બનાસકાંઠા જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. કાંકરેજ તાલુકાના શિહોરીમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં આગ લગતા ICUમાં દાખલ 4 દિવસના બાળકનું મોત નીપજ્યું છે. ICUમાં દાખલ અન્ય બે બાળકોની હાલત નાજુક છે. બાળકોને સરકારી હોસ્પીટલમાં દાખલ કર્યા બાદ ડીસાની હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે.
ઘટના દરમિયાન સરકારી હોસ્પિટલના ડોકટરની બેદરકારી પણ સામે આવી છે. અસરગ્રસ્ત બાળકોને સરકારી હોસ્પિટલમાં લઇ જવાતા ત્યાં ડોક્ટર જ હાજર ન હતા. લોકો ડોક્ટરને ઘરે બોલાવવા ગયા હત તો ડોકટરે તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. સરકારી ડોક્ટરની બેજવાદારીના વિરોધમાં લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો હતો અને સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. લોકો ડોક્ટરની બદલીની માંગ કરી રહ્યા છે. પોલીસે અને સ્થાનિક આગેવાનોએ લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.
શિહોરીમાં આવેલી હની હોસ્પિટલના ICU વોર્ડમાં આગ લાગી હતી. આગ લાગી એ સમયે ICUમાં ત્રણ બાળકો એડમિટ હતા. આગમાં 4 દિવસના એક બાળકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બાળકોને ગંભીર અસર થતા ડીસાની હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર મામલે શિહોરી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.