મુંબઈઃ હૈદરાબાદ જઈ રહેલી ટ્રેનના એસી કોચની નીચે આગ લાગવાની ઘટના આજે બપોરે મધ્ય રેલવેમાં બની હતી, પરંતુ ડ્રાઈવરની સતર્કતાને કારણે મોટી હોનારત થતાં ટળી ગઈ હતી. રેલવે કર્મચારી અને આપાતકાલીન પથકની સમયસૂચકતાને કારણે આગ તાત્કાલિત બૂઝાવવામાં આવી હતી.
બપોરે ત્રણ વાગ્યાની આસપાસ મુંબઈ હૈદારબાદ એક્સપ્રેસના ડી-વન એસી કોચની નીચે આગ લાગી હતી. આગને કારણે કોચની અંદરથી ધૂમાડો નીકળી રહ્યો હોવાની માહિતી રેલવે અધિકારીઓને આપવામાં આવી હતી. ઠાકુર્લી-કલ્યાણ વચ્ચે આ દુર્ઘટના થઈ હતી, પરંતુ સદ્ભાગ્યે કોઈને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નહોતી અને હોનારત થતી ટળી ગઈ હતી.
આગ બૂઝાય ત્યાં સુધી પ્રવાસીઓ અને કર્મચારીઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો અને આગ બૂઝાય ત્યાં સુધી પ્રવાસીઓએ ટ્રેક પર ઉતરી જવાનું પસંદ કર્યું હતું. આગ બૂઝાયા બાદ પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
કલ્યાણ રેલવે સ્ટેશનના સ્ટેશન મેનેજરે આ બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે મુંબઈ- હૈદરાબાદ એક્સપ્રેસ ઠાકુર્લી સ્ટેશનથી પસાર થઈ રહી હતી ત્યારે એસી કોચની નીચે આગ લાગી હતી. આ આગને કારણે કોચની અંદરથી ધૂમાડા નીકળી રહ્યા હતા. આ ઘટનાને કારણે પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા. પરંતુ રેલવે કર્મચારીઓની સતર્કતાને કારણે મોટી હોનારત થતી ટળી ગઈ હતી. આગ બૂઝાવ્યા બાદ ટ્રેનને કલ્યાણ સ્ટેશન લાવીને તેની ફરી તપાસણી કરવામાં આવી હતી અને ત્યાર બાદ જ ફરી ગાડી આગળ રવાના કરવામાં આવી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.