રાજકોટ: છેલ્લા ઘણા દિવસથી બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવવાના હોય તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એક બાજુ તૈયારીને આખરી ઓપ આપવામાં આયોજકો વ્યસ્ત છે.તો બીજી બાજુ રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમભાઈ પીપળીયાની સોશિયલ મીડિયાની પોસ્ટ વાઇરલ થતાં વિવાદનું વાતાવરણ સર્જાયું છે. ગઈ કાલે ડ્રગ ક્યાંથી આવે છે? તેવો સવાલ પૂછતાં અને જવાબ આપે તો પાંચ લાખ ઇનામ આપવાની જાહેરાત બાદ તેમને સતત ધમકીઓ મળી રહી છે. તેવું સહકારી અગ્રણી પરસોત્તમભાઈ પીપળીયાનું કહેવું છે. બીજી બાજુ રાજકોટનો એક પરિવાર ધીરેન્દ્ર શાસ્ત્રીના નુસ્ખાથી નારાજ થયો છે કારણ કે આ પરિવારે શાસ્ત્રી પાસે જઇને દરદ મટાડવાનું ઓસિડીયું કર્યું હતું, પરંતુ દરદ મટ્યું નથી તેવો આક્ષેપ કર્યો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મારી લડત ધર્મ વિરુદ્ધ નથી બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મનું કોઈ પણ કાર્ય કરે તો તે સરાહનીય જ છે હું પણ સનાતન ધર્મનો આગ્રહી છું, પરંતુ ચિઠ્ઠી નાખી અને સમસ્યાનો નિવારણ કરવાના ધતિંગ સામે મને વાંધો છે અને તે ગમે તેવા પ્રકારની ધમકીઓ મને મળે તો પણ હું ફોન ચાલુ રાખીશ મારે પોલીસ તંત્રનો સહારો પણ લેવો નથી ધમકીઓ આપનારા તત્ત્વો રૂબરૂ આવી અને મને કશું કરે કે કહે તો મારી ઉંમર પ્રમાણે મારે જે પ્રતિકાર કરવાનો હશે તે કરીશ. દરમિયાન ૨૧ મી સદીના આધુનિક ભારતમાં અંધ શ્રદ્ધાને નહીં લઈ વધુ એક વિવાદ સામે આવ્યો છે.
બાગેશ્ર્વર ધામ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં એક તાણ અને આંચકીના બાળ દર્દીને લઈ ગયા બાદ શાસ્ત્રીજીએ માથે હાથ ફેરવી ભભૂત લગાવી અને દવા બંધ કરી દેવા પરિવારને જણાવ્યું.તે પ્રમાણે દવા બંધ કરી અને શ્રદ્ધા સાથે પરિવાર પરત ફર્યો હતો, પરંતુ થોડા દિવસોમાં જ તાણ અને આંચકી ફરી શરૂ થઈ ગયા હતા. અને હાલ બાળક આઇ.સી.યુ. માં વેન્ટિલેટર પર પહોંચી ગયું છે.