯૩ કરોડનો ખર્ચ થશે. એમએમઆરડીએ અંદાજે ૧૦૦ મીટર એફઓબીના નિર્માણ પર રૂ. ૯ કરોડનો ખર્ચ કરવાની છે. મેટ્રો-૭ કોરિડોર પર પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે નવા એફઓબીના નિર્માણનું કાર્ય આગામી મહિનાથી શરૂ થશે. આ એફઓબી ગોરેગાંવ મેટ્રો સ્ટેશનથી વેસ્ટર્ન રેલવેના રામ મંદિર સ્ટેશન વચ્ચે હશે.
એમએમઆરડીએ અનુસાર એફઓબી પર એસ્કેલેટર, સ્ટેરકેસ, સીસીટીવી કેમેરા અને પ્રવાસીઓની સુરક્ષા માટે સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવશે. અંધેરી પૂર્વથી દહીંસર પૂર્વ વચ્ચે ૧૬ કિમીના રૂટ પર મેટ્રો-૭ ચાલી રહી છે. મેટ્રો-૭ને દહીંસરથી ડીએનનગર વચ્ચે ચાલી રહેલી મેટ્રો-ટુએ કોરિડોરથી જોડવામાં આવી છે. બન્ને કોરિડોરના ૩૫ કિમીના રૂટ પર દરરોજ અંદાજે દોઢ લાખ પ્રવાસી મુસાફરી કરી રહ્યા છે. ઉ
એફઓબી માટે રૂ. ૨૧૦ કરોડનું બજેટ
એફઓબી તૈયાર કરવા મટે રૂ. ૨૧૦.૭૧ કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી છે. મેટ્રોનાં સ્ટેશનોને એફઓબી મારફતે લોકલ ટ્રેન સાથે કનેક્ટ કરવા પર એમએમઆરડીએ લોકલના પ્રવાસીઓને મેટ્રો તરફ આકર્ષિત કરવાની યોજના પર કામ કરી રહી છે. બ્રિજ બનવાથી લોકલ ટ્રેનથી ઊતરીને પ્રવાસીઓ સીધા મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકશે. પ્રવાસીઓ માટે સારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે નજીકના સમયમાં જ લોકલ ટ્રેનનાં સ્ટેશનોને પણ એફઓબી દ્વારા જોડવામાં આવશે.